Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ખેડૂતોને રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે : ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેક્ટર હશે તો તે ખેડૂતને રૂ.૪૦૦૦ ચુકવાશે

ભારે વરસાદથી ખેડૂતોને થયેલ નુકશાન સંદર્ભે ફેઝ-૨માં રૂ.૫૩૧ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરતી રાજ્ય સરકાર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય:રાજ્યના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને એસડીઆરએફના ધોરણે લાભ અપાશે : પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી

અમદાવાદ : ખેડુતોને રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે, ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેક્ટર હશે તો તે ખેડૂતને રૂ.૪૦૦૦ ચુકવાશે
·  આ પેકેજ હેઠળ અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૦૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ.૫૩૧ કરોડ સહાય ચૂકવાશે  ડિજિટલ ગુજરાત પોર્ટલના માધ્યમથી તા.૦૬ થી તા.૨૪ ડીસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકશે : ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરાઇ જેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી ભાજપા સરકારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે. રાજ્યમાં થયેલ ભારે વરસાદને પરિણામે ફેઝ-૨ હેઠળ રાજ્યના ૯ જિલ્લાઓમાં ખેડૂતોને થયેલ પાક નુકશાની સંદર્ભે રૂ.૫૩૧ કરોડનું માતબર કૃષિ રાહત પેકેજ આજે જાહેર કર્યું છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, અગાઉ રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં રાહત પેકેજ જાહેર કર્યુ હતુ ત્યારબાદ કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ અન્ય જિલ્લાના ખેડૂતોની માંગણી આવતાં એ માટે સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. સર્વે પૂર્ણ થયા બાદ રાજ્યના ૯ જિલ્લાના ૩૭ તાલુકાના ૧૫૩૦ ગામના પાંચ લાખથી વધુ ખેડૂતોને આ પેકેજ હેઠળ આવરી લઇ એસડીઆરએફના ધોરણ મુજબ સહાય ચૂકવાશે. રાજ્યના અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને આ પેકેજ અંતર્ગત આવરી લેવાયા છે.
પ્રવક્તા વાઘાણીએ ઉમેર્યું કે, વર્ષ-૨૦૨૧ની ખરીફ ઋતુના સપ્ટેમ્બર માસના છેલ્લા પખવાડિયામાં જે ભારે વરસાદ થયો હતો તેના કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા મળી કુલ ૯ જીલ્લાઓના ૩૭ તાલુકાઓના ૧૫૩૦ ગામોમાં પાક નુકશાની થયાની વિગતો જીલ્લા વહીવટીતંત્ર મારફતે રાજ્ય સરકારને મળી હતી. અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં પાક નુકશાનીના વળતર પેટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા પાક નુકશાન અંગે કરવામાં આવેલ આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓની રજૂઆતો અનુસંધાને ખેડૂતોને મદદરૂપ થવા માટે કુલ રૂ.૫૩૧ કરોડનુ માતબર સહાય પેકેજ રાજ્ય સરકારે જાહેર કર્યું છે.
 વાઘાણીએ ઉમેર્યું કે, આ સહાય પેકેજ હેઠળ ખાતેદાર ખેડુત કે જેના પાકને ૩૩ ટકા કે તેથી વધુ નુકશાન થયું હોય તેવા ખાતેદાર ખેડુતોને SDRF બજેટમાંથી રૂ.૬૮૦૦ પ્રતિ હેક્ટર લેખે મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે SDRFના ધોરણો મુજબ જો સહાયની ચૂકવવાપાત્ર રકમ રૂ.૪૦૦૦ કરતા ઓછી થતી હોય તો પણ તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂ.૪૦૦૦ ચૂકવવામાં આવશે. જેમાં તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે. એટલે કે જો કોઇ ખાતેદારનો નુકસાનગ્રસ્ત વિસ્તાર ૦.૫ હેક્ટર હોય તો SDRFના ધોરણો અનુસાર રૂ.૬૮૦૦/- પ્રતિ હેકટર મુજબ રૂ.૩૪૦૦ મહેસૂલ વિભાગના ઠરાવ મુજબ SDRF ગ્રાન્ટમાંથી મળવાપાત્ર થાય. પરંતુ આવા કિસ્સામાં ખાતેદારને ઓછામાં ઓછા રૂ.૪૦૦૦ ચુકવવાના થતા હોઈ તફાવતની રકમ રૂ.૬૦૦ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
 વાઘાણીએ વધુમાં કહ્યું કે, આ પેકેજનો લાભ ખેડૂતોને ત્વરિત અને વિના-વિલંબે મળે અને સંપૂર્ણ કાર્યવાહી ઓનલાઈન થાય તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તા.૦૬ ડીસેમ્બર,૨૦૨૧ થી કૃષિ રાહત પેકેજ પોર્ટલ ડિજિટલ ગુજરાત માધ્યમ પર ખુલ્લુ મૂકવામાં આવશે. આ માટે તા.૦૬ ડીસેમ્બર,૨૦૨૧ થી તા.૨૪ ડીસેમ્બર,૨૦૨૧ સુધીમાં ખેડૂતો દ્વારા સાધનિક કાગળો સહિત નજીકના ઈ-ગ્રામ સેન્ટર પર ઓનલાઈન અરજી માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

 વાઘાણીએ જણાવ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ નિયત અરજી પત્રકના નમૂનામાં ગામ નમૂના નં.૮-અ, તલાટીનો વાવેતરનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર નંબર, મોબાઇલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો  “ના - વાંધા અંગેનો સંમંતિ પત્ર” વગેરે સાધનિક વિગતો સાથે તાલુકા વિકાસ અધિકારીને સંબોધાયેલ નિયત નમૂનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કરવા માટે કોઈ ફી ચૂકવણી કે ખર્ચ કરવાનો રહેશે નહીં જે માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
આ પેકેજ હેઠળ અંદાજીત ૭.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં ૫.૦૬ લાખ ખેડૂત ખાતેદારોને રૂ.૫૩૧ કરોડ સહાય ચૂકવવામાં આવશે. જેમાં SDRF માથી રૂ.૫૨૦ કરોડ અને રાજ્ય બજેટમાથી ન્યૂનતમ સહાય ચૂકવણીના તફાવતની રૂ.૧૧ કરોડની સહાય ચૂકવાશે.

(7:31 pm IST)