Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વૃદ્ધ દંપતીને ઢસડીને લઇ જવા અને માર મારવાના મામાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનના 6 પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા

પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા કમિશ્નરને ભલામણ: પોલીસે દસ્તાવેજો પર બળજબરીથી સહીઓ પણ કરાવી: હાઈકોર્ટે સરકાર પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો

અમદાવાદ : ચાંદખેડા પોલીસના તેમના જ વિસ્તારના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં પોલીસ કર્મચારી એક વૃદ્ધા ને ઢસડીને લઈ જતાં નજરે પડે છે. વૃદ્ધ દંપતી ને માર મારવા ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડા પોલીસ ઇન્સ્પેકટર કે. વી. પટેલ અને આઇબી ના પીઆઇ સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ચાંદખેડામાં વૃદ્ધ દંપતીને ઘરેથી નિર્દયી રીતે ઘસેડી પોલીસ સ્ટેશન લઈ જવાના મામલે છ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. આ અંગેની ફરિયાદ અને સીસીટીવી સામે આવ્યા બાદ બે મહિલા સહિત 6 પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરાયા છે. તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશનના પીઆઇ સામે ખાતાકીય પગલાં ભરવા પોલીસ કમિશનરને ભલામણ કરાઈ છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા વૃદ્ધ દંપતીને મારવા, ઢસડવા, ખોટી રીતે ત્રાસ આપવાના આક્ષેપ સાથે ચાંદખેડાના પોલીસ ઈન્સ્પેક્ટર કે.વી. પટેલ અને આઈબીના પીઆઈ સામે હાઈકોર્ટમાં અરજી કરાઇ હતી. સુનાવણી બાદ હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો છે. આ કેસની વધુ સુનાવણી 15 ડિસેમ્બરે હાથ ધરાવાની છે. હાઈકોર્ટમાં અરજદારે માંગ કરી હતી કે જવાબદાર પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધો અને કાયદેસર મુજબ પગલાં લો, વળતર પેટે તેમને પાંચ લાખની ચુકવણી કરવામાં આવે અને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપો. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે, આઈબીના પોલીસ ઈન્સ્પેક્ટરે હેરાન કરવાના ઈરાદે તેમના પુત્ર સામે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ખોટી રીતે ફરિયાદ કરી હતી.

જેમાં તેમના પુત્ર પર આક્ષેપ કર્યો છે કે, તેણે આઈબીના પીઆઈ પાસેથી બહુ મોટી રકમ ઉછીની લીધી છે. જે તે પરત આપતો નથી. આ કેસમાં પોલીસે અરજદાર બીમાર વૃદ્ધ મહિલાને ઘરમાંથી ઢસડીને અને તેમના વૃદ્ધ પતિને ખાટલા સાથે ઘરની બહાર કાઢ્યા હતા અને માર માર્યા હતા. તેમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને હેરાન કર્યા હતા. આ ઉપરાંત કોઈપણ પૂછપરછ વગર ચાંદખેડા પોલીસ અને આઈબીના પીઆઈ તેના પુત્રને ઉઠાવી ગયેલા અને પોલીસ સ્ટેશનમાં પુત્ર પર માનસિક અત્યાચાર ગુજાર્યો હતો. અરજદારે એ પણ રજૂઆત કરેલી કે, તેના પુત્ર પાસે પોલીસે દસ્તાવેજો પર બળજબરી સહી કરાવેલી છે. આ કેસમાં અરજદારના પુત્ર પૈસા ઉછીના લીધા હોય તો તેનાં માતા-પિતાને ત્રાસ શા માટે અપાયો છે. આ કેસને લઈને અરજદારે હાઈકોર્ટ સમક્ષ ફોટા અને અન્ય પુરાવા પણ રજૂ કર્યા હતા.
ચાંદખેડા પીઆઈને બચાવવા માટે એક આઇપીએસ મેદાનમાં આવી ગયા છે. અગાઉ પણ તેમના સામે થયેલી ફરિયાદોમાં તેમને બચાવવા મેદાને આવ્યા હતા. આ અધિકારીને તે વધુ પડતા સાચવતા હોવાથી મેદાને આવ્યા હોવાની ચર્ચા છે.

(4:05 pm IST)