Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગ્રાહકોના ખીસ્‍સા હળવા કરતા હોટલ સંચાલકોઃ કેવડિયાની સંકલ્‍પ હોટલમાં એક છાસના ગ્‍લાસના રૂપિયા 200 વસુલ્‍યાઃ બિલ વાયરલ

ફોરસ્‍ટાર ગણાતી હોટલમાં ચીઝ ઢોસા કરતા છાસ મોંઘી

અમદાવાદઃ છાશ એ ગુજરાતનું પીણુ છે. ગુજરાતની 90 ટકા વસ્તીનું ભોજન છાશ વગર અધૂરું છે. ઉનાળામાં તો ગુજરાતમાં ઠેકઠેકાણે મફત છાશ વહેંચવાની પ્રવૃત્તિઓ થતી રહે છે. જ્યાં લોકો છાશની મફત લ્હાણી કરતા હોય એવા ગુજરાતમાં 200 રૂપિયાનો છાશનો ગ્લાસ વેચાય તો સો ટકા આશ્ચર્ય થાય. ગુજરાતમાં સોશિયલ મીડિયા પર હાલ એક હોટલનું બિલ વાયરલ થયું છે. જેમાં એક ગ્રાહક પાસેથી એક છાશના ગ્લાસના 200 રૂપિયા વસૂલાયા છે. સોશિયલ મીડિયામાં કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઇન હોટલનું બિલ વાઈરલ થયું છે, જેમાં છાશના એક ગ્લાસનો ભાવ રૂ. 200 દર્શાવાયો છે.

સંકલ્પ હોટલનું બિલ વાયરલ

ગુજરાતીઓ માટે છાશ અમૃત કહેવાય છે. ત્યારે સામાન્ય રીતે છાશનો ઓછામાં ઓછા 10 રૂપિયાનો ગ્લાસ હોય છે. પરંતું ગુજરાત ટુરિઝમનું ફેવરિટ ડેસ્ટિનેશન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આવેલી સંકલ્પ ગાર્ડન ઈન હોટલ 200 રૂપિયામાં છાશનો એક ગ્લાસ આપી રહી છે. ત્યારે તમને પણ એવું થશે કે આખરે આ છાશું એવુ તો શુ છે કે તેનો 200 રૂપિયાનો ભાવ છે.

ગ્રાહકો પાસેથી ખિસ્સા ખંખેરતા હોટલ સંચાલકો તો ઘણા છે. પરંતું જો છાશના એક ગ્લાસના 200 રૂપિયા વસૂલવામા આવે તો સો ટકા આંચકો લાગે. આ બિલ હાલ સોશિયલ મીડિયા પર ન માત્ર વાયરલ થયું છે, પરંતું ચર્ચાના કેન્દ્રએ પણ ચઢ્યું છે. કારણ કે, ગ્રાહકે હોટલમાંથી છાશના 6 ગ્લાસનો ઓર્ડર આપ્યો હતો, જેમાં માત્ર 6 છાશનું બિલ 1200 રૂપિયા બન્યું છે. તે સિવાય અન્ય વસ્તુઓના અલગ. ફોર સ્ટાર ગણાતી આ હોટલમાં ચીઝ ઢોસા કરતા તો છાશ મોંઘી છે. ચીઝ ઢોંસાના 300 રૂપિયા અને છાશના એક ગ્લાસના 200 રૂપિયા કેટલા વાજબી ગણાય.

જોકે, બિલ વાયરલ થતા હોટલ મેનેજર નીતિન શિવપુરીએ કહ્યું કે અમારી હોટેલ ફોર સ્ટાર છે. રૂ. 200ની છાશની ગુણવત્તા જુઓ. અન્ય હોટલોમાં પણ છાશનો આજ ભાવ વસૂલાય છે.

(5:21 pm IST)