Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બાયડ તાલુકાના હઠીપુરા ગામે પ્રેમસંબંધમાં પરિણીતા સહીત પુત્રને ગળેટુંપો દઈ મોતનેઘાટ ઉતાર્યા હોવાનું બહાર આવતા પોલીસે તપાસ હાથ ધરી

બાયડ:તાલુકાના હઠીપુરા ગામની સીમમાંથી બે દિવસ પહેલા એક સગીર અને એક મહિલાનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યાં હતા. બાદમાં પોલીસ તપાસમાં જૂનાગઢના બે શખ્સોએ પ્રેમ સંબંધમાં તાપી જિલ્લાના સોનગઢ પાસેના ખારવડની પરિણીતા અને તેના પુત્રને દોરી વડે ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યાં હોવાની ચોંકવાનારી વિગત બહાર આવી છે. પોલીસે બંને હત્યારાઓની ધરપકડ કરી લૂંટી લેવાયેલી ૩.ર૦ લાખની રોકડરૂ. ૬૦ હજારના ઘરેણાં અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.

   બાયડ તાલુકાના હઠીપુરા તાબેના નાનીખારી ગામ નજીક આવેલા તળાવ કિનારે ઝાળીઝાંખરાંમાં મહિલા અને સગીરની હત્યા કરાયેલી લાશ મળી હતી. એક જ સ્થળેથી હત્યા કરાયેલા બે મૃતદેહ મળી આવતાં પોલીસ દ્વારા મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે ભેદી ડબલ મર્ડર કેસનો ભેદ ઉકેલવા માટે ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જેમાં મૃતક મહિલા અને તેનો પુત્ર તાપી જિલ્લાના સોનગઢ પાસેના ખારવડ ગામની હોવાનું જાણવા મળ્યું હતું.

પોલીસે અંગત અદાવત તેમજ પ્રેમ સબંધની આશંકાને ધ્યાનમાં રાખી તપાસ આરંભી જેમાં મૃતક મહિલાને જુનાગઢના બિલખા ગામના સુરેશ મેર નામના શખ્સ સાથે પ્રેમ સબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જિલ્લા એલ.સી.બી.ની ટીમે બે હત્યારાઓને રાજકોટથી દબોચી લઈ સમગ્ર હત્યાનો બનાવ ઉકેલી નાખ્યો છે.

(5:34 pm IST)