Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

કમોસમી વરસાદ થતા કેરીના પાકને નુકશાનઃ કેરીની આવકમાં સતત વધારો થતા ભાવ તળિયે

અન્‍ય રાજ્‍યોમાંથી કેરીની આવક થતા 5 કિ.ગ્રા. બોક્‍સનો ભાવ 600થી 1000 રૂપિયા

અમદાવાદ: કેરીના રસિકો માટે આજે એક સારા સમાચાર મળી રહ્યા છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટી અસર થઈ હતી. પરંતુ આજે એક ખુશખબર મળી રહ્યા છે. હાલ કેરીના ભાવ તળિયે બેઠા છે. કેરીની આવકમાં વધારો થતા કેરીના ભાવ તળિયે બેઠા હોવાનું સામે આવ્યું છે. હાલ હાફુસ, પાયરી, સુંદરી કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે તોતાપુરી અને બદામ કેરીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

આમ તો ગુજરાતમાં કેરીનો પાક સારા એવા પ્રમાણમાં થાય છે, તેમ છતાં કેરલા, કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશથી કેરીની સારી એવી આવક થઈ રહી છે. હાફુસ કેરીના 5 કિલોના બોક્સની કિંમત 600થી 1000 રૂપિયા છે. તેવી જ રીતે સુંદરી કેરીના 5 કિલોના બોક્સની કિંમત 400 -600 રૂપિયા, રત્નાગીરી હાફુસ કેરીના 20 કિલોના બોકસની કિંમત 3000-6000 હજાર, કેસર કેરીની હાલ તલાલા, જૂનાગઢ, વંથલીથી આવક થઇ રહી છે. ભુજની કેસર 20 એપ્રિલ સુધીમાં આવવાની શક્યતા જોવામાં આવી રહી છે.

તોતા પુરીનો કિલો દીઠ ભાવ જે 20 દિવસ પહેલા 70 રૂપિયા કિલો હતો તે હાલ 55 રૂપિયા કિલોના ભાવે પહોંચી ગયો છે. છેલ્લા 10 દિવસથી કેરીની આવકમાં વધારો થતા સતત ભાવ ઘટી રહ્યા છે. 10 દિવસ પહેલા કેરીની 5-6 ગાડીઓ આવતી હતી, જે હાલ 20-25 ગાડીઓ આવી રહી છે. માવઠાને કારણે કેરી વહેલી બગડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જેના કારણે કેરી ઉપર મોસમની માર પડતા ભાવ તળિયે પહોંચ્યો છે.

કેસર કેરીની આવક નહીં છતાં શરૂઆતી ભાવ 10 કિલોના 800-1200 રૂપિયા છે. છેલ્લા 10 દિવસથી કેરીની આવકમાં વધારો થતા સતત ભાવ ઘટી રહ્યા છે. માવઠાને કારણે કેરી વહેલી બગડે તેવી શક્યતા જોવામાં આવી રહી છે, જેના કારણે કેરીઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે.

(5:23 pm IST)