Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૭૫ મુમુક્ષુઓની દીક્ષા સંપન્નઃ ૮ પરિવારોના તમામ સભ્યોનું પ્રવજયા પંથે પ્રયાણ

યોગતિલકસૂરી મહારાજા સહિત સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં સુરત ખાતે ૭ થી ૭૦ વર્ષના

રાજકોટઃદીક્ષા નગરી સુરત ખાતે શ્રી શાંતિકનક શ્રમણોપાસક ટ્રસ્ટ અધ્યાત્મ પરિવાર દ્વારા આયોજિત ૭૫ સામુહિક દીક્ષા ઉત્સવમાં આજે ૭૫ મુમુક્ષુઓની દિક્ષાના દાન ગુરૂ ભગવંતોએ આપ્યા હતા. જેમાં ૮ પરિવારોના તમામ સભ્યોએ દિક્ષા ગ્રહણ કરી હતી. ગઈકાલે ચોથા દિવસે સવારે વર્ષીદાનનો ભવ્ય વરઘોડો રાજમાર્ગ પર નીકળ્યો હતો.યાત્રા ૮ કિલોમીટર અંતર કાપીને અધ્યાત્મ નગરી પહોંચી હતી. દોઢ કિલોમીટર લાંબી યાત્રા આખા સુરત માટે નજરાણું બની હતી. ૧ લાખથી વધુ લોકોએ વરઘોડાના દર્શન કર્યા હતા.ગઈકાલે સવારે ૯ વાગ્યે શાસનની ધજા લહેરાવતો કીર્તિસ્તંભ શાહી વર્ષીદાન યાત્રાની આગેવાની કરતો હોય એ રીતે સૌથી આગળ શાનથી ચાલતો હતો. જેની પાછળ ધમ ધમ કરતા હાથીની સવારી હતી. છ હાથીઓની આકર્ષક સવારીની પાછળ ૧૦ ઘોડા અને ૧૦ ઘોડીઓની સવારી હતી. પછી બેન્ડવાજાની બઘડાટીએ વાતાવરણ ગજવ્યું હતુ. યાત્રમાં ત્રણ ટેબ્લોમાં દિક્ષાર્થીઓનાં ઉપકરણો હતા. જેની પાછળ શરણાઈ, ત્રાસા અને મંજીરાના નાદે લાકડીના કરતબ કરતા યુવાનો સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. યાત્રામાં ૭૫  દિક્ષાર્થીઓ માટે વિવિધ થીમ આધારિત કુલ ૯ બગી બનાવવામાં આવી હતી. રજવાડી બગીઓમાં  સ્ટીમર, આર્મી ટેન્ક, રાજમહેલ, કિલ્લા વગેરે આકૃતિના ટેબ્લોમાં દિક્ષાર્થીઓ શોભી રહ્યા હતા અને યાત્રાના માર્ગમાં ઠેર-ઠેર વર્ષીદાન કર્યું હતું. તેમજ ઠેર-ઠેર યાત્રા અને દિક્ષાર્થીઓ ઉપર ક્રેઇન દ્વારા પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. આ સાથે વરઘોડામાં સાયકલમાં કરતબ, જોકર, રોબર્ટના પરિવેશમાં ચાલતા યુવાનો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઢોલ, શરણાઈ, જોડિયા પાવા, મંજીરા વગેરે સંગીતના સાધનોવાળા ૧૨થી વધુ બેન્ડ વૃંદે અનોખો સંગીતનો માહોલ બાંધ્યો હતો. યાત્રાની શરૂઆતમાં વનિતા વિશ્રામથી વરઘોડાના દર્શન કરનાર યોગતિલકસૂરી મહારાજા સહિત સાધુ ભગવંતો અને સાધ્વીજી ભગવંતો યાત્રામાં સૌથી છેલ્લે જોડાયા હતા. અને પાછળ ભગવાનનો રથ હતો. દયાળજી બાગથી શરૂ થયેલી યાત્રા અઠવાગેટ, પારલે પોઇન્ટ, રાહુલરાજ થઈને ૮ કિલોમીટરનું અંતર કાપીને અઘ્યાત્મ નગરી પહોંચી હતી. લગભગ દોઢ કિલોમીટર લાંબી યાત્રાના દર્શન માટે રોડ પર લોકોની ભીડ જામી હતી. વાહનચાલકો બે મિનિટ માટે વાહન થોભાવી દર્શન કરી રહ્યા હતા. તો માર્ગમાં દુકાનો, મોલ અને ઘરની બાલકની અને અગાશીમાંથી પણ લોકોએ દર્શનનો લહાવો લીધો હતો. રોડની સાઈડમાં અને ફૂટ બિજ ઉપર પણ લોકો વરઘોડો જોવા માટે ગોઠવાઈ ગયા હતા.દિક્ષાર્થીઓના અંતિમ વાયણાનો દરેક લાભ લઇ શકે એ હેતુથી સાકર અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્રણ દિવસમાં ૧૦ હજારથી વધુ લોકોએ સાકર અર્પણ કરી હતી. આ બધી સાકરનું પાણી બનાવીને દિક્ષાર્થીઓએ અંતિમ વાયણામાં ગ્રહણ કર્યું હતું. વાયણા અગાઉ દિક્ષાર્થીઓના વિદાય તિલકના ચઢાવા બોલાયા હતા. તથા મહોત્સવના લાભાર્થીઓનુ બહુમાન કરાયુ હતુ.તો સાંજે ૬.૩૦ વાગ્યે સૃષ્ટિનો સર્વોચ્ચ નઝારો સમાન અવર્ણનીય, અકલ્પનિય અદ્વિતીય મહાપૂજા મહાભકિત થઈ હતી.સિંહસત્વોત્સવમાં આજે પાંચમા અને અંતિમ દિવસે વહેલી સવારે ૪.૪૧ વાગ્યે ગુરૂ ભગવંતો તથા મુમુક્ષુઓનો દીક્ષા મંડપમાં પ્રવેશ થયેલ. ૬.૪૮ વાગ્યે રજોહરણ પ્રદાન અને ૧૦.૦૮ વાગ્યે એક અલૌકિક આનંદના અહેસાસ દેતો કેશલૂંચનનો અદભુત માહોલ સર્જાયેલ. ત્યારબાદ ૧૦.૧૭ વાગ્યે અભયદાનની ઉદઘોષણાના ઓવારણાં કરાયેલ. ઉપસ્થિત દરેક દિક્ષાર્થીઓને અક્ષતથી વધાવી શકશે. અને ૧૧.૧૬ વાગ્યે નામકરણ વિધિ યોજાઈ હતી.

(3:32 pm IST)