Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

અમદાવાદની મુસ્‍લિમ અને ઓબીસી સમાજના પ્રભુત્‍વવાળી વેજલપુર બેઠક પર ભાજપે અમિત ઠાકર અને કોંગ્રેસે રાજેન્‍દ્ર પટેલને મેદાનમાં ઉતાર્યા

નવા સિમાંકન થતા સરખેજ બેઠકમાંથી વેજલપુર બેઠક અલગ થઇ

અમદાવાદઃ અમદાવાદની વેજલપુર બેઠક ભાજપનો ગઢ ગણાય છે. પરંતુ નવા સિમાંકન થતા આ બેઠક સરખેજથી અલગ થઇ છે. મુસ્‍લિમ અને ઓબીસીના વર્ચસ્‍વવાળી આ બેઠક પર કોણ સત્તા કબ્‍જે કરશે તે આવનારો સમય બતાવશે.

ગુજરાતમા અનેક મુદ્દાઓ છે, પણ ચુંટણીઓ તો ધાર્મિક કટ્ટરવાદ પર આવીને અટકે છે. અમદાવાદની કેટલીક બેઠકો પર હિન્દુ મતદારોની સાથે મુસ્લિમ મતદારો પણ છે. જેમાં જમાલપુર, દરિયાપુર, બાપુનગર, દાણીલીમડા, વટવા અને વેજલપુર બેઠકનો સમાવેશ થાય છે. આ છ બેઠક પૈકી ચાર બેઠક કોંગ્રેસ અને બે બેઠક ભાજપ પાસે છે. આ ચુટણીમાં વેજલપુર બેઠક પર ભાજપે અમિત ઠાકર તો કોંગ્રેસે રાજેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે આ બેઠક પર કોનુ પલડુ ભારે છે તે આવનારો સમય દેખાડશે, પરંતુ તેના પહેલા રાજકીય રીતે સમજીએ..

અમદાવાદ શહેરની વેજલપુર બેઠક આમ તો ભાજપ ગઢ સમાન છે. આ બેઠક પર મુસ્લિમ અને ઓબીસી મતદારોનો પ્રભુત્વ ગણાય. સેમી અર્બન તરીકેની આ બેઠક સરખેજ બેઠકથી અલગ થઈ છે. ગુજરાતની 182 વિધાનસભા સીટો પૈકીની એક બેઠક વેજલપુરમાં અમદાવાદ શહેર તાલુકાના વસ્ત્રાપુર, મકતમપુર, ગ્યાસપુર, વેજલપુર, મકરબા, સરખેજ જોધપુર વગેરે વિસ્તારોનો સમાવેશ થાય છે. વેજલપુર વિધાનસભા બેઠક ગાંધીનગર લોકસભાનો એક ભાગ છે. જ્યાં 322129 મતદારો છે, જેમાં 165689 પુરૂષ, 156429 મહિલા અને 11 અન્ય મતદારોનો સમાવેશ થાય છે. 

    વેજલપુરમાં મુસ્લિમ મતદારો : 32 ટકા

    ઓબીસી મતદારો : 22 ટકા

    સવર્ણ મતદારો : 19.79 ટકા

    દલિત મતદારો : 6 ટકા

    પટેલ મતદારો : 8 ટકા

    અન્ય મતદારો : 11.70 ટકા

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિત ઠાકરના કહેવા પ્રમાણે આ વિસ્તારમાં વિકાસના તમામ કાર્યો થયા છે. જોકે વિધાનસભાની ચુંટણીમાં હવે હિન્દુ મુસલમાનનો મુદ્દો હાવી થયો છે તે અંગે તેમનું કહેવુ છે કે આ વખતની ચુંટણીનો મુખ્ય મુદ્દો વેજલપુરની શાંતી રહેશે.

અમિત ઠાકર, ઉમેદવાર ભાજપ વેજલપુર

વર્ષ 2012ની વિધાનસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કિશોર ચૌહાણ અને કોંગ્રેસે મુર્તુઝા પઠાણે ટીકીટ આપી હતી. જેમાં ભાજપાના કિશોર ચોહાણનો 40000 કરતાં વધારે મતે વિજય થયો હતો. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીએ ફરી વાર કિશોર ચૌહાણને ટીકીટ આપી, તો કોંગ્રેસે મિહિર શાહને ઉમેદવાર બનાવ્યા હતા. જેઓની 22 હજાર મતે હાર થઇ હતી. કોંગ્રેસ પાર્ટીએ આ ચુંટણીમાં રાજેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 

રાજેન્દ્ર પટેલ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વચન ઉપરાંત બે રોજગારી અને મોંઘવારીને મુદ્દો બનાવી પ્રચાર કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉભા કરવામાં આવેલા હિન્દુ મુસલમાનના મુદ્દા અંગે તેઓ કહે છે કે અમારો પક્ષ બિન સાંપ્રદાયિક છે અને તે મુદ્દે તેઓ આગળ વધી રહ્યા છે. સામા પક્ષે ક્યા મુદ્દે પ્રચાર થાય છે તે તેમના માટે ગૌણ છે.

વેજલપુર વિધાનસભા બેઠકમાં જુહાપુરા વિસ્તારનો સમાવેશ થાય છે. જે માઇનોરીટી ડોમીનેટ વિસ્તાર છે. આ ચુંટણીમાં કુલ 15 ઉમેદવારો મેદાને છે, જેમાં 6 હિન્દુ અને 9 માઇનોરીટી ઉમેદવાર છે. આ અપક્ષો ચુંટણીમાં કોને ફળે છે તેના પર સૌની નજર છે.

(5:32 pm IST)