Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજ્યમાં ૧૧.૧૭ લાખ મતદારો ઉમેરાયા : કુલ ૪.૮૧ કરોડ

આજે બી.એલ.ઓ. દ્વારા ઘરે-ઘરે મુલાકાત : ૩.૧૨ લાખ નામ કમી થયા : નવા ઉમેરાયેલામાં ૧૮ થી ૧૯ વર્ષની વયના ૫.૧૭ લાખ મતદારો : મતદાર બનવા હજુ પણ તક

રાજકોટ તા. ૩૦ : ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા તા. ૧ નવેમ્બરથી ૧ મહિના માટે મતદાર યાદી સુધારણા અભિયાન ચાલી રહ્યું છે. તા. ૧૪, ૨૧ તથા ૨૭, ૨૮ના રોજ જે તે વિસ્તારના મતદાન મથકો પર બ્લોક લેવલ ઓફિસરની હાજરીમાં ખાસ કેમ્પ રાખવામાં આવેલ. છેલ્લા બે દિવસથી બી.એલ.ઓ. મતદાર નોંધણી સબંધી કામગીરી માટે ઘરે-ઘરે ફરી રહ્યા છે. હજુ પણ ઓનલાઇન મતદાર નોંધણી કરાવવાની તક છે. તા. ૧ જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં જેને ૧૮ વર્ષ પૂરા થતા હોય તે વ્યકિત નિયમાનુસાર મતદાર તરીકે નોંધણી કરાવી શકે છે. તા. ૫ જાન્યુઆરીએ આખરી મતદાર યાદી પ્રસિધ્ધ થશે. આવતી ધારાસભાની ચૂંટણીમાં તે મતદાર યાદીના આધારે મતદાન થશે.

રાજ્યમાં ૧ મહિના પહેલાની સ્થિતિએ ૪ કરોડ ૭૩ લાખ મતદારો નોંધાયેલા હતા. ૧ મહિનાની ઝુંબેશમાં નવા ૧૧ લાખ ૧૭ હજાર મતદારો ઉમેરાયા છે. નવા ઉમેરાયેલા મતદારોમાં ૫.૧૭ લાખ મતદારો ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના છે. મૃત્યુ કે સ્થળાંતર જેવા કારણોસર ૩.૧૨ લાખ મતદારોના નામ રદ્દ થયા છે. નવા ઉમેરાયેલા અને જુનામાંથી રદ્દ થયેલા મતદારોની સંખ્યાનો હિસાબ કરતા મતદારોનો કુલ આંકડો ચાર કરોડ એકાશી લાખ આસપાસ પહોંચે છે. આખરી આંકડો ૫ જાન્યુઆરીએ પ્રસિધ્ધ થશે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૨૦૨૨માં હજુ એક વખત મતદાર યાદી સુધારણા અભિયાન આવે તેવી શકયતા નકારાતી નથી.

નવેમ્બરમાં આવેલા અભિયાનમાં મુખ્યત્વે મતદારોના નામ ઉમેરવા, કમી કરવા અથવા નામ કે સરનામામાં સુધારો કરવા સહિતની કામગીરી કરવામાં આવેલ. જેના માટે કુલ ૨૦.૨૦ લાખ ફોર્મ રજુ થયેલ. તે પૈકી ૩.૧૫ લાખ ફોર્મ ઓનલાઇન રજુ થયા હતા.

(3:29 pm IST)