Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

નર્મદા ચૂંટણી અધિકારી તેમજ કેન્દ્રિય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષકે રાજપીપલા ડિસ્પેચીંગ કેન્દ્રની મુલાકાત લીધી

 નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા વિસ્તારના ૬૨૪ મતદાન મથકો માટે જિલ્લામાં કુલ-૮૩ જેટલા ઝોનલ અધિકારીઓ દ્વારા ૧૫૬ જેટલા નિયત વાહન રૂટ દ્વારા મતદાન ટુકડીઓની રવાનગી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણીના મતદાન માટે રાજપીપલામાં શ્રી છોટુભાઇ પુરાણી વ્યાયામ મહાશાળા ખાતેના ડિસ્પેચીંગ કેન્દ્રની જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા તેમજ કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષે મુલાકાત લઇ નાંદોદ વિધાનસભા મત વિસ્તારની મતદાન ટુકડીઓ દ્વારા મતદાન સામગ્રી સાથે તેમના સંબંધિત મતદાન મથકો માટે નિયત રૂટમાં થઇ રહેલી રવાનગી માટેની સમગ્ર પ્રક્રિયાનું રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી અને રાજપીપલાના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી પાસેથી જરૂરી આંકડાકીય વિગતો સાથેની જાણકારી મેળવી હતી. આ મુલાકત વેળા જિલ્લા પોલીસ અધિક્ષ પ્રશાંત સુંબે, સંખ્યાધિક અધિક કલેકટર સી.એલ.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી  જીજ્ઞાબેન દલાલ પણ સાથે રહ્યા હતા.
મુલાકાત દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક ટી.વી.સુભાષે સ્ટ્રોંગ રૂમની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું,આ ડિસ્પેચીંગ કામગીરી દરમિયાન સેન્ટરમાં EVM – VVPAT સંદર્ભની તૈયારીઓ માટે ચાલી રહેલી કામગીરીનું પણ ટી.વી.સુભાષે નિરીક્ષણ કર્યું હતું. અને ડિસ્પેચીંગ પહેલા રાખવાની થતી તમામ પ્રકારની જરૂરી કાળજી રાખવા તેમજ મતદાન ટૂકડીઓની રવાનગી સમયે / ડિસ્પેચીંગ વખતે આ કેન્દ્રમાં જરૂરી તમામ પ્રકારની સુવિધાઓ, નિયત સ્થળોએ બેરીકેટીંગ, CCTV કેમેરા સુવિધા માટેની જરૂરી વ્યવસ્થા સહિતની કેટલીક બાબતો અંગે ચૂંટણી અધિકારી ગોકલાણીને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
ડિસ્પેચીંગ સેન્ટરની આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાએ નાંદોદના ચૂંટણી અધિકારી શૈલેષ ગોકલાણી સાથે કરેલી ચર્ચા-પરામર્શ દરમિયાન ગોકલાણીએ નાંદોદ વિધાનસભા વિસ્તારના સખી મતદાન મથકોના મહિલા પ્રિસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર સહિતના સમગ્ર સ્ટાફના મહિલા કર્મચારીઓ સાથે તેવતિયાએ સીધો સંવાદ કરીને તેમને સોંપાયેલી ફરજો ખૂબ જ ચોકસાઇથી ઉત્સાહપૂર્વક બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
રાજપીપલા ખાતેથી નાંદોદ વિધાનસભા બેઠક માટેના ૩૦૭ મતદાન મથકો માટે ૩૮ જેટલા ઝોનલ અધિકારીઓ દ્વારા નિયત કરાયેલા ૬૦ જેટલાં વાહન રૂટ મારફત આ મતદાન ટુકડીઓની રવાનગી થઇ હતી તેની સાથોસાથ દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી આનંદ ઉકાણીની રાહબરી હેઠળ દેડીયાપાડા આદર્શ નિવાસી શાળા ખાતેના ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી ૩૧૭ મતદાન મથકો માટેની મતદાન ટુકડીઓને તેમની મતદાન સામગ્રી સાથે ૪૫ જેટલા ઝોનલ અધિકારીઓ દ્વારા નિયત કરાયેલા ૯૬ જેટલા વાહન રૂટ મારફત રવાનગી કરાઇ હતી

(11:36 pm IST)