Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

બોરસદમાં મુસાફરોના મોબાઈલની ચોરી કરનાર એક શખ્સની ધરપકડ

આણંદ: બોરસદ શહેરની આણંદ ચોકડી પાસેથી ચોરીના મોબાઈલ સાથે એક શખ્સને બોરસદ શહેર પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસે ઝડપાયેલ શખ્સ પાસેથી ત્રણ મોબાઈલ ફોન કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બોરસદ શહેરની આણંદ ચોકડી પાસે પોલીસની ટીમ વાહન ચેકીંગમાં હતી દરમ્યાન પેટલાદના દેવકુવા તીનબત્તી વિસ્તારમાં રહેતો મોહસીન ઉર્ફે છોટુ રીફાકતહુસેન અબ્દાલ રીક્ષા લઈ ત્યાંથી પસાર થતા પોલીસે તેને શંકાને આધારે અટકાવ્યો હતો અને તલાશી લેતા તેની પાસેથી અલગ અલગ કંપનીના ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેથી પોલીસે મોબાઈલના બીલની માંગણી કરતા મોહસીન ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી મોબાઈલ ફોન ચોરી અથવા છળકપટથી મેળવ્યા હોવાનું લાગતા તેની કડકાઈપૂર્વક પૂછપરછ કરતા ત્રણેય મોબાઈલ ફોન ચોરી કર્યા હોવાનું ખુલવા પામ્યું હતું. મોહસીન ઉર્ફે રીક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી ખિસામાંથી મોબાઈલ કાઢી લેવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો હોવાનું કબૂલ્યું હતું. પોલીસે રૂા.૩૩૪૯૦ની કિંમતના ત્રણ મોબાઈલ ફોન કબજે લઈ ઝડપાયેલ શખ્સ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:48 pm IST)