Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ચર્ચા ઓછી અને હંગામો વધુ જોવા મળ્‍યોઃ હંગામી કર્મચારીઓએ સુત્રોચ્‍ચાર કરીને રોષ ઠાલવ્‍યો

વાર્ષિક સેનેટમાં ‘સમાન કામ સમાન વેતન'ની માંગણી

વડોદરાઃ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં હંગામો કરીને કર્મચારીઓએ રોષ ઠાલવ્‍યો હતો.

વડોદરાની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં આજે સેનેટની બેઠક મળી હતી. યુનિવર્સિટીમાં મળેલી આ વાર્ષિક સેનેટ મળી હતી. જેમાં ચર્ચા ઓછી અને હંગામો વધારે જોવા મળ્યો હતો. આ બેઠકમાં સેનેટ સિન્ડિકેટ મેમ્બરો દ્વારા આગામી વર્ષે મંજુર કરવામાં આવનાર કામો તેમજ મંજૂરીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ગત શૈક્ષણિક સત્ર દરમ્યાન કરવામાં આવેલી કામગીરી તેમજ વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અને તેના ઉકેલ અંગે ચર્ચ કરવામાં આવી હતી.

આ બેઠકમાં સેનેટ મેમ્બર કપિલ જોશી અને સભ્યો વિવિધ મુદ્દે રજુઆત કરી હતી. જ્યારે સેનેટ સભ્યો ને વિવિધ મુદ્દે એબીવીપીએ પણ રજુઆત કરી હતી. આ સેનેટ સભામાં હંગામો થતાં તૂ-તૂ મે-મે ના દ્રશ્યો પણ સર્જાયા હતા. આ સાથે જ નરેન્દ્ર રાવત અને કપિલ જોશીએ રજુઆત કરતા જ હોબાળો થયો હતો. જેમાં જીગર ઇનામદાર સહિતના સેનેટ સભ્યોએ પણ બચાવ કર્યો હતો. હંગામા સાથે બેઠક ચાલી હતી જ્યારે સેનેટ બેઠકની બહાર પણ વિરોધનો વંટોળ જોવા મળ્યો હતો.

એમ.એસ.યુનિ.માં સેનેટની બેઠક બહાર વિરોધ જોવા મળ્યો હતો. યુનિવર્સિટીના હંગામી કર્મચારી યુનિયન દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને હંગામી કર્મચારીઓ દ્વારા તેઓને કાયમી કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ સમાન કામ સમાન વેતનની પણ માંગ કરી હતી.

હંગામી કર્મચારીઓએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે વર્ષોથી અહીં હજારો કર્મચારીઓ કામ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કાયમી કરવામાં આવ્યા નથી. અને નજીવો પગારવધારો કરીને ચલાવવામાં આવે છે. વહેલી તકે કાયમી ધોરણે કરવાની અમારી માંગ છે. માત્ર વાયદા કરવામાં આવે છે પરંતુ 29 વર્ષથી નોકરી કરતા કર્મચારીઓ પણ આજે હંગામી ધોરણે જ કામ કરી રહ્યા છે. અમારી માંગ છે કે યુનિવર્સિટીના દરેક હંગામી કર્મચારીને સિનિયોરીટી પ્રમાણે કાયમી કરવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે સિન્ડિકેટ સભ્ય સત્યન કુલાબકર એ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે બેઠકમાં મારી મુખ્ય રજૂઆત હતી કે કોઇ પણ કર્મચારી જોડાય ત્યારે તેની નિવૃત્તિની તારીખ નક્કી હોય છે. નિવૃત્તિ બાદ તરત પેન્શન શરૂ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ.જ્યારે યુનિવર્સિટીમાં અનેક જગ્યાઓ ખાલી છે જેને ભરવામાં આવે જેથી યુનિવર્સિટી વધારે પ્રગતિના પંથે જશે.

 

(8:40 pm IST)