Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ૨૧દિવસીય અનુષ્ઠાન અને સવાલક્ષ મંત્રો દ્વારા હોમાત્મક હરિયાગની પૂર્ણાહૂતિ બાદ દ્વારિકા ગોમતી નદીમાં અવભૃથ સ્નાન અને દ્વારિકાધિશ મંદિર ઉપર ધ્વજારોહણ

અમદાવાદ તા.૩૧: આજથી ૭૫ વર્ષ પૂર્વે, ગુરુકુલના આદ્ય સંસ્થાપક શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીએ જુનાગઢમાં વિશ્વશાંતિ માટે ૨૧ દિવસનો ન ભૂતો ન ભવિષ્ય એવો યજ્ઞ કરેલો.

    તેની સ્મૃતિમાં તેમજ કોરોના મહામારીના સમયમાં ભગવાન સૌની રક્ષા કરે અને દિવંગત આત્માઓનું પણ શ્રેય કરે તેવી ઉદાત્ત ભાવનાથી, SGVP ગુરુકુલના અધ્યક્ષ શા.માધવપ્રિયદાસજી સ્વામી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણા અને શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી અને વેદાંતસ્વરુપદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે SGVP ગુરુકુલ રીબડા (રાજકોટ) ખાતે ૨૧ દિવસ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. જેમાં ભારતવર્ષની મહાન વિભૂતિઓમાં શ્રી વલ્લભાચાર્યજી મહારાજ, પરશુરામજી મહારાજ, શંકરાચાર્યજી મહારાજ, રામાનુજાચાર્યજી મહારાજ, નૃસિંહજી ભગવાન, બુદ્ધ ભગવાન અને નારદજી વગેરે મહાન વિભૂતિઓના જન્મદિન નિમિત્તે ૨૧ દિવસ સુધી દરરોજ સંતો દ્વારા સવારે ૭-૩૦ થી ૧૧-૩૦ દરમ્યાન ૫૧૦૦ સ્વામિનારાયણ મંત્રો  દ્વારા યજ્ઞનારાયણને આહુતિ આપવામાં આવેલ.

    પૂર્ણાહૂતિ પ્રસંગે ગુરુકુલના પરિસરમાં આવેલ ઘેઘુર વડલા નીચે ઠાકોરજીને આમ્રકુટ અને ૧૦૧ વાનગીઓનો અન્નકુટ ધરાવવામાં આવેલ અને ગુરુકુલના પરિસરમાં જ ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ

    આ પ્રસંગે શા.માધવપ્રિયદાસજી સ્વામી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા આશીર્વાદ પાઠવ્યા હતા.

    પૂર્ણાહૂતિ બાદ, ભગવાન શ્રી સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે દરેક હરિભકતોએ દ્વારિકાની યાત્રા કરવી એ આજ્ઞા પ્રમાણે શાસ્ત્રી ધર્મવત્સલદાસજી સ્વામી અને વેદાંતસ્વરુપદાસજી સ્વામી તેમજ સાથે વિશ્વસ્વરુપદાસજી સ્વામી, સુવા ઘનશ્યામભાઇ, કેવલ લાખાણી, મિલન ગધેથરિયા, કેવિન નારિયા અને ભીમસિંહ આહિર વગેરે ભકતોએ દ્વારિકાધીશના દર્શન કરી ગોમતીજી નદીમાં અવભૃત સ્નાન કર્યું હતું. સ્નાન બાદ બાવન ગજ ધ્વજાને ટોપલામા પધરાવી, મસ્તકે ધારણ કરી, મંદિરના પરિસરમાં શોભાયાત્રા રુપે ફરી, દ્વારિકાધીશ સમક્ષ ધ્વજાનું પૂજન કરી મંદિર ઉપર ધ્વજારોહણ કર્યું હતું. યજમાન તરીકે અશ્વિનભાઇ વઘાશિયા રહ્યા હતા. ધ્વજારોહણની તમામ વ્યવસ્થા  ભીમસિંહભાઇ આહિરે સંભાળી હતી.

(12:19 pm IST)