Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પોલીસની પરિક્ષામાં કોઇ લાગવગ ચાલવાની નથી, તમે તમારા દમ ઉપર મહેનત કમરીને પરિક્ષા પાસ કરોઃ બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્‍ય ગેનીબેન ઠાકોર પરિક્ષાર્થીઓ સાથે દોડીને પ્રોત્‍સાહન આપ્‍યુ

પરિક્ષા દરમિયાન રહેવા સાથે અન્‍ય જરૂરી મદદની ખાત્રી

બનાસકાંઠા: ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારીઓ કરતા યુવાનો હાલ તનતોડ મહેનત કરીને તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉમેદવારોને પ્રોત્સાહન પુરું પાડવા માટે તેમની સાથે દોડતા જોવા મળી રહ્યા છે. ગેનીબેને ભાભરના સદારમ લાઈબ્રેરીના બાળકોને અનોખું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રેકિટસ ગ્રાઉન્ડ ખાતે વિધાર્થીઓ સાથે ગેનીબેન ઠાકોરે સાડીમાં દોડ લગાવી હતી.

નોંધનીય છે કે, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, ગેનીબેન ઠાકોર પોતે જ સાડી પહેરીને યુવાનો અને યુવતીઓ સાથે દોડતા નજરે પડે છે.

ગેનીબેન ઠાકોરે અહીં ઉમેદવારોનો ઉત્સાહ વધારતા જણાવ્યું હતું કે, બાળકો જાતે મહેનત કરે અને પરીક્ષા પાસ કરે.. સખત મહેનત કરીને કોઈની અપેક્ષા રાખ્યા વિના તમારા દમ પર નોકરી મેળવી સમાજનું અને પરિવારનું ગૌરવ વધારો એવી અપેક્ષા રાખું છું. તેઓએ ઉમેદવારોને પરીક્ષા દરમિયાન રહેવા સાથે અન્ય જરૂરી મદદ આપવાની ખાતરી આપી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, પરીક્ષાના દિવસે જ્યાં પણ નંબર આવે ત્યાં ઉમેદવારોની રહેવા ખાવા-પીવાની વ્યવસ્થા હું કરીશ, દીકરીઓને દોડવા માટેનો ડ્રેસ કોડ અને રહેવાની વ્યવસ્થા પણ કરીશું. તેમને હું શુભેચ્છાઓ પાઠવું છું કે કોઈપણ ભોગે જે કરવું પડે તે તમારા માટે કરીશું પણ નોકરી મેળવો. કોઈ લાગવગ ચાલવાની નથી, તમે તમારા દમ પર મહેનત કરીને પરીક્ષા પાસ કરો.

(4:25 pm IST)