Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગુજરાત રાજય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિ સભ્ય સચિવે પત્ર લખીને શાળાના સંચાલકોની માફી માંગી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સંચાલક મંડળ છંછેડાયું : પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકારી ઉચ્ચ અધિકારી મેદાનમાં ઉતર્યા :સભ્ય સચિવે પત્ર લખ્યો કે-DEO કે તેમના પ્રતિનિધિ દ્રારા કોઇપણ સંચાલકનું સ્વમાન ઘવાયું હોય તો હ્રદયપૂર્વક માફી

અમદાવાદ : ગુજરાત રાજય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિના સભ્ય સચિવ તથા સંયુક્ત નિયામક ( માધ્યમિક ) એચ.એન. ચાવડાએ રાજયની તમામ શાળાના સંચાલકોને પત્ર દ્રારા જો કોઇ જિલ્લા શિક્ષણાધિકારી કે તેઓના પ્રતિનિધિ દ્રારા કોઇપણ સંચાલકનું સ્વમાન ઘવાય તેવી કોઇ હરકત કરવામાં આવી હોય તો તેમના તરફથી તેમણે હ્દયપૂર્વક માફી માંગી છે.

આગામી તા. 1લી જૂનના રોજ રાજ્યમાં 2938 શિક્ષકનો ભલામણ પત્ર અને નિમણુંક હુકમો આપવાનો સરકારી કાર્યક્રમ છે. તેમાંથી 5 શિક્ષકોને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવનાર છે. જ્યારે બાકીના શિક્ષકોને જિલ્લામાં નિમણૂક પત્રો આપવામાં આવશે. આ કાર્યક્રમને આડે હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સંચાલક મંડળ છંછેડાયું છે.

શિક્ષણ વિભાગને સંચાલકો દ્રારા અપાયેલા એડવાન્સમાં શિક્ષકોના નિમણુંક હુકમો પરત મેળવી લેવા સંચાલકોને આગ્રહ કરવામાં આવ્યો છે. આમ એક પછી એક સંચાલક મંડળનો વિરોધ ઉઠતો જાય છે. આજે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્રારા તેમના સંચાલકોને આ પ્રકારની સૂચના આપતાં વિવાદ વધુને વધુ વકરતો જાય છે. જો કે પ્રાપ્ત માહિતી મુજબ પાછળથી આ સંગઠન દ્વારા નિમણુંક પત્રો પાછા નહિ ખેંચવા અને કાર્યક્રમમાં સ્વેચ્છાએ હાજરી આપવા જણાવ્યું છે. પરંતુ સંચાલકોના આક્રોશ અને વિરોધના કારણે સરકાર ભીંસમાં મૂકાતી જાય છે. ત્યારે પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકારી ઉચ્ચ અધિકારી મેદાનમાં ઉતર્યા છે.

ગુજરાત રાજય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિના સભ્ય સચિવ તથા સંયુક્ત નિયામક ( માધ્યમિક ) એચ.એન. ચાવડાએ રાજયની તમામ શાળાના સંચાલકોને પત્ર દ્રારા જો કોઇ જિલ્લા શિક્ષણાધિકારી કે તેઓના પ્રતિનિધિ દ્રારા કોઇપણ સંચાલકનું સ્વમાન ઘવાય તેવી કોઇ હરકત કરવામાં આવી હોય તો તેમના તરફથી તેમણે હ્દયપૂર્વક માફી માંગી છે.

તેમણે વધુમાં શાળા સંચાલકોને જણાવ્યું છે કે, શાળાઓમાં ભણતા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુથી શિક્ષકોની પસંદગી ભ્રષ્ટ્રાચાર મુક્ત અને સંપૂર્ણપણે પારદર્શી પધ્ધતિથી થાય તે ખૂબ જ જરૂરી છે. જે હેતુથી રાજય સરકાર દ્રારા કેન્દ્રીયકુત ભરતી પ્રક્રિયા અમલમાં મૂકી છે. તેનાથી સરકાર દ્રારા શાળા સંચાલકોના અધિકાર પર તરાપ મારવામાં આવી હોવાની માન્યતા સદંતર ખોટી છે. અનુદાનિત શાલાઓના સંચાલનની સરકાર અને સંચાલકો બંનેની સંયુક્ત જવાબદારી છે. કેન્દ્રીયકુત ભરતી પ્રક્રિયાથી તમે ખૂબ સારી રીતે વાકેફ છો. પરંતુ આ વખતે પારદર્શી વહીવટના ભાગરૂપે સમગ્ર ભરતી પ્રક્રિયા ઓનલાઇન પધ્ધતિથી કરી માત્ર અને માત્ર મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી કરી છે. અને તેઓની ભલામણ આપને કરી છે.

સભ્ય સચિવ એચ.એન. ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, સમગ્ર રાજયમાં એકસૂત્રતા જળવાય તે હેતુથી એકસમાન ભલામણ પત્ર અને નિમણૂંક હુક્મ તૈયાર કરી ઓનલાઇન જે તે જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીઓને આપી ભલામણ પત્ર પર સહી સિક્કા કરી સંબંધિત શાળાના આચાર્ય મારફત સંચાલક મંડળને આપી ઉમેદવારને આપવાના થતા નિમણૂંક હુક્મમાં શાળા સંચાલકના સહી સિક્કા કરાવી આગામી તા.1લી જૂનના રોજ આપના વતી ઉમેદવારોને આપવા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ મેળવ્યાં છે. આમ ઉમેદવારને નિમણૂંક આપે જ આપી છે. તમારા નિમણૂંક આપવાના અધિકાર પર કોઇ તરાપ મારી નથી.

વધુમાં જણાવ્યું છે કે, સરકારના 11-2-2011ના જાહેરનામા મુજબ પસંદગી સમિતિએ ભલામણ કરેલા ઉમેદવારને જે તે શાળા સંચાલક મંડળે હાજર કરવો ફરજિયાત હોવાથી તેના માટે સાત દિવસનો સમય માંગવો મારી દ્દષ્ટિએ જરૂરી નથી અને શિક્ષકની ખાલી જગ્યા ભરવા આપના દ્રારા માંગણાપત્રક રજૂ કરવામાં આવ્યા ત્યારે સંચાલક મંડળ દ્રારા ઠરાવ કરેલો જ હોય છે.

ભલામણ પત્રની સાથે નિમણૂંક પત્ર આપવાની કેમ ફરજ પડી

1) કોરોના મહામારીના કારણે ઉમેદવારો અને સંચાલકોને એક જગ્યાએ ભેગા કરવા શક્ય નથી.
2) ઉમેદવારો શાળામાં હાજર થવા જાય પછી ઊભા થતાં બિનજરૂરી પ્રશ્નો નિવારવા
3) ધો.10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાથી ધો.11માં અગાઉ કરતાં વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ આવનારા હોવાથી શાળાઓને શિક્ષકો પુરા પાડવા
4) 7મી જૂનથી શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને શિક્ષકો મળી રહે.
5) ઉચ્ચત્તર માધ્યમિકમાં પસંદ થયેલા 2938 ઉમેદવારો પૈકી 1846 જેટલાં ઉમેદવારોએ માધ્યમિકમાં પણ અરજી કરી છે. આથી આ ઉમેદવારો હાજર થઇ જાય તો માધ્યમિકમાં એટલાં વધુ પ્રમાણમાં અન્ય બેરોજગારોને સમાવી શકાય.
6) ઉચ્ચત્તરની ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે પુરી થયા બાદ જ માધ્યમિકની ભરતી શક્ય હોવાથી બાકી રહેલી માધ્યમિકની ભરતી ઝડપથી કરી શકાય.
7) આ બંને ભરતી ઝડપથી પુરી કરી જૂના શિક્ષક અને આચાર્યની ભરતી કરવી જરૂરી હોવાથી

 

ભરતી સમિતિ દ્રારા ઉમેદવારોની પસંદગી યાદી 17-4-2021ના રોજ જાહેર કરવામાં આવી હતી. લગભગ તમામ ઉમેદવારો તેઓને જે શાળામાં નિમણૂંક અપાઇ છે તેના શાળા સંચાલકોને મળી ચૂકયા છે. તેમ છતાં 1લી જૂથી 6 જૂન સુધીનો સમયગાળો શાળા સંચાલકોને ઉમેદવારને બોલાવીને તેમનો સંપૂર્ણ પરિચય મેળવી શકાશે. 2938 પૈકી અત્યારસુધીમાં 2800 ઉમેદવારોના નિમણૂંક હુક્મો જે તે સંચાલકોએ જમા કરાવી દીધાં છે.

 

સભ્ય સચિવ એચ.એન. ચાવડાએ શાળા સંચાલકોને અપીલ કરતાં કહ્યું છે કે, લગભગ ચાર વર્ષ જેટલાં લાંબા સમય બાદ આ ભરતી થઇ રહી છે. આ ભરતી પ્રક્રિયાને અહમ અને વાદવિવાદનો પ્રશ્ન વચ્ચે લાવ્યા વિના કોઇપણ પ્રકારના વિધ્ન વિના સંપન્ન થવામાં સહયોગ આપશો અને અનુદાનિત શાળાઓના અસ્તિત્વને બચાવવામાં સહયોગી બનશો.

(10:45 pm IST)