Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

માવઠાના માઠા સમાચાર : બુધવારે વધારે અસર કરશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપરએર સાયકલોનીક સરકયુલેશનની સંયુકત અસરથી મંગળથી ગુરૃ કમોસમી વરસાદ ખાબકશે : વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશ : વધુ અસરકર્તા વિસ્તારો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવો - મધ્યમ - ભારે તો એકલ - દોકલ વિસ્તારોમાં અતિ ભારે કમોસમી વરસાદ પડશે : ઉત્તર ગુજરાત સિવાય દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ માવઠાની વધુ અસર જોવા મળશે : ગુજરાત, મહારાષ્ટ્ર, એમ.પી. અને પૂર્વ રાજસ્થાનમાં માવઠાની અસર વધુ રહેશે :પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબીમાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો તો :એકલ - દોકલ વિસ્તારમાં મધ્યમ વરસાદ :આવતીકાલ તા. ૩૦ના સાંજથી અસર દેખાવા લાગશે : મુખ્ય અસર સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં : તા. ૧ ડિસેમ્બરના જોવા મળશે. તા. ૨ ડિસેમ્બરના એમ.પી. અને પૂર્વ રાજસ્થાનમાં અસર જોવા મળશે

રાજકોટ, તા. ૨૯ : આવતીકાલથી ત્રણેક દિવસ સમગ્ર રાજયમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળશે. માવઠાની પૂરેપૂરી શકયતા છે. જેમાં બુધવારે વધુ અસર જોવા મળશે તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, હાલમાં ઠંડીનો માહોલ જોવા મળતો નથી. સવારે અને દિવસ દરમિયાન પણ તાપમાન નોર્મલથી ઉંચુ જોવા મળે છે. જેમ કે, અમરેલી ૩૩ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૩૪.૩ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), અમદાવાદ ૩૪.૫ (નોર્મલથી ૪ ડિગ્રી ઉંચુ), કંડલા ૩૨.૭ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ) તેવી જ રીતે ન્યુનતમ તાપમાન અમરેલી ૧૮ ડિગ્રી (નોર્મલથી ૩ ડિગ્રી ઉંચુ), રાજકોટ ૧૮.૩  ડિગ્રી (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), અમદાવાદ ૧૬.૯ ડિગ્રી (નોર્મલથી ૨ ડિગ્રી ઉંચુ), કંડલા ૧૮.૬ ડિગ્રી (નોર્મલથી ૧ ડિગ્રી ઉંચુ) નોંધાયેલ છે.

શ્રીલંકા અને દક્ષિણ ભારતના કોમોરીન એરીયા ઉપર સાયકલોનીક સરકયુલેશન ૧.૫થી ૩ કિ.મી.ના લેવલે હતું તે આજે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર તરફ સરકી આવેલ છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશન શરૃઆતમાં ઉત્તર ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરશે. વેસ્ટર્ન ડિર્સ્બન્સ આવતીકાલથી સક્રિય થશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ અરબી સમુદ્ર સુધી લંબાશે અને તે ટ્રફની ધરી તેનાથી પૂર્વ તરફ પવનો નોર્થ ઈસ્ટના ફૂંકાશે. જેથી જે અરબી સમુદ્રમાં સરકી આવેલ અપરએર સાયકલોનીક સરકયુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ટ્રફ ભેગા થઈ તેનો ભેજ લાગુ સૌરાષ્ટ્ર - ગુજરાત લાગુ મહારાષ્ટ્ર લાગુ એમ પી અને પૂર્વ રાજસ્થાન ઉપર અસરકર્તા રહેશે.

આવતીકાલ તા. ૩૦ના સાંજથી અસર દેખાવા લાગશે. મુખ્ય અસર સૌરાષ્ટ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં તા. ૧ ડિસેમ્બરના જોવા મળશે. તા. ૨ ડિસેમ્બરના એમ.પી. અને પૂર્વ રાજસ્થાનમાં અસર જોવા મળશે.

૩૦મીના મંગળવારે દક્ષિણ આંદામાનના દરીયામાં પૂર્વ તરફથી સિસ્ટમ્સ સરકી આવેલ છે. જેથી લો પ્રેશર બનશે જેથી આવતા દિવસોમાં આ લો પ્રેશર મજબૂત બનશે અને તા.૩ ડિસેમ્બર સુધીમાં આ લોપ્રેશર આંધ્ર તરફ જશે, પરંતુ વેસ્ટર્ન ડિર્સ્બન્સની અસરથી આ સિસ્ટમ્સનો ટ્રેક બદલાશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલ જણાવે છે કે તા.૩૦ થી એટલે કે આવતીકાલથી અસર શરૃ થશે અને તા.૨ ડિસેમ્બર સુધી અસર જોવા મળશે. જેમાં મુખ્ય અસર તા.૧ ડિસેમ્બરના બુધવારે જોવા મળશે. જેમાં જૂનાગઢ જીલ્લો, ગીર સોમનાથ જીલ્લો, અમરેલી જીલ્લો, ભાવનગર જીલ્લો, બોટાદ જીલ્લામાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ, ભારે તો એકલ - દોકલ વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડશે. જયારે પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી જીલ્લામાં છુટાછવાયા વિસ્તારોમાં ઝાપટાથી માંડી હળવો તો એકલ - દોકલ વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડશે. ૧ ડિસેમ્બરના દિવસ દરમિયાન ધાબડીયુ વાતાવરણ જોવા મળશે.

(1:29 pm IST)