Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

લગ્નમાં કલર બોમ્બ ફાટતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા

રિંગ રોડ પર આવેલા પાર્ટી પ્લોટનો બનાવ : લગ્ન પહેલા હલદી અને સંગીતના કાર્યક્રમમાં કોઈએ કલર બૉમ્બ ફોડતા અચાનક આગ લાગી ગઈ હતી

અમદાવાદ,તા.૨૯ : હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. ત્યારે લોકો લગ્ન પ્રસંગની ઉજવણીમાં પોતાનું ભાન ભૂલી જઈ કરવાનું કરી બેસતા હોય છે. આવો એક કિસ્સો અમદાવાદ શહેરમાં બન્યો છે.

જ્યાં લગ્ન પહેલા હલદી અને સંગીતના કાર્યક્રમમાં કોઈએ કલર બૉમ્બ ફોડતા અચાનક આગ લાગી અને સામાન્ય આગમાં ચાર લોકોને એવી ઇજાઓ થઈ કે તમામ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રસંગમાં આવી ઘટના બનતા અહીં આવેલા લોકોની ખુશીમાં ભંગ પડ્યો હતો. રિંગ રોડ પર આવેલા શ્રીકુંજ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં એક પરિવારે લગ્ન માટે ત્રણ દિવસ જગ્યા ભાડે લીધી હતી. અહી લગ્નની સાથે સાથે હલદી અને સંગીત સહિતના કાર્યક્રમો હતા.

ત્યારે બેએક દિવસ પહેલા એક એવી ઘટના બની જેના રંગમાં ભંગ પડ્યો હતો. ઘટના એમ બની હતી કે નવરંગપુરામાં રહેતા એક યુવકના લગ્ન હતા. લગ્ન પહેલા અહીં હલદી અને સંગીતની રસમ હતી. અનેક મહેમાનો અહીં આવ્યા હતા. ત્યાં લોકો ખુશીમાં ને ખુશીમાં કલર અને ગુલાલ ઉડાવતા હતા.

ત્યારે  કોઈએકલર બોમ્બથી કલર ઉડાવતા અચાનક આગ જેવી ઘટના બની હતી. અહીં હાજરમાં વરરાજાના એક મિત્ર અને સબંધીઓ સહિત ચારેક લોકો ઘવાયા હતા. તાત્કાલિક હો હા થઈ જતા લોકોમાં નાસભાગ મચી ગઇ અને તાત્કાલિક ચાર લોકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યાં પોલીસને જાણ કરાતા પોલીસે અંગે હાજર ઇલેક્ટ્રિક વસ્તુના વેપાર કરતા વેપારીના નિવેદન લઈ જાણવાજોગ નોંધી તપાસ કરી હતી. પરંતુ લોકોએ લગ્ન ની ખુશીમાં આવીને ઉત્સાહમાં ને ઉત્સાહમાં આવી હરક્ત કરવી જોઈએ. નહિ તો ખુશીના પ્રસંગમાં ગંભીર વાતાવરણ બની શકે છે. લોકોએ તકેદારી અને કાળજી રાખીને ફટાકડા ફોડવાથી માંડી તમામ તકેદારી રાખવી જોઈએ.

(8:51 pm IST)