Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાના ‘મોટા' ગામના નામની ઓળખ શુરવીરોના ગામ તરીકેઃ 6 હજારની વસ્‍તીમાં 350 જવાનો આર્મી અને પોલીસમાં કાર્યરત

બાળકનો જન્‍મ થતાની સાથે જ દેશની સવા માટે પરિવારજનો તૈયાર કરે છે

બનાસકાંઠાઃ બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાનું ‘મોટા' ગામ શુરવીરોના ગામ તરીકે ઓળખાવવા લાગ્‍યુ છે.

ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ‘મોટા’ નામના ગામને ‘આર્મીમેન’ નામ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત આ ગામને શૂરવીરોનું ગામ પણ કહેવામાં આવે છે. આ ગામને આટલી મોટી પદવી મળવા પાછળ ગામ લોકોની દેશ સેવા અને વર્ષોની મહેનત લાગેલી છે. આ એક એવું ગામ છે, જ્યાં દરેક પરિવારનો ઓછામાં ઓછો એક બાળક તો દેશ સેવા કરી જ રહ્યું છે.બનાસકાંઠા જિલ્લાનાં પાલનપુર તાલુકાનાં મોટા ગામ આવેલું છે. ગામની અંદાજે વસતી 6000ની છે. ગામે દેશની સેવામાં 350 જેટલા જવાનો આર્મી અને પોલીસ સેવામાં જોડાયેલા છે. આ ગામની માટીમાં જ દેશ સેવાની સુવાસ ફેલાઇ રહી છે. મોટા ગામનાં ત્રણ જવાનો શહીદ થયા છે. દરેક ઘરમાંથી એક સભ્ય માં ભોમની રક્ષા કરી રહ્યો છે. ગામનાં યુવાનોમાં સૈનિક બનવાનું ઝનૂન કંઈક જૂદુ જ છે. ગામમાં બાળકનાં જન્મ સાથે દેશની સેવા માટે પરિવારજનો બાળકને દેશ સેવા માટે તૈયાર કરે છે.

આ ગામમાં જાઓ તો એક વખત તો એવું પણ લાગે કે, આપણે કદાચ કોઈ આર્મી કેમ્પ કે પછી બીએસએફના કેમ્પમાં આવી ગયા છીએ, ગામના કોચ દ્રારા દરેક યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, આ ગામના કેટલાક તો એવા યુવાનો પણ છે કે, જેઓ ધોરણ 12માં સાયન્સમાં 80 ટકાથી ઉપર લાવીને પણ આર્મીમાં જોડાયેલા છે.

આ ગામના યુવકો ગમે તેટલા હોશિયાર હોવા છત્તા પણ તેઓ બીજી નોકરીની જગ્યાએ દેશની સેવામાં જ જોડાવવાનું પસંદ કરે છે. જો આવા વિદ્યાર્થીઓ ઈચ્છે તો તેઓ ડોક્ટર કે પછી સરકારી અન્ય નોકરીમાં સરળતાથી જઇ શકે છે પરંતુ તેઓ દેશની રક્ષા કરવાનું જ પસંદ કરે છે.

1976માં મોટા ગામના બે યુવાનો આર્મીમાં જોડાયા હતા

આ ગામના ઈતિહાસની વાત કરવામાં આવે તો એક સમયે નવાબોનું રાજપાટ હતું ત્યારે પણ મોટા ગામના 50થી વધુ યુવાનો નવાબની સેનામાં રહીને પોતાના સૂબાની રક્ષા કરતાં હતા. તે પછી સ્વતંત્ર ભારતમાં એટલે 1976ના વર્ષમાં પ્રથમ વખત મોટા ગામના હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નામના બે યુવાનો ઇંડિયન આર્મીમાં જોડાયા હતા. અહીંથી મોટા ગામના લોકોનું દેશની સેવામાં જોડાવવાની શરૂઆત થઇ અને અત્યાર સુધી તે યથાવત છે. પાછલા 50 વર્ષમાં મોટા ગામમાંથી હજારો યુવાનો દેશની સેવા કરી ચૂક્યા છે. એક પછી એક યુવાનો અલગ અલગ લશ્કરી સેવામાં જોડાઇ ચૂક્યા છે અને જોડાઇ રહ્યાં છે.

જ્યારે હરિસિંહ પરમાર અને ભૂપતસિંહ રાજપૂત નિવૃત્ત થઈને ગામમાં પાછા ફર્યા ત્યારે તેમણે ગામના પ્રત્યેક યુવાનોમાં દેશભક્તિની ભાવના જાગૃત કરી. બન્ને યુવાઓએ દેશ પ્રત્યેની અનહદ લાગણીઓ સાથે આર્મીમાં ભરતી થવા માટે માર્ગદર્શન આપવાનું તથા શારીરિક તાલીમ આપવાનું શરુ કર્યું. બસ ત્યારથી આ ગામમાંથી અનેક યુવાનો દેશની સેવામાં જોડાવા લાગ્યા અને આજ દિન સુધી આ દેશ સેવા ચાલી રહી છે.

કારગિલ યુદ્ધના સાક્ષી રહ્યાં છે મોટા ગામનો યુવક ભૂપતસિંહ

ભૂપતસિંહ રાજપુત 1990માં કારગિલ ખાતે સફેદ નાલના ટાઇગર હિલ યુદ્ધમાં પોતાના મિત્રોને સાથે રાખી અને દુશ્મનો પર થ્રિ પીપલ થી યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. આ પરાક્રમ પછી સેના દ્વારા ભૂપતસિંહને કારગિલ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.

ગામની સરકારી શાળાનું નામ પણ ગામના યુવક શહીદ બહાદુર સિંહના નામ પર

ગામની સરકારી શાળાનું નામ પણ શહીદ બહાદુર સિંહ છે, જ્યા ગામના બાળકો શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ દેશની સેવા કરવાના માર્ગે આગળ વધે છે. આજની તારીખમાં પણ મોટા ગામમાંથી 350થી વધારે યુવાનો દેશની સરહદ પર પોતાના પરિવારથી દુર રહીને દેશના લોકોની રક્ષા કરી રહ્યા છે. પોતાનું જીવન દેશને સમર્પિત કર્યું છે.

કેટલાક પરિવાર ત્રણ પેઢીથી કરે છે દેશની સેવા

આ ગામના કેટલાક પરિવારની તો છેલ્લી ત્રણ પેઢી દેશ સેવા કરી રહ્યાં છે, 6 હજારની વસ્તીમાં 700થી 800 જેટલા યુવાનો અલગ અગલ જગ્યાએ દેશની સેવામાં જોડાયેલા છે. ભારત સરકારની ભરતીને પાસ કરીને દેશની સેવામાં જોડાવવા માટે મોટા ગામનો યુવક સમય પહેલા જ તેની ખુબ જ અઘરી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. ગામનું વાતાવરણ પણ એવું છે કે, જીવનમાં માત્ર દેશની સેવા કરવા માટે જ જન્મ્યા છે અને તેથી ખુબ જ અગ્નિ પરીક્ષા જેવી પ્રેક્ટિસ પોતાની રીતે કરે છે, તેથી સરકારી ભરતીઓને તેઓ સરળ રીતે પાસ કરી લે છે.

આ ગામના જે યુવાનો દેશની સરહદે ફરજ બજાવે છે તેઓ રજા લઇને ગામમાં પરત આવે ત્યારે ગામના અન્ય યુવાનોને ટ્રેનિંગ આપે છે, જેથી કરીને તેઓ ફોર્સની ભરતીમાં સરળ રીતે પાસ થઇ શકે. તેઓ આર્મીમાં જે રીતે ટ્રેન થયા હોય તે જ રીતે ગામના યુવાનોને ટ્રનિંગ આપે છે. તે ઉપરાંત આ ગામમાં છોકરાઓને ટ્રેન કરવા માટે રાખવામાં આવેલા કોચ છોકરાઓને પરીક્ષા માટે માનસિક અને શારીરિક રીતે તૈયાર કરે છે. આ બધી ટ્રેનિંગ એવી હોય છે કે, આ ગામના લોકો અન્ય યુવાનો કરતાં વધારે પ્રમાણમાં સેનાની પરીક્ષામાં પાસ થઇ શકે છે.

છ આતંકવાદીઓને ઠાર કરીને ગામનો યુવક થયો હતો શહીદ

મોટા ગામનો બળદેવ સિંહ જમ્મુના પુલવામા ફરજ બજાવી રહ્યો હતો. આ વિસ્તાર આતંકવાદીઓથી ભરેલો પડ્યો હતો. વર્ષ 2007માં બળદેવ સિંહનો સામનો આતંકવાદીઓ સામે થઇ ગયો, આ દરમિયાન બળદેવ સિંહે ઓછામાં ઓછા 6 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જોકે, દુ:ખની વાત તે છે કે, આ દરમિયાન બળદેવ સિંહ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ ગયા અને અંતે શહીદીને વ્હોરી હતી. આ ગામની માતાઓને પણ ધન્ય છે કે, જેઓ પોતાના બાળકોને દેશની સેવા માટે તૈયાર કરે છે અને તેમની શહીદી ઉપર પણ ગર્વ અનુભવે છે.

(5:30 pm IST)