Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

વડોદરામાં રામનવમી શોભાયાત્રા ઉપર 2 જગ્‍યાએ પથ્‍થરમારો કરનારા શખ્‍સોને કાયદાનો પાઠ ભણાવાશેઃ જેસીપી મનોજ નીનામાની ચેતવણી

આવા તત્‍વો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે

વડોદરાઃ વડોદરામાં રામનવમી શોભાયાત્રા ઉપર હૂમલો કરનારા સામે કડક કાર્યવાહી કરાશે તેમ જેસીપી મનોજ નીનામાએ જણાવ્‍યું છે.

વડોદરામાં ગતરોજ રામનવમી નિમિત્તે ઠેર ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ શહેરના ફતેપુરાના પાંજરીગર મહોલ્લામાંથી પસાર થતી શોભા યાત્રા તથા ત્યાર બાદ શહેરના કુંભારવાડાથી નિકળેલી શોભાયાત્રામાં પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જે બાદ શહેરની તંગ સ્થિતીને ધ્યાને લઇને ગૃહવિભાગ એલર્ટમાં આવ્યું હતું. ખુદ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. આજે જેસીપી મનોજ નિનામાએ કામગીરી અંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, વડોદરામાં શોભાયાત્રા પર પથ્થરમારો કરનારાઓની શોધમાં 6 DCP સાથે 400 જવાનોની ટીમ કામે લાગી, કોઇને છોડવામાં નહિ આવે.

જેસીપીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ગઇ કાલે ફતેપુરા વિસ્તારમાં ભગવાન રામની સવારી નિકળી તે વખતે જે ઇચ્છનીય બનાવ બન્યો હતો. એમાં જ પથ્થરમારો થયો તેમાં પોલીસે પૂરી રાત કોમ્બિંગની કાર્યવાહી કરી છે.લગભગ 400 માણસોની ટીમ સાથે કુલ 6 ડિસીપી સાથે આ કામગીરી કરવામાં આવી છે. હાથીખાના અને આજુબાજુના વિસ્તાર જ્યાં પથ્થરમારાના બનાવ બનેલા ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યુ હતુ. આ સમગ્ર કાર્યવાહી દરમ્યાન 23 જેટલા માણસોને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.તેમના વિરૂદ્ધ સીટી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.આ તપાસ દરમ્યાન બીજા 22 જેટલા નામો એફઆઇઆરમાં ખોલી દેવામાં આવ્યા છે.300 થી 500 માણસોનું ટોળુ બતાવીને આ એફઆઇઆર દાખલ થઇ છે.

જે આરોપીઓ હસ્તગત કરેલા છે તેમની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને આગળ કોર્ટમાં રજૂ કરીશું. આપણી પાસે સબળ પૂરાવા છે તેથી કોર્ટ પાસેથી રિમાન્ડની માંગણી કરીશું.રિમાન્ડની માંગણી બાદ આગળ કેટલા આરોપી પકડવાના થાય છે તેની તમામ કાર્યવાહી કડક રીતે કરવામાં આવશે. ગઇ કાલના બનાવમાં સર્વેલન્સની મદદથી આરોપીઓ પકડવામાં આવ્યા છે અને જે પણ દોષિત ઠેરવાશે તેને કોઇ પણ ભોગે છોડવામાં આવશે નહીં.

વધુમાં જણાવ્યુ હતુ કે એક બાજુ રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે કોઇ અનિચ્છિનય બનાવ ન બને તે માટે સંપૂર્ણ કાળજી લીધેલી છે.સરકાર, પોલીસ કમિશ્નર અને ડીજીપીની સૂચના મુજબ ફરી આ પ્રકારનો અનિચ્છીય બનાવ ન બને તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવાની છે.વડોદરાની પ્રજાને વિશ્વાસ આપીએ છીએ કે ફરી આ પ્રકારનો બનાવ બનશે નહીં તે માટે અમે પૂરતા પગલાં લીધા છે.

 

(5:37 pm IST)