Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૨ અંતર્ગત જર્મનીમાં યોજાયેલ VGGS 2022 રોડ-શોને ભવ્ય સફળતા: ગુજરાતમાં મૂડીરોકાણની શક્યતાઓ દર્શાવાઈ

ગુજરાતમાં ઉધ્યોગલક્ષી સાનુકુળ વાતાવરણ હોવાને કારણે ગુજરાતમાં અનેક જર્મન કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે : ગુજરાતના ગ્રામ વિકાસ સચિવ સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ રાજ્યના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે જર્મનીમાં રોડ-શો યોજાયો

ગાંધીનગર: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દીર્ઘદૃષ્ટિ સાથે શરૂ કરેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે આટલાં વર્ષોમાં સમગ્ર વિશ્વમાં એક નવો માપદંડ પ્રસ્થાપિત કર્યો છે. વડાપ્રધાનની પહેલને કારણે જ દેશમાં ગુજરાત આજે સૌથી વધુ વ્યવસાય-ઉધ્યોગલક્ષી રાજ્ય બન્યું છે, પરિણામે વિકાસનાં ફળ સમાજના દરેક વર્ગને મળી રહ્યાં છે.

રાજ્યમાં આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ યોજાનાર છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે વિવિધ દેશના શહેરોમાં રોડ શોનું આયોજન કરાયુ છે. જે અંતર્ગત ગ્રામ વિકાસ વિભાગના કમિશનર અને ગુજરાતનાં સચિવ (ગ્રામ વિકાસ) સુશ્રી સોનલ મિશ્રાના નેતૃત્વ હેઠળ ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ૨૩ નવેમ્બર, ૨૦૨૧ના રોજ જર્મનીમાં રોડ-શો યોજ્યો હતો.

રોડ-શો બાદ સુશ્રી સોનલ મિશ્રાએ કહ્યું હતું કે, “રોડ-શોને ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો હતો અને જર્મની તથા અન્ય ઈયુ (યુરોપિયન યુનિયન) દેશોમાંથી VGGS દરમિયાન નોંધપાત્ર હાજરીની અપેક્ષા છે.”

સુશ્રી મિશ્રાએ ઉમેર્યું હતું કે, “ગુજરાત અને જર્મની વચ્ચે વેપાર ક્ષેત્રમાં લાંબા સમયથી સંબંધો પ્રસ્થાપિત થયેલા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ દરમિયાન આ સંબંધો વધારે મજબૂત થશે.” પ્રેઝન્ટેશન દરમિયાન ગ્રામ વિકાસ વિભાગના કમિશનરે વિદેશી મૂડીરોકાણ માટે ગુજરાત કેવી રીતે સૌથી આકર્ષક રાજ્ય છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

રાજ્યમાં વ્યવસાય-ઉધ્યોગલક્ષી વાતાવરણ હોવાને કારણે છેલ્લા થોડાં વર્ષમાં ગુજરાતમાં કેટલીક જર્મન કંપનીઓએ તેમનાં એકમો સ્થાપ્યાં છે. ૨૦૧૭ તથા ૨૦૧૯ની વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જર્મની ભાગીદાર દેશ હતો.

વર્ચ્યુઅલ રોડ-શોમાં હાજરી આપનાર શ્કોટ ગ્લાસ ઈન્ડિયા પ્રા. લિ.ના પ્રમુખ અને એમડી શ્રી પવનકુમાર શુક્લએ ગુજરાતમાં તેમના પ્લાન્ટની સફળતાની ગાથા દર્શાવી હતી. તેમણે બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા ઑફર કરવામાં આવતા વિવિધ લાભનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પ્રતિનિધિમંડળમાં GIFT સિટી અને ધોલેરા SIR ના અધિકારીઓ ઉપરાંત અન્ય અધિકારીઓએ પણ હાજરી આપી હતી અને આ બંને અત્યંત મહત્ત્વના પ્રોજેક્ટમાં જર્મન મૂડીરોકાણની સંભાવનાઓ દર્શાવી હતી.

ગુજરાતમાં એન્જિનિયરિંગ, ઑટોમોબાઇલ, કેમિકલ્સ, એગ્રો અને ફૂડ સહિત અન્ય ક્ષેત્રોમાં બિઝનેસની તકો દર્શાવી હતી.

વર્ષ ૨૦૦૩થી શરૂ થયેલી દ્વિવાર્ષિક ઇવેન્ટ VGGSમાં રોકાણકારોને વિશેષ રસ જાગ્યો છે અને તેમની ભાગીદારી પણ વધી રહી છે, પરિણામે રોકાણ અને વેપારની બાબતમાં ગુજરાત વૈશ્વિક મંચ પર પહોંચી ગયું છે. ૧૦મી સમિટ VGGS 2022ની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” છે. 

છેલ્લા ઘણાં વર્ષથી સમિટને કારણે ગુજરાતની ઉધ્યોગલક્ષી રાજ્ય તરીકેની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાયબ્રન્ટ સમિટ બિઝનેસ નેટવર્કિંગ, નોલેજ શેરિંગ તથા વ્યૂહાત્મક ભાગીદાર માટે મહત્ત્વની ઇવેન્ટ બની છે.

વાયબ્રન્ટ સમિટ ૨૦૨૨ પહેલાં ૧ ડિસેમ્બર, ૨૦૨૧થી ૯ જાન્યુઆરી, ૨૦૨૨ દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ વિવિધ ક્ષેત્રમાં મૂડીરોકાણની તકો વિશે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

(5:37 pm IST)