Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અવસર ભૂલતા નહીં :મતદારોને જાગૃત કરવા ભરૂચમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં 5625 સ્કવેર મીટરની મહાકાય રંગોળી બનાવાઈ

75×75 મીટર 5626 sq.mtr સાઈઝમાં રંગોળી બનાવવા અંદાજિત 3200 કીલો જેટલો રંગ વપરાયો

ભરૂચ જિલ્લાનાં મહત્તમ મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાનાં માર્ગદર્શનમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ હેઠળ અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

ભરૂચ શિક્ષણાધિકારીની કચેરી દ્વારા મતદાન જાગૃતિ અર્થે સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત ભરૂચ શહેરમાં આવેલા હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સ્વીપના નોડલ ડૉ. દિવ્યેશ પરમારની આગેવાનીમાં મુન્સી બી.એડ કોલેજના વિદ્યાર્થીઓ, 40 જેટલા કલાકારો, ભરૂચની વિવિધ શાળાના ચિત્ર શિક્ષકો, સામાજિક સંસ્થાઓ, કેલરોક્ષ સ્કુલ અને સામાન્ય લોકોની મદદથી હોસ્ટેલ ગ્રાઉન્ડમાં લગભગ 5626 sq.mtr સાઈઝમાં મહારંગોળી બનાવવામાં આવી છે. જે જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના હસ્તે જનજાગૃતિ માટે ખુલ્લી મુકવામાં આવી હતી.

75×75 મીટર 5626 sq.mtr સાઈઝમાં રંગોળી બનાવવા અંદાજિત 3200 કીલો જેટલો રંગ વપરાયો છે. જેના રંગોનું મૂલ્ય જ લગભગ ₹3.20 લાખ થાય છે. જેને બનાવવા માટે 4 દિવસનની જહેમત લાગી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ આ અવસરે ભરૂચ જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ મતદાન કરીને લાકશાહીના આ મહાપર્વમાં પોતાની પવિત્ર ફરજ નિભાવવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી કલાત્મક રંગોળી રચીને ભરૂચ જિલ્લાનાં મતદારો મતદાનની પવિત્ર ફરજ નિભાવે અને વધુમાં વધુ લોકોને વોટીંગ કરાવે તે માટેનો સંદેશો પાઠવવાનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનોખો પ્રયાસ છે. રંગોળીમાં અવસર લોકશાહીનો, બેલેટ યુનિટ, વરલી પેઈન્ટીંગ, આવો સૌ મતદાન કરીયેનો સંદેશ, સ્લોગન અને ભૂલશો નહી મતદાનની તારીખ 1લી ડીસેમ્બરને આવરી લેવાયા છે.

(12:08 am IST)