Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

તારાપુરના યુવકને વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી આઠ લાખની છેતરપિંડી આચરનાર બે યુવક વિરુદ્ધ ગુનો દાખલ

તારાપુર : તારાપુરના એક યુવકને વિદેશમાં નોકરી કરવાની લાલચ આપી વીસ હજાર રોકડા તથા ટીકીટ બુક કરાવવા માટે મિત્રનાં  ક્રેડિટ કાર્ડથી આઠ લાખ પચાસ હજાર રૂપિયાનું અલગ અલગ જગ્યાએ ટ્રાન્ઝેક્શન કરી રકમ ઉપાડી વિદેશ ન મોકલી છેતરપિંડી કરાતાં યુવકે તારાપુર પોલીસ મથકે ફરિયાદ કરતા તારાપુર પોલીસે બે યુવકો વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જુલાઇ મહિનામાં તારાપુર ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા સુનિલ કુમાર મનુભાઈ મેકવાન મોટી ચોકડી પર આવેલ ફેમસ લસ્સી એન્ડ પાન સેન્ટર વાળી ઓફિસ પર પેટલાદ તાલુકાના માનપુરા ખાતે રહેતા રાહુલભાઈ વિનોદભાઈ પટેલ તથા તારાપુર ખાતે રહેતા નીરવભાઈ ભાઈ ભરતભાઈ રાણાને મળી સારા કામ ધંધા માટે વિદેશ જવાની વાત કરી હતી. આરોપીઓએ સારા કામધંધા માટે દુબઈ જવા ૮૭ હજાર રૂપિયાનો ખર્ચ થશે એમ જણાવ્યું હતુ. આ અંગેની સુનિલભાઈએ તૈયારી બતાવતા એડવાન્સ રૂપિયા વીસ હજાર રોકડા આપેલા બાદમાં થોડા દિવસ બાદ ફોન કરી ટિકિટ તથા વિઝાની કામગીરી પૂરી થઈ ગઈ હોવાનું જણાવી બીજા પૈસા માગ્યા હતા તે પૈસા ચૂકવવા સુનિલભાઈ મેકવાન દ્વારા તારાપુર વિરોલા ફળિયામાં રહેતા મિત્રના ક્રેડિટ કાર્ડથી બાર હજાર પાંચસો બે વાર આપ્યાં હતા. દરમિયાન રાહુલ પટેલે સુનિલ મેકવાનને જણાવ્યું હતું કે દુબઇ જવા મુંબઇ એરપોર્ટ પહોંચી જવું પડશે. પોતાના જેવા બીજા ૧૪ માણસો સાથે સુનિલભાઈ મેકવાન મુંબઇ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમને લેવા કોઇ એજન્ટ આવ્યો ન હતો અને રાહુલ પટલે મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોતાની છેતરપિંડી થઇ હોવાનું જણાતા તેમણે નીરવ રાણાને વાત કરી હતી. નીરવ રાણાએ સાડા આઠ લાખની રકમ પૈકી ૧,૩૭,૩૦૦ રૂપિયા પરત આપી બાકીના નાણા માટે રાહુલ પટેલનો સંપર્ક કરજો કહી હાથ અધ્ધર કરી દેતા સુનિલ મેકવાને તારાપુર પોલીસમાં પેટલાદના માનપુરામાં રહેતા રાહુલ વિનોદભાઇ પટેલ અને તારાપુરના નીરવ ભરતભાઇ રાણા સામે ફરિયાદ નોંધાવી હતી.

 

(5:36 pm IST)