Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવના

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની આશા દેખાઈ : આંતરાષ્ટ્રીય સ્તર પર જ્યારે કિંમતમાં ઘટાડો આગામી દિવસોમાં યથાવત રહે તો ભાવ નીચા આવી શકે છે

અમદાવાદ,તા.૨૯ : પેટ્રોલ અને ડીઝલના ભાવ ૧૦૦ને પાર ગયા બાદ દિવાળીના તહેવારમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરતા તે ૧૦૦ની અંદર આવ્યા હતા. જોકે, હજુ પણ જે પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવો જોઈએ તેટલો નથી થયો તેવી ચર્ચાઓ વચ્ચે આગામી દિવસોમાં ભાવમાં ઘટાડો થાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

પાછળનું કારણ ઓમિક્રોન વેરિયન્ટ માનવામાં આવી રહ્યું છે. આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ થોડા દિવસો માટે નીચા રહે છે તો દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધુ નીચા આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સત્તાવાર સૂત્રો જણાવે છે કે, ઘરેલુ સ્તર પર પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૫ દિવસની રોલિંગ એવરેજના આધારે નક્કી કરવામાં આવે છે.

આવામાં આંતરાષ્ટ્રીય સ્તર પર કિંમતોમાં સતત ઘટાડો બાદ ભાવમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલે પ્રતિ બેરલ ૨૫ નવેમ્બર સુધી ભાવ લગભગ ૮૦થી ૮૨ ડોલર રહ્યો છે. પછી વધુ ઘટાડો થતા પ્રતિ બેરલની કિંમત ૭૨.૯૧ ડોલર પર પહોંચતા દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે. વધુમાં એવી પણ વાત સામે આવી રહી છે કે, આંતરાષ્ટ્રીય સ્તર પર જ્યારે કિંમતમાં ઘટાડો આગામી દિવસોમાં પણ યથાવત રહે તો પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચા આવી શકે છે. હાલમાં અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયા સહિત ભારત જેવા મુખ્ય દેશો કે જ્યાં પેટ્રોલ-ડીઝલનો વધુ વપરાશ થાય છે તેમણે સંયુક્ત રીતે આંતરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલના ભાવમાં ઘટાડો કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, પછી પણ આંતરાષ્ટ્રીય કિંમતો પર કોઈ અસર પડી નથી. આવામાં હવે નવા વેરિયન્ટના લીધે ઉભા થયેલા ભયના કારણે આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે, આમ અમૂક દિવસ સુધી ઘટાડો નોંધાયો તો સ્થાનિક પેટ્રોલ અને ડીઝલના ભાવ પર તેની અસર જોવા મળી શકે છે. જો આમ થાય તો અન્ય ચીજ વસ્તુઓના ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે.

(8:54 pm IST)