Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

ગુજરાતને નર્મદાનું એકપણ ટીપું પાણી નહિ આપવા મંત્રીનો હુંકાર :રાજસ્થાન અને ગુજરાત વચ્ચે 'પાણી' ઘર્ષણના એંધાણ

રાજસ્થાનના જળસંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવીયએ કહ્યું આ પાણીનો પ્રવાહ અટકાવીને બાંસવાડા અને ડૂંગરપૂર ( બંને રાજસ્થાન )ને આપવામાં આવશે

અમદાવાદ :ગુજરાત અને રાજસ્થાન સરકાર વચ્ચે પાણી મુદ્દે પરપોટા ઉઠયા છે. જે આગામી સમયમાં પાણીપત સ્થિતિ સર્જી શકે છે. રાજસ્થાનના જળસંસાધન મંત્રી મહેન્દ્રજીત સિંહ માલવીયએ રાજસ્થાનમાં એક નિવેદન માં કહ્યું છે કે, નર્મદા નદીનું પાણી ગુજરાતને આપવામાં નહિ આવે. અત્યાર સુધી 40 હજાર મિલિયન ક્યુબીક ફૂટ પાણી ગુજરાત જતું હતું. પણ હવે આ પાણીનો પ્રવાહ અટકાવીને બાંસવાડા અને ડૂંગરપૂર ( બંને રાજસ્થાન )ને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનથી આવતા નર્મદાના  પાણીનો આ જથ્થો  કડાણા  ડેમમાં અપાતો હતો અને તેમાંથી કેનાલ વાટે ચરોતરને સિંચાઈ માટે પાણી મળતું હતું.

ગુજરાત અને રાજસ્થાન માહી બજાજ સાગર ડેમમાંથી સંયુક્ત રીતે પાણીનાં ઉપયોગ માટે એક કરારથી બંધાયેલા છે.માહી બજાજ સાગર યોજના એ ગુજરાત અને રાજસ્થાનના સંયુક્ત સહયોગે સિંચાઈ અને જળ વિદ્યુત પરિયોજનાના રૂપમાં સ્થાપિત છે. રાજસ્થાનના માહી  બજાજ સાગર ડેમમાંથી કડાણા ડેમમાં પાણી આપવામાં આવે છે.અને કડાણા ડેમ દ્વારા ચરોતરના  ખેડૂતોને કેનાલ વાટે પાણી પૂરું પાડવામાં આવે છે. આ પાણી દ્વારા ચરોતરના 4 લાખ હેકટર જમીનમાં કેનાલ આધારિત સિંચાઈથી ખેતી થાય છે. હવે જો રાજસ્થાન સરકાર પાણી માટે ના પાડી દે, ખેડૂતોની માંથી દુર્દશા થાય. રાજસ્થાનમાં તાજેતરમાં જ નવનિર્મિત ગહેલોત સરકારના જળ સંસાધન મંત્રી માલવિયના નિવેદનથી ચરોતરના ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 

ગુજરાત અને રાજસ્થાન સરકારનાં સયુંકત સાહસથી ડેમનું નિર્માણ રાજસ્થાનમાં થયું હતું. જેમાં ડેમ નિર્માણનો 55 ટકા ખર્ચ ગુજરાતે આપી પોતાનું યોગદાન આપ્યું હતું. બંને રાજ્યો વચ્ચે 1966 માં થયેલા કરાર મુજબ, ગુજરાત માટે 40 TMC પાણી આરક્ષિત કરવામાં આવ્યુ હતું. જ્યારે રાજસ્થાનના 80 હજાર હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે16 TMC, વિસ્તારિત સિંચિત ક્ષેત્રમાં સિંચાઈ માટે 4.47 TMC, પાવર પ્રોજેક્ટ માટે 4 TMC, પીએચઈડીમાટે 2.08 TMC અને બાંસવાડા ગામના ઔદ્યોગિક વિકાસમાટે .065 TMC પાણી આરક્ષિત કરવામાં આવ્યુ છે. આ પરિયોજનાનો પાયો તત્કાલીન નાણામંત્રી મોરારજી દેસાઈ દ્વારા રાખવામાં આવ્યો હતો.માહી પરિયોજનાથી બાંસવાડા અને ડૂંગરપૂર જિલ્લાના 80 હજજાર હેક્ટરમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.તો વિદ્યુત ગૃહોથી 140 મેગાવોટ વીજળી ઉત્પન થાય છે. આ યોજનાનું નિર્માણ 1972માં શરુ થયું હતું.અને 1983માં જ્યારે બાંધકામ પૂર્ણ થયું  ત્યારે કુલ ખર્ચ 932 કરોડ થયો હતો

(12:48 am IST)