Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

સુરતના પાંડેસરામાં ઉછીના પૈસા માંગનાર બે પૈકી એક મિત્રની હત્યા થતા પોલીસ ફરિયાદ

સુરત: પાંડેસરાના પ્રમુખ પાર્ક રેલવે ઓવર બ્રિજ નીચે નાસ્તાની લારીવાળા પાસે ઉછીના 100 રૂપિયાની માંગણી કરનાર બે પરપ્રાંતિય શ્રમજીવીને લુખ્ખા એમ કહી દંડા વડે બેરહમી પૂર્વક માર મારતા એકનું મોત થતા પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પાંડેસરાના પ્રમુખ પાર્ક રેલવે ઓવર બ્રિજ નીચે રહેતા અને છુટક મજૂરી કામ કરતો અજય રાજબહાદુર તિવારી (ઉ.વ. 25 મૂળ રહે. કરવી, જિ. બાંદા, યુ.પી) અને તેની સાથે રહેતો મિત્ર વિનોદકુમાર ગુડ્ડુ (ઉ.વ. 25) ગત સવારે 11 વાગ્યે બ્રિજ નીચે બેઠા હતા. બંનેને છેલ્લા કેટલાક દિવસ કામ મળ્યું ન હતું અને ભૂખ લાગી હોવાથી બ્રિજ નીચે નાસ્તાની લારી ચલાવતા વિભુતી જયરામ શાહુ (રહે. નવાગામ, ડીંડોલી) પાસે ઉછીના સો રૂપિયા માંગ્યા હતા. પરંતુ વિભુતીએ લુખ્ખા એમ કહી ગાળો આપી હતી. જેથી અજય અને વિનોદે ગાળ આપવાની ના પાડતા વિભુતીએ નજીકમાં ઉભેલા તેના મિત્ર વિશ્વાસ ઉર્ફે બાપીયા ગાવડે (રહે. પ્રેમનગર ઝુંપડપટ્ટી, પાંડેસરા), બિપીનસીંગ રાજપૂત અને ભુપેન્દ્ર ઉર્ફે બોબ તિવારી (બંને રહે. ડીંડોલી) ને કહ્યું હતું કે મારો આ આ લુખ્ખાઓને. જેને પગલે ત્રણેય જણા દંડા વડે અજય અને વિનોદ પર તૂટી પડયા હતા. જેમાં વિનોદને માથામાં ઇજા થઇ હતી જયારે અજયને ડાબા પગના પંજા, ખભા અને હાથમાં ઇજા થતા તેઓ ત્યાં જ માટીના ઢગલા પર સુઇ ગયા હતા. ચારેક કલાક બાદ અજય ઉઠયો ત્યારે વિનોદને ઉઠાડવાનો પ્રયાસ કરતા તે ન હતો. જેથી તુરંત જ 108 માં નવી સિવિલ હોસ્પિટલ લઇ જતા તબીબોએ વિનોદને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વિભુતી સહિતના ચારેય આરોપીને ડિટેઇન કરી પૂછપરછ હાથ ધરી છે. 

(6:45 pm IST)