Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગુજરાતનાં હીરા બજારની ચમક ઘટશે?: ઓમીક્રોનથી પ્રતિબંધો વધતાં વેપારીઓમાં ફફડાટ

સુરતનો ડાયમંડ ઉદ્યોગ આફ્રિકા સાથે ૬૦ થી ૭૦ ટકા જેટલો જોડાયેલોઃ કાચો માલ આફ્રિકા અને રશિયાથી આવે છે

સુરત, તા.૩૦: દુનિયામાં ખળભળાટ મચાવનારો કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન નવી નવી ચિંતાઓ જગાડી રહ્યો છે. હજુ કેટલીય મહત્વની બાબતો ઉઘાડી પડવાની બાકી છે ત્યારે હવે દેશના તમામ રાજ્યોમાં વિદેશથી આવતા લોકો વિરુદ્ધ કવોરન્ટાઈન અને ટેસ્ટિંગ જેવી બાબતો ને ફરજિયાત બનાવી દેવામાં આવી છે.

ગુજરાત એવું રાજ્ય છે જ્યાં ઘણા બધા NRI રહે છે અને ઘણા બધા લોકો વિદેશથી અવારનવાર આવતા રહે છે. ગુજરાતી લોકો દેશવિદેશમાં વ્યાપાર ધંધા પણ ચલાવે છે. આફ્રીકી દેશો પર ટ્રાવેલ પ્રતિબંધના કારણે જો કે ગુજરાતના હીરા વેપારીઓના ટેન્શનમાં વધારો થયો છે.

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં હીરાના વેપારી નીલેશ બોડકેએ કહ્યું હતું કે સુરતનો ડાયમંડ ઉદ્યોગ આફ્રિકા સાથે ૬૦ થી ૭૦ ટકા જેટલો જોડાયેલો છે. કાચો માલ આફ્રિકા અને રશિયાથી આવે છે. દક્ષિણ આફ્રિકા તેની હીરાની ખાણો માટે વિશ્વભરમાં જાણીતું છે. હીરા ઉપરાંત અહીં સોના અને કોલસાની ઘણી ખાણો છે. વિશ્વના સૌથી મોટા હીરા અહીં મળી આવ્યા છે.

ઉદાહરણ તરીકે, જાન્યુઆરી ૧૯૦૫માં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં હીરાની ખાણમાંથી ૩,૧૦૬ કેરેટનો હીરો મળી આવ્યો હતો. તેને વિશ્વનો સૌથી મોટો હીરા ગણવામાં આવે છે. તેનું વજન ૧.૩૩ પાઉન્ડ (૦.૬ કિગ્રા) હતું. તેને કુલીનન નામ આપવામાં આવ્યું હતું.

ઓમિક્રોન વેરિઅન્ટને લઈને જુદા જુદા દેશો વચ્ચે વિવાદની સ્થિતિ પણ છે. આ માટે આફ્રિકન અને પિ?મી દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આફ્રિકન દેશ માલાવીના રાષ્ટ્રપતિ, લાઝારસ ચકવેરાએ યુએસ, યુકે અને યુરોપિયન દેશો પર એફ્રોફોબિયા (આફ્રિકા વિરોધી ભાવના અને આફ્રિકન એનઆરઆઈ પ્રત્યે નફરત) થી પીડિત હોવાનો આરોપ લગાવ્યો છે.

ચકવેરા દક્ષિણ આફ્રિકાના દેશો પર લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધથી નારાજ છે. તેઓ દલીલ કરે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ અંગે વિજ્ઞાન અનુસાર નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ચકવેરાએ ૨૯ નવેમ્બરે ફેસબુક પોસ્ટ દ્વારા આ વાત કહી હતી. તેઓ દલીલ કરે છે કે દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોન વેરિઅન્ટની શોધ કરી હતી. આ માટે વિશ્વએ તેમનો આભાર માનવો જોઈએ. પરંતુ યુએસ, યુરોપ, યુકે અને ઓસ્ટ્રેલિયાએ ટ્રાવેલ પ્રતિબંધ લાદ્યો છે.

સાઉથ આફ્રિકા મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડૉ. એન્જેલિક કોએત્ઝીએ કહ્યું કે હમણાં તો આપણે દક્ષિણ આફ્રિકામાં જે જોઈ રહ્યા છીએ તે ખૂબ જ સામાન્ય છે. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે શું બ્રિટન બિનજરૂરી રીતે ગભરાઈ રહ્યું છે. તેણે કહ્યું હતું કે હું તો હા કહીશ કે તેઓ બિનજરૂરી ડરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. બે અઠવાડિયા પછી, કદાચ કંઈક અલગ માહિતી આવશે. પરંતુ શરૂઆતના લક્ષણોમાં આટલી ચિંતા કરવાની જરૂર નથી. ડોકટર કોએત્ઝીએ એમ પણ જણાવ્યું કે ઓમિક્રોનના દર્દીઓ ઘરે છે. તેઓ બે-ત્રણ દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે.

અહીં, અમેરિકાની વેકિસન ઉત્પાદક મોડર્નાનું કહેવું છે કે તે ૨-૩ મહિનામાં ઓમિક્રોન વેરિઅન્ટ માટે ખાસ રસી (ઓમિક્રોન સ્પેસિફિક) તૈયાર કરશે. ઓમિક્રોન વેરિઅન્ટ કેટલો ઇન્ફેકટિવ છે, તે કયા સ્તર સુધી ખતરનાક છે અથવા તેનાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે તે અંગેની માહિતી બહાર આવતા ઓછામાં ઓછા બે સપ્તાહનો સમય લાગશે. અમેરિકાના ચીફ મેડિકલ ઓફિસર ડૉ. એન્થોની ફૌસીએ આશા વ્યકત કરી છે કે આવનારા મહિનાઓમાં વિશ્વને વાયરસના નવા પ્રકારો વિશે ઘણું જાણવા મળશે.

(3:50 pm IST)