Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સુરત:સરનામું પૂછવાના બહાને મહિલાઓને આંતરી ચેઇનની તસ્કરી કરતા સિંગરની ધરપકડ

સુરત: જહાંગીરપુરા અને પાલ વિસ્તારમાં સરનામું પુછવાના બહાને મહિલાઓને આંતરી ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર આંચકનાર સીંગરને જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી મોપેડ અને ચેઇન કબ્જે લઇ બે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. જહાંગીરપુરા પોલીસના હે. કો પિયુષ બાવકુભાઇ અને પો. કો. સરદારસિંહ હરીસિંહને મળેલી બાતમીના આધારે પોલીસ ટીમે મનિષ મુકનચંદ જૈન (ઉ.વ. 32 રહે. સિધ્ધશીલા એપાર્ટમેન્ટ, ગેલેક્ષી સર્કલ, પાલ) ને ઝડપી પાડી તેનું મોપેડ નં. જીજે-5 એનએચ-4421 અને સોનાની ચેઇન કિંમત રૂ. 50 હજારની કબ્જે લીધી હતી. કેગન વોટર મશીન સપ્લાયરને ત્યાં નોકરી કરતો મનિષ જૈન સમાજના ધાર્મિક અને સામાજીક કાર્યક્રમમાં સીંગર તરીકે પણ કામ કરે છે. પોલીસે મનિષની હાથ ધરેલી પૂછપરછમાં પખવાડિયા અગાઉ મોરાભાગળ પાસે સિટી બસમાંથી ઉતરી પગપાળા ઘરે જવા નીકળેલી વૃધ્ધા ઉષાબેન નટવર પટેલ (ઉ.વ. 66 રહે. સુંદરવન સોસાયટી, જહાંગીરપુરા) ને રસ્તામાં અટકાવી સરનામું પુછવાના બહાને રૂ. 50 હજારની અને શાકભાજી લઇ મોપેડ પર ઘરે જઇ રહેલી ગૃહિણી ભારતીબેન નારણ મોતીવાલા (ઉ.વ. 32 સુડા આવાસ, શરણમ રેસીડન્સીની પાછળ, પાલ) ને પણ સરનામું પુછવાના બહાને ગળામાંથી રૂ. 55 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર આંચકયું હોવાની કબૂલાત કરી છે. પોલીસે મનિષ જૈનને કોર્ટમાં રજૂ કરી એક દિવસનો રિમાન્ડ મેળવી નોકરી ઉપરાંત સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં સીંગર તરીકે કામ કરતો મનિષ જૈન કયા કારણોસર ગુનાખોરીના રવાડે ચડયો તે અંગે પણ પોલીસે પૂછપરછ કરી રહી છે.

(6:44 pm IST)