Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

રાજપીપળા કોમર્સ કોલેજમાં ઇન્ચાર્જ આચાર્યની નિમણુંકમાં નિયમોની એસીતેસી.?

સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ નિયમો નેવે મૂકી ઈન્ચાર્જ આચાર્યને નિમણુંક આપી દીધી?: ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળના પ્રમુખ,VNSGU ના વી.સી તથા રજિસ્ટ્રારે સાચી હકીકત છુપાવી,ખોટા દસ્તાવેજ ઉભા કરી ઈ.ચા આચાર્યની નિમણુંક કરી: પ્રોફેસર ડો.હિતેશ ગાંધીનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના વહીવટમાં કથિત ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદો ઉઠી હતી.જેને પગલે સુરત સંયુક્ત ચેરિટી કમિશનરે ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના બેંક એકાઉન્ટ સિઝ કર્યા હતા.એ બાદ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘ કેળવણી મંડળની રાજપીપળા સ્થિત કોમર્સ કોલેજમાં ઈન્ચાર્જ આચાર્યની નિમણુંક મુદ્દે પણ વિવાદ થયો છે.ઈન્ચાર્જ આચાર્ય માટેની ખરેખરી યોગ્યતા ધરાવતા પ્રોફેસરે આ મુદ્દે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી છે.

ભરૂચ જિલ્લા અદિવાસી સેવા સંઘ કેળવણી મંડળ સંચાલિત રાજપીપળાની શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજમાં વર્ષોથી ઈન્ચાર્જ આચાર્યથી ગાડુ ગબડાવાઈ રહ્યુ છે.આટલા વર્ષો સુધી સંસ્થાએ ફૂલ ટાઈમ આચાર્યની માંગણી કેમ નહિ કરી હોય એ પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થાય છે.હાલમાં પણ ફરીથી જે ઈન્ચાર્જ નિમણુંક કરાઈ એમાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ હોય એમ લાગી રહ્યું છે.ત્યારે સંસ્થા દ્વારા પોતાની જ ઘરની ધોરાજી ચલાવાતી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે. ઈન્ચાર્જ આચાર્ય તરીકેની ખરેખરી યોગ્યતા ધરાવતા કોલેજના પ્રોફેસર ડો.હિતેશ ગાંધીએ આ મામલે વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી ન્યાયની માંગ કરી છે.
22 વર્ષનો અધ્યાપનનો અનુભવ ધરાવતા પી.એચ.ડી થયેલા શ્રી રત્નસિંહજી મહિડા કોમર્સ કોલેજના પ્રોફેસર ડો.હિતેશ ગાંધીએ ફરિયાદમાં જણાવ્યું કે રાજપીપળાની કોમર્સ કોલેજમાં 37(ડી) મુજબ 22 વર્ષનો અધ્યાપનનો અનુભવ ધરાવતો પ્રિન્સીપાલની યોગ્યતા ધરાવતો હુ એક માત્ર અધ્યાપક છુ.આ બાબત નજર અંદાજ કરી સંસ્થાના પ્રમુખ અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજીસ્ટારે એક બીજાના મેળા પીપણાથી સાચી હકીકત છુપાવી, ખોટા દસ્તાવેજ ઉભા કરી ઓરડીન્નસ 37(ડી) નો ભંગ કરી માત્ર પાંચ વરસનો પી.ટી.આઇનો અનુભવ ધરાવતા કર્મચારીને ઈ.ચા આચાર્યનો ચાર્જ આપવામા આવ્યો છે.
મારો હક હતો છતાં આર્ટસ & સાયન્સ કોલેજના આચાર્યને ઈન્ચાર્જ આચાર્યનો ચાર્જ અપાયો: પ્રોફેસર ડો.હિતેશ ગાંધી>>
આ બાબતે પ્રોફેસર ડો.હિતેશ ગાંધીએ જણાવ્યું હતું કે અગાઉ પણ મારો હક હોવા છતાં બાજુની કોલેજ આર્ટસ & સાયન્સ કોલેજના પ્રિન્સિપાલને ઈન્ચાર્જ આચાર્યનો ચાર્જ અપાયો હતો.એ સમયે મને મળલો ભારત સરકારનો રિસર્ચ પ્રોજેકટ જરૂરી માહિતી ના આપતા પાછો જતો રહ્યો હતો.રાજપીપળાની કોમર્સ કોલેજમા પ્રિન્સિપાલની જગ્યા પડી ત્યારે મે ઉમેદવારી કરી હતી તો આખી પ્રોસેસ રદ કરી હતી.યુનિવર્સિટીના નિયમ પ્રમાણે હું કોલેજના એસ. આર‌. સી મા નાણા વિભાગનો ચેરમેન છુ.કોલેજમા કોઇ પણ ખર્ચ કરવો હોય તો પ્રિન્સિપાલ તથા ચેરમેનની સહી જોઇએ.પણ મારી કયારેય સહી લીધી નથી, મારી જાણ બહાર ખર્ચા કર્યા છે.
 સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ નિયમો નેવે મુક્યા??
કોલેજમાં ઈન્ચાર્જ આચાર્યની નિમણુંક માટે 37 (ડી) મુજબ 15 વર્ષનો અધ્યાપક તરીકેનો અનુભવ તથા પી.એચ.ડી થયા હોય એમને જ ઈન્ચાર્જ તરીકે નિમણુંક આપવી એવો નિયમ છે, ત્યારે યુનિવર્સિટીએ જ નિયમો નેવે મુક્યા?? આ બાબતે યુનિવર્સિટીના વી.સી ડો. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું કે અમારા રજિસ્ટ્રારનો સંપર્ક કરો, જ્યારે રજિસ્ટ્રારનો સંપર્ક કર્યો તો એમણે જણાવ્યું કે હું એ બાબતનો અભ્યાસ કરી તમને જણાવું છું.
રાજપીપળા કોલેજના પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ માંગરોલા ને આ મામલે પૂછતાં તેમને કહ્યું કે આ બાબતે હું કઈ જાણતો નથી,તો નિયમો વિરુદ્ધ થયેલી આ નિમણુંક માટે જવાબદાર કોણ..? અને પગલાં કોણ લેશે..?

(10:39 pm IST)