Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

અમદાવાદના નાના ચિલોડામાં વ્યાજે રૂપિયા લીધા બાદ આપઘાત કરનાર શખ્સની અંતિમ ચિઠ્ઠીના આધારે પોલીસે તપાસ શરૂ કરી

ગાંધીનગર : અમદાવાદના નાના ચિલોડામાં રહેતા ૪પ વર્ષીય આધેડે મિત્રના સગા પાસેથી વ્યાજે રૃપિયા લીધા બાદ વ્યાજના ચકકરમાં ફસાઈ જઈ આખરે ભાટ પાસે સાબરમતી નદીમાં આપઘાત કરી લીધો હતો. ત્યારે આ મામલે તેમની ચીઠ્ઠીના આધારે ઈન્ફોસીટી પોલીસે ચાર વ્યક્તિઓ સામે દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક વ્યાજખોર દ્વારા લાખ રૃપિયાનું મહિને ૪.પ ટકા વ્યાજ વસુલવામાં આવતું હોવાનું પણ ફરીયાદમાં જણાવાયું છે.

અમદાવાદના નાના ચિલોડા પાસે નંદીપાર્ક સોસાયટીમાં રહેતા ૪પ વર્ષીય મહેશભાઈ માનસિંગભાઈ ડાંગી અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરતાં હતા અને જયાં તેમની સાથે મિત્ર સંજય રોહીતભાઈ છારા નોકરી કરતા હતા. મહેશભાઈને રૃપિયાની જરૃર પડતાં તેમણે સંજયને વાત કરી હતી અને તેના આધારે સંજયની સાળી કુબેરનગરમાં રહેતી કવિતા પાસેથી  રૃપિયા વ્યાજે લીધા હતા જેનું દર મહિને વ્યાજ ચુકવવામાં આવતું હતું અને રૃપિયા ચુકવાઈ ગયા બાદ પણ કવિતા અને તેનો પુત્ર વ્યાજના રૃપિયાની ઉઘરાણી કરતો હતો. સંજયે પણ રૃપિયા આપવા છતાં હાથ અધ્ધર કરી દીધા હતા. તો નોબલનગર નંદીગ્રામ સે-૩માં રહેતા અશોકભાઈ ભુરાભાઈ રાણા દ્વારા પણ એક લાખ રૃપિયાનું દર મહિને ૪.પ ટકા વ્યાજ વસુલી રૃપિયા ચુકવવા ધમકીઓ આપવામાં આવતી હતી. જેને લઈ ઉઘરાણીથી કંટાળી જઈ મહેશભાઈએ આપઘાત કરવાનું નકકી કર્યું હતું અને અંતિમ ચીઠ્ઠી લખીને ભાટ પાસે સાબરમતી નદીમાં ઝંપલાવી દીધું હતું. ત્યારે આ મામલે તેમના પુત્ર રૃપેશભાઈ ડાંગીની ફરીયાદના આધારે ઈન્ફોસીટી પોલીસે કુબેરનગર સંતોષીનગરમાં રહેતી કવિતાબેન તેના પુત્ર ઉર્વીશ, સંજયભાઈ રોહીતભાઈ છારા અને અશોકભાઈ ભુરાભાઈ રાણા સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.   

(5:35 pm IST)