Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

પંચમહાલના શહેરા બેઠકથી ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો

બોરીયા ગામ પાસે પથ્થરમારાની ઘટનામાં સ્કોર્પિયો અને બોલેરો ગાડીના કાચ તૂટ્યા :કાર્યકરો,પોલીસ સ્ટેશને દોડી ગયા:હુમલાની ઘટનાની ફરિયાદ નોંધાવી

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચારને આજે છેલ્લો દિવસ છે. ત્યારે રાજકીય પક્ષના નેતાઓ અને ઉમેદવારો છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે એડીચોટી જોર લગાવી રહ્યા છે.કેટલીક જગ્યાએ પ્રચાર કરવા નિકળેલા નેતાઓ પર હુમલાની ઘટના પણ સામે આવી રહી છે. ત્યારે આજે પંચમહાલના શહેરા બેઠકથી ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહીતી મુજબ પંચમહાલના શહેરા બેઠકથી ભાજપના ઉમેદવારના પ્રચાર વાહનો પર હુમલો કરવામાં આવ્યો છે. શહેરાના ઉમેદવાર જેઠા ભરવાડના પ્રચાર માટે વાહનો લઇને નીકળ્યા હતા. તેઓ કોઠાથી પ્રચાર કરીને શહેરા આવી રહ્યા હતા આ દરમિયાન બોરીયા ગામ પાસે તેમના વાહનો પર અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વાહનો પર પથ્થરમારાની ઘટનામાં સ્કોર્પિયો અને બોલેરો ગાડીના કાચ તૂટ્યા હતા. આ ઘટના બાદ કાર્યકરો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા અને હુમલાની ઘટનાની ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના અંગે ભાજપના કાર્યકર રમેશ પગીએ જણાવ્યું હતું કે, અમે વિકાસના ગરબાનો કાર્યક્રમ કરીને પરત ફરી રહ્યા હતા. બોરિયા નંબર-1થી અમારી ગાડી નીકળી અને તેમણે રસ્તામાં ગાડીઓ ઊભી કરી અને અમારી પર પથ્થરમારો કર્યો. પછી તે લોકો ભાગી ગયા. જેમાં અમારી બે ગાડીઓને નુકસાન થયું હતું.

(12:24 am IST)