Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગુજરાતમાં રાજ્યવ્યાપી બોગસ બીલિંગ કૌભાંડ દ્વારા સરકારી તિજોરીને નુકશાન પહોંચાડનાર કોઈપણ વ્યક્તિને છોડાશે નહીં

GST વિભાગ બોગસ બીલિંગ કૌભાંડને ઉજાગર કરવા સતત કાર્યશીલ રહેશે : ટેક્સ પેયરોને બોગસ બીલિંગથી ખોટી વેરાશાખ ન લેવા GST વિભાગ ની અપીલ : સ્ટેટ GST વિભાગ દ્વારા અત્યાર સુધી બોગસ બીલિંગના ગુન્હાઓ સબબ કુલ ૭૮ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે : બોગસ બીલિંગના મારફતે મેળવેલ રૂ. ૩૦૦ કરોડથી વધુ વેરાશાખની વસુલાત કરેલ છે

અમદાવાદ : સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ દ્વારા બોગસ બિલીંગ કરતા માસ્ટર માઇન્ડને શોધી તેઓની સામે ધરપકડ સહિતની કાર્યવાહી કડક હાથે કરવામાં આવી રહેલ છે. સામાન્ય રીતે બોગસ બિલીંગ માટે માસ્ટર માઈન્ડ (ઓપરેટર) દ્વારા અન્ય વ્યક્તિઓની મદદગારીથી જરૂરીયાતમંદ આર્થિક રીતે નબળા લોકોને નાણાકીય પ્રલોભન આપી તેઓના દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, આધાર કાર્ડ, ફોટો, લાઈટ બિલ વગેરે મેળવી બેંક ખાતાઓ ખોલાવી તેઓના નામે પેઢી ઉભી કરી બોગસ બિલિંગ કરવાના આશયથી જીએસટી નંબરો મેળવવામાં આવે છે.

આવી રીતે મેળવવામાં આવેલ જીએસટી નંબરોના આધારે માસ્ટર માઈન્ડ (ઓપરેટર) ક્રારા બિલ વિનાના માલની રવાનગી માટે ઇ-વે બિલ જનરેટ કરવામાં આવે છે તથા આવા વ્યવહારો સબબનો વેરો સરકારી તિજોરીમાં ભરવામાં આવતો નથી. આ ઉપરાંત બિલ વિનાના માલને ખરીદનાર સુધી પંહોચાડવા માટે પણ બોગસ બિલો ઇસ્યુ કરવામાં આવે છે તથા આવા ઇસ્યુ કરેલ બિલો પેટેનું પેમેન્ટ પણ બેંક મારફ્ત મેળવી નાણા ચેનલાઇઝ કરી શ્રોફ પેઢીઓ મારફતે રોકડા ઉપાડી આંગડીયા મારફત બિલ લેનારને કમિશન કાપી પરત કરવામાં આવે છે. આવી રીતે મેળવેલ બિલોના આધારે માલ ખરીદનાર દ્વારા પત્રકે વેરાશાખનો ખોટો દાવો કરી વેરાશાખ ભોગવવામાં આવે છે. હકીકતે આવા વ્યવહારોમાં સરકારશ્રીને મોટું આર્થિક નુકશાન થાય છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અત્યાર સુધી બોગસ બિલીંગના ગુનાઓ સબબ કૂલ ૭૮ ઇસમોની ધરપકડ કરવામાં આવેલ છે તથા બોગસ બિલીંગના મારફતે મેળવેલ રૂ. ૩૦૦ કરોડથી વધુ વેરાશાખની વસુલાત કરેલ છે. તાજેતરમાં ભાવનગરની માધવ કોપર લી, કોઠી સ્ટીલ લીમીટેડ તથા રાજ્કોટ ખાતેની ઉત્કર્ષ ઇસ્પાત એલ.એલ.પી દ્વારા મોટા પ્રમાણમાં બોગસ બિલોના આધારે ખોટી વેરાશાખ ભોગવવામાં આવેલ હોવાનું ધ્યાને આવતા તેઓની સામે વિભાગ દ્ધારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. બોગસ બિલના મારફતે માલ મંગાવતા કે મળવાપાત્ર ન હોય તેવી વેરાશાખ ભોગવતા તમામ ટેક્ષપેયરોને આથી જણાવવામાં આવે છે કે બિલ વિના માલની ખરીદીના કોઇ વ્યવહારો ન કરવા અને બોગસ બીલો ન મેળવવા.

આ ઉપરાંત જાહેર જનતાને પણ જણાવવામાં આવે છે કે પોતાના ઓળખના/રહેઠાણના પુરાવાઓ બોગસ બિલિંગ કરતા તત્વોને આપવા નહિ. આવી વ્યક્તિઓની પણ જો સંડોવણી બહાર આવશે તો તેઓની તેઓની વિરુધ્ધ પણ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

બોગસ બિલિંગ દ્વારા સરકારશ્રીની તિજોરીને ગંભીર આર્થિક નુકશાન થાય છે અને આ ગુનો ગંભીર પ્રકારનો આર્થિક ગુનો છે જેથી આવી કોઇ મોડસ ઓપરેન્ડી વિભાગને ધ્યાને આવશે તો તેઓની સામે કડક હાથે ધરપકડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.

(9:08 pm IST)