Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

વડોદરામાંથી આશરે ૫૦૦ કરોડનું ઝડપાયું ડ્રગ્‍સઃ અમદાવાદ, કચ્‍છ અને મુંબઇ સુધી ફેલાયો હતો કારોબાર

ગુજરાત ATSને ફરીથી મોટી સફળતા મળી

વડોદરા, તા.૩૦: ગુજરાત ATS ને ફરીથી મોટી સફળતા મળી છે. વડોદરા ગ્રામ્‍ય વિસ્‍તારમાં ATS  દ્વારા સિંઘરોટ વિસ્‍તારમાં ચાલતા જાણીતા ફાર્મની પાછળનાં ખેતરમાં આવેલા ગોડાઉનમાંથી અંદાજે ૫૦૦ કરોડનું ડ્રગ્‍સ કબ્‍જે કરવામાં આવ્‍યું છે. આમાં સોલિડ અને લિકવિડ બંને કબજે કરવામાં આવ્‍યું છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, વડોદરા શહેર અને ગ્રામ્‍ય એમ બે ફેક્‍ટરીમાં દરોડા પાડવામાં આવ્‍યા હતા. જેમાં સામે આવ્‍યું હતુ કે, ગોડાઉનમાં ડ્રગ્‍સનું રો મટીરિયલ બનાવવામા આવતુ હતુ. આ રો મટીરિયલને અમદાવાદ, મુંબઈ, કચ્‍છ મોકલવામાં આવતું હતુ. રો મટીરિયલને ટેબ્‍લેટ ફોર્મમાં વેચાણ કરાતુ હતુ. આ ગોરખ ધંધો આસરે એક મહિનાથી ચલાવવામાં આવતો હતો.

આ કેસમાં અત્‍યાર સુધી ગુજરાત એટીએસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્‍યારે એક આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. હાલ આરોપીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. જેમાં મોટા ખુલાસા થવાની શકયતા વધુ ગઇ છે.

ગુજરાત એટીએસની ટીમે વડોદરા જિલ્લા પોલીસ ટીમની મદદ સાથે રાતના ૮.૩૦ની આસપાસ રેઇડ કરી હતી. આ દરોડોમાં ચારથી પાંચ લોકોની અટકાયત કર્યાની પણ આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

ટીમે રાત્રિના અંધારામાં ત્‍યાં દરોડા પાડ્‍યા હતા. આ સમગ્ર વિસ્‍તારને ચારે બાજુથી ઘેરીને એટીએસની ટીમે આ ગોડાઉનમાં ઘૂસી જઇને અંદર તપાસ શરૂ કરી હતી. અહીં દરોડા પાડ્‍યા તે પહેલા મંગળવારે એસજીએસટી વિભાગની ઈન્‍વેસ્‍ટિગેટિવ વિંગ અને એટીએસ દ્વારા અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, સુરત, અને ગાંધીધામમાં ૪૪ જેટલી પેઢીઓના ૬૪ સ્‍થળે સર્ચ હાથ ધરાયું હતુ.

આપને જણાવીએ કે, ઓગસ્‍ટ મહિનામાં પણ વડોદરામાંથી ગુજરાત એટીએસે ડ્રગ્‍સ બનાવતી ફેક્‍ટરી ઝડપી પાડી હતી. વડોદરાના સાવલની મોક્‍સી ગામમાં ATS દરોડા પાડ્‍યા હતા. જે બાદ એજન્‍સીએ અહીંથી કરોડો રુપિયાની કિંમતનું ડ્રગ્‍સ ઝડપી પાડ્‍યુ હતુ. આ સિવાય આ કેસમાં એજન્‍સીએ કેટલાંક આરોપીઓની પણ ધરપકડ કરી હતી. એજન્‍સીએ સુરતના મુખ્‍ય આરોપી મહેશ વૈષ્‍ણવની પણ ધરપકડ કરી હતી. તપાસમાં એવું સામે આવ્‍યું હતું કે, આરોપી મહેશ વૈષ્‍ણવ લક્‍ઝુરિયસ લાઈફ સ્‍ટાઈલ જીવતો હતો. ત્‍યારે ATS એ આરોપી મહેશ વૈષ્‍ણવના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

(4:13 pm IST)