Gujarati News

Gujarati News

News of Thursday, 30th November 2023

વિરમગામ તાલુકામાં જખવાડા ગામેથી ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ

આ રથ વિરમગામ તાલુકાના જખવાડા અને સચાણા ગામ ખાતે સરકારી યોજનો લાભ લાભાર્થીઓને ઘરે બેઠા પહોંચાડશે : હાર્દિક પટેલે જખવાડાના ગ્રામજનોને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લઈ દરેક સરકારની યોજનાનો લાભ લેવા આહવાન કર્યું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : દેશના ઘર ઘર સુધી સરકારી યોજનાના લાભ પહોંચાડવાના ઉદ્દેશથી સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યમાં ' વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અન્વયે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામેથી વિરમગામ તાલુકાના ધારાસભ્ય  હાર્દિક પટેલના હસ્તે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ મળવાપાત્ર તમામ લાભાર્થીઓ સુધી પહોંચે, સરકારની તમામ યોજનાની જાણકારી આમ નાગરિકો સુધી પહોંચે અને જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને તેમના ઘરઆંગણે લાભાન્વિત કરી શકાય એવા હેતુથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો શુભારંભ થયો છે. આ 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નો રથ વિરમગામ તાલુકાના જખવાડા અને સચાણા ગામ ખાતે સરકારી યોજનાના લાભ પહોંચાડશે.    
આ અવસરે વિરમગામ તાલુકાના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ બિરસા મુંડાની જયંતી પર 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા' શરૂ કરી હતી. આ યાત્રા આવતા વર્ષે ગણતંત્ર દિવસ એટલે કે ૨૬ જાન્યુઆરી, ૨૦૨૪ સુધી ચાલુ રહેશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે સામાન્ય જનતા માટે જુદા-જુદા વિષયો પર અનેક કાર્યક્રમો અને યોજનાઓનો પ્રારંભ કર્યો છે. પરંતુ ઘણી વખત આ કાર્યક્રમોની જાણકારી લોકો સુધી પહોંચી શકી નથી, જેના કારણે તેઓ સરકારી સહાયના લાભથી વંચિત રહી જાય છે. આ જ કારણે આ યાત્રાનો એક ઉદ્દેશ્ય દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાની માહિતી તેમજ ઘરે બેઠા સરકારી યોજનાનો લાભ આપવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે, પરંતુ લાભ મળ્યો નથી તેમના સુધી પહોંચવાનો છે. ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર-પ્રસાર કરી નાગરિકોમાં જાગૃતિ લાવવા, સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્ય હાંસલ કરવાનો છે. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાન મંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, દીનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જનધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રસાણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની ૧૭ યોજનાઓને આવરી લેવામાં આવી છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
ધારાસભ્યએ કેન્દ્ર સરકારની યોજનાનું મહત્ત્વ સમજાવતા કહ્યું કે, પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ યોજના જેના થકી ૧૦ લાખ સુધીની સારવાર નિશુલ્ક મેળવી શકે છે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાથી ગરીબોને નિશુલ્ક અનાજ આપવામાં આવે છે, ઉજ્જવલા યોજના લાવી ગેસના બાટલા આપીને મહિલાઓને ધુમાડામુક્ત કરી અનેક બીમારીઓથી બચાવી છે. કોરોનાનાં સમયમાં ભારતના દરેક નાગરિકને કોરોનાની રસીના  ડોઝ નિશુલ્ક આપી લોકોને જીવનદાન મળ્યું છે.
વિરમગામના જખવાડા ગામની વાત કરતા હાર્દિક પટેલે કહ્યું કે, આજે જખવાડા ગામમાં જિલ્લાના અને તાલુકાના અધિકારીઓ દ્વારા ઘરે બેઠા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. એક એક લાભાર્થી સુધી દરેક યોજનાનો લાભ પહોંચાડવા તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ, જખવાડા ખાતે માધ્યમિક સ્કૂલનું પણ ખાતમુહૂર્ત કરી દેવામાં આવ્યું છે જે આવનારા વર્ષમાં શરૂ થઈ જશે.  
આ અવસરે હાર્દિક પટેલે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો લાભ લઈ દરેક ગ્રામજનોને દરેક સરકારની યોજનાનો લાભ લેવા આહવાન પણ કર્યું હતું.
     આ પ્રસંગે વિકસિત ભારત યાત્રા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી આયુષ્માન યોજનાના લાભાર્થીઓ, આઈસીડીએસ દ્વારા સ્વસ્થ બાળક અંગે પ્રમાણપત્ર, ટીબી દર્દીઓ માટે પોષણયુક્ત આહાર અંતર્ગત લાભાર્થીઓને કીટ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કાર્ડ વિતરણ અને ગામના સરપંચને ઓ.ડી.એફ. અને વિલેજ પ્રમાણપત્ર અપાયા હતા. આ ઉપરાંત જળજીવન મિશન અંતર્ગત જખવાડા ગામમાં ૧૦૦ ટકા નળ કલેક્શનની સિદ્ધિ બદલ ધારાસભ્યના હસ્તે સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યું હતું.
આ અવસરે પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવતું નાટક પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ સાથે 'બેટી બચાઓ, બેટી પઢાઓ' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે વિરમગામના પ્રાંત અધિકારી કંચનબેન, સરપંચ, ટીડીઓ  ધવલ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રાજુભાઇ પરમાર, વિરમગામ ભાજપ તાલુકાના પ્રમુખ મફાભાઈ ભરવાડ, તાલુકા પંચાયતના પ્રમુખ જનકભાઇ પટેલ , વિરમગામ ભાજપ યુવા મોરચાના પ્રમુખ શ્રી વિક્રમ ઠાકોર, વિરમગામ તાલુકા ભાજપના મહામંત્રી રમેશભાઈ કોળી પટેલ અને શંકરલાલ ઠાકોર, તાલુકા સદસ્ય, મામલતદાર, અધિકારી-પદાધિકારીઓ, વિવિઘ યોજનાના લાભાર્થીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

(6:31 pm IST)