Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વાપીમાં ભાજપનો છપ્પરફાડ વિજય

નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર ફરી વળ્યુઃ ૪૪માંથી ૩૭ બેઠકોમાં વિજયની વરમાળાઃ કોંગ્રેસને માત્ર ૭ બેઠક મળી : વોર્ડ નં.૧,૨,૩,૪,૭,૮,૯,૧૦ અને ૧૧ આ તમામ વોર્ડની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે : ૪-૪ સભ્યોની આખી ટીમ જીતી છે

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી, તા. ૩૦: વાપી નગરપાલિકાની ગત તા. ૨૮મી નવે.ના રોજ યોજાયેલ ચૂંટણીનું આજે પરિણામ આવેલ છે. જેમાં ૧૧ વોર્ડના ૪૪ ઉમેદવારો મેદાનમાં હતા. ૪૪ બેઠકો પૈકી ૩૭ બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે ગઈ છે. જયારે ૭ બેઠકો ઉપર કોંગ્રેસે મેદાન માર્યુ છે. આ ભવ્ય જીતને પગલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ જીતને વધાવવા ખુદ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઇ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

વોર્ડ નં.૧,૨,૩,૪,૭,૮,૯,૧૦ અને ૧૧ આ તમામ વોર્ડની તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. ૪-૪ સભ્યોની આખી ટીમ જીતી છે જયારે વોર્ડ નં.૫ અને વોર્ડ નં.૬માં ૩ અને ૪ કોંગ્રેસ સભ્યોની જીત થઈ છે. કુલ ૪૪ બેઠકોમાંથી ૩૭ બેઠકો ભાજપને ફાળે આવી છે, જયારે ૭ બેઠકો કોંગ્રેસને મળી છે.

જયારે સૌથી મહત્વની વાત એ છે કે આપના એક પણ ઉમેદવારે જીત મેળવી નથી એટલે કે આપ પક્ષે ખાતુ પણ ખોલાવ્યુ નથી. વર્ષોથી ગુજરાત માટે કહેવાય છે કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષનો કોઈ વિકલ્પ નથી, જે અત્યારે સાર્થક જણાઈ રહ્યુ છે.

(3:30 pm IST)