Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

શહેરના SP રિંગ રોડ ઉપર લૂંટ કરતી ટોળકીના સભ્યો ઝડપાયા

એકલ-દોકલ વ્યક્તિને હથિયાર બતાવી લૂંટતા હતા : પોલીસે બે દેશી તમંચા, ચાર કારતુસ અને લૂંટેલા ૧૩ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે : પુછપરછનો દોર જારી

અમદાવાદ, તા. ૩૦ : અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં ઘુસી મોબાઇલની લૂંટ કરનાર ઉત્તરપ્રદેશની ગેંગની મેઘાણીનગર પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બે દેશી તમંચા, ચાર કારતુસ અને લૂંટેલા ૧૩ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે.

મળતી માહિતી પ્રમાણે ઝડપાયેલા બે આરોપીઓ અમદાવાદમાં લૂંટ કરવા માટે આવતા હતાં. મોડી રાતે રીક્ષા લઈ સરદાર પટેલ રિંગ રોડ પર પહોંચી જતાં હતાં. એકલ દોકલ વ્યક્તિને હથિયાર બતાવી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ જતાં હતાં. મોબાઈલ ચોરીના ૧૩ જેટલા ગુનાના ભેદ પોલીસે ઉકેલ્યા છે. મેઘાણીનગર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં ૨૫ મેના રોજ બે શખ્સ ઘુસી મોબાઇલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જે મામલે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે લૂંટની તપાસ શરૂ કરી હતી. સર્વેલન્સ સ્ક્વોડના PSI આર.ડી જાડેજા અને ટીમને બાતમી મળી હતી કે મોબાઈલ લૂંટ કરનાર આરોપીઓ પુષ્પાનગર ગલી નંબર એ ૧૦માં છુપાયા છે. જેથી સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ઘરમાં પહોંચી હતી. ઘરની નીચે તાળું મારેલું હતું પરંતુ ઉપરના રૂમમાં દરવાજો ખુલ્લો હતો જેથી પોલીસે ઘરમાં ઘુસી હાજર ચાર શખ્સને પકડી લીધા હતા.

પોલીસે પૂછપરછ કરતાં તેમના નામ રવિ રાજપૂત, ગૌરવ પરિહાર (રહે. પુષ્પાનગર, મેઘાણીનગર), રોકી ચૌહાણ અને ગૌરવ પરિહાર (બંને રહે. મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. પોલીસને તેમની પાસેથી બે તમંચા, ચાર જીવતા કારતુસ અને ૧૩ મોબાઈલ મળ્યા હતા.

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે એલ ચૌહાણે જણાવ્યું હતું કે આરોપીઓ રીક્ષા લઈ નાના ચિલોડાથી સનાથલ સુધી જતાં હતાં. ત્યાં એકલા બસ કે રિક્ષાની રાહ જોતાં વ્યક્તિ પાસેથી લૂંટ કરી ફરાર થઈ જતાં હતાં. ૧૩ જેટલા મોબાઈલ રિકવર કર્યા છે. બાતમી મળતા સર્વેલન્સ સ્ક્વોડની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ હતી અને આરોપીઓને મોકો મળે તે પહેલાં જ દબોચી લીધા હતા.

(9:46 pm IST)