Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રને જાનૈયાઓએ માર માર્યો

પાલ આરટીઓ સામે એક જાન નીકળી હતી : ટ્રાફિક જામ થતા પૂર્વ ડેપ્યુટી મેયર શાહનો પુત્ર ઠપકો આપવા ગયો તો તેને કાર પર સુવડાવીને ઢોર માર માર્યો હતો

સુરત, તા.૩૦ : શહેરના પાલ આરટીઓ પાસેથી એક જાન પસાર થઈ રહી હતી. જાનના પગલે રોડ પર ટ્રાફિક જામ થયો હતો. જે બાદ પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહનો પુત્ર આ વાતનો ઠપકો આપવા માટે ગયો હતો. મામલો વણસતા જાનૈયાઓએ પૂર્વ ડેપ્યુટી મેયરના પુત્રને કારના બોનેટના સુવડાવીને માર માર્યો હતો. જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે, જાનૈયા પક્ષના વડીલોના મધ્યસ્થીથી બંને પક્ષે સમાધાન થતા રાત્રે બે વાગે આખો મામલો થાળે પડ્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. બનાવની વિગત એવી છે કે, પાલ આરટીઓ સામે રાજહંસ એલિટામાં રહેતા શહેરના પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહનો પુત્ર આકર્ષ રાત્રે ૯.૩૦ વાગ્યાના સુમારે પોતાની ક્રેટા કાર લઈને નીકળ્યો હતો. એ સમયે અડાજણ વિસ્તારમાં રહેતા નાવડીવાલા પરિવારના પુત્રની જાન રોયલ ડાઈન હોટલમાં જઈ રહી હતી. જાનૈયાઓ રસ્તા પર નાચગાન કરી રહ્યા હતા. જાનના પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો હતો. વાહનોને જવા દેવા માટે જાનૈયાઓએ સાઈડ કરી આપી હતી. જાનૈયાઓનું કહેવું છે કે, આ ટ્રાફિક દરમિયાન કારમાં સવાર પૂર્વ ડેપ્યુટી મેયર નિરવ શાહના પુત્ર આકર્ષ શાહે કારની બ્રેક મારી હતી.

             જે બાદ પાછળથી આવી રહેલું બાઈક કાર સાથે અથડાયુ હતું. બીજી તરફ, આકર્ષનું કહેવું છે કે, જાનૈયાઓએ કારને લાત મારી હતી. એટલે આકર્ષ જાનૈયાને કહેવા ગયો હતો કે, કારને લાત કેમ મારી? એ પછી આખો મામલો વણસ્યો હતો અને મારા મારી સુધી પહોંચ્યો હતો. આકર્ષનો આરોપ છે કે, જાનૈયાઓે તેનું ગળુ દબાવ્યુ હતુ અને કારના બોનેટ પર સુવડાવીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાની જાણ આકર્ષે તેના પિતા નિરવ શાહને કરી હતી. બાદમાં ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. આકર્ષ પર હુમલો કરનારાઓની ઓળખ કરીને ડિટેઈન કરવાની કાર્યવાહી માટે પોલીસ હોટલ રોયલ ડાઈનમાં પહોંચતા જાનૈયાઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ દરમિયાન પોલીસે બે યુવાનની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરી હતી. રાત્રે ૯.૩૦ વાગે શરૂ થયેલો આ વિવાદ મોડી રાત્રે ૨ વાગ્યા સુધી ચાલ્યો હતો. આખરે જાનૈયાઓના વડીલોની સમજાવટથી જાનૈયાઓએ માર મારવાની ભૂલ સ્વીકારી હતી અને લેખિતમાં માફીનામુ આપતા બંને પક્ષ વચ્ચે સમાધાન થયુ હતુ.

(7:56 pm IST)