Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાતે લક્ઝમબર્ગ –ગ્રાન્ડ ડચીના રાજદૂત પેગી ફ્રેન્ટઝેન

આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પાઠવ્યું નિમત્રંણ: ગુજરાતમાં આઇ-ટી, ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીમાં ઘણી પ્રગતિ થઇ છે તેનો લાભ લઇ આ ક્ષેત્રે સહભાગીતા માટે શુભેચ્છા મુલાકાત દરમ્યાન પરામર્શ

અમદાવાદ :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત લક્ઝમબર્ગ-ગ્રાન્ડ ડચીના રાજદૂત સુશ્રી પેગી ફ્રેન્ટઝેને ગાંધીનગરમાં લીધી હતી.

તેમણે મુખ્યમંત્રી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, તેમના રાષ્ટ્રની એક કંપની કચ્છના મુંદ્રામાં ૧૦૦ કરોડ રૂપીયાના રોકાણ સાથે પોતાનું યુનિટ સ્થાપવાની છે.
 લક્ઝમબર્ગ રાજદૂતે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં લક્ઝમબર્ગ સ્ટોક એક્સચેંજ શરૂ કરવાની પણ તત્પરતા વ્યક્ત કરી હતી.
સુશ્રી પેગી ફ્રેન્ટઝેને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમના કાર્યકાળમાં યોજાઇ રહેલી આ પ્રથમ વાઇબ્રન્ટ સમિટની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તેમને કહ્યું કે, વિસ્તારની દૃષ્ટિએ નાનો દેશ હોવા છતા લક્ઝમબર્ગની આઠ-દસ કંપની –ઉદ્યોગો ભારતમાં કાર્યરત છે તે આવકાર્ય છે.
 ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આઇ.ટી; ફાઇનાન્સિયલ સર્વિસીઝ, મેડીકલ ડિવાઇસિઝ અને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ થઇ છે.
આગામી વાઇબ્રન્ટ સમિટ-૨૦૨૨માં લક્ઝમબર્ગના ઉદ્યોગો આ સેક્ટરમાં સહભાગિતા માટે આગળ આવે તો આ સાઝીદારી ભારત-ગુજરાત- લક્ઝમબર્ગ માટે ઉપયુક્ત બનશે એમ પણ પટેલે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવીને આગામી વાઇબ્રન્ટ ૨૦૨૨માં તેમના દેશના ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ સાથે જોડાવા પણ નિમંત્રણ આપ્યું હતું.    
મુખ્યમંત્રીએ લક્ઝમબર્ગ રાજદૂતશ્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે અર્પણ કરી હતી.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથન તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના એમ.ડી. શ્રીમતિ નિલમ રાની આ બેઠકમાં જોડાયા હતા.  

(7:41 pm IST)