Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

અમદાવાદ મનપાની મોટી કાર્યવાહી :બીયુ પરમિશન વગરની સંખ્યાબંધ દુકાનો-ઓફિસો સીલ : મિલ્કત ધારકોમાં ફફડાટ

પાલડી, નવરંગપુરા,એસજી હાઇવે,નારોલ, મણીનગરમાં અનેક દુકાનો-ઓફિસોમાં સીલની કાર્યવાહી :સરખેજ ખાતે મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા

અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગની ટીમે મોડી રાતે બીયુ પરમિશન વગર ની મિલકતો સામે કડક કાર્યવાહી હાથ ધરી સીલ કરવામાં આવતા આવા મિલકત ધારકો માં ભારે ફફડાટ જોવા મળ્યો હતો.

અમદાવાદ શહેરના પશ્ચિમઝોનના પાલડી, નવરંગપુરા, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં એસજી હાઇવે પર આવેલી હોટલો અને દક્ષિણઝોનમાં નારોલ, મણિનગર સહિતના વિસ્તારોમાં આવેલી બીયુ વગરની મિલકતોને એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. જેમાં 4 કોમ્પ્લેક્સની 266 જેટલી દુકાનોને સીલ મારી દીધી છે. 4 હોટલ પણ સીલ કરી છે.
મોડી રાતે પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે શહેરના પાલડી ચાર રસ્તા પાસે આવેલા શેફાલી કોમર્શિયલ સેન્ટરની 81 દુકાનો-ઓફિસ અને નવરંગપુરા વિજય ચાર રસ્તા પાસે આવેલા યુનિવર્સિટી પ્લાઝાની 69 દુકાનો-ઓફિસ સીલ કરી હતી. દક્ષિણઝોનમાં નારોલ સર્કલ પાસે આવેલા બિઝનેસ પોઈન્ટ કોમ્પ્લેક્સમાં 90 દુકાનો ઓફિસ અને મણિનગર રેલવે ક્રોસિંગ પાસે યશ કોમ્પ્લેકસની 27 દુકાનો-ઓફિસ સીલ કરવામાં આવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સરખેજ ખાતે આવેલી મોતી મહેલ હોટલ, સાવન હોટલ, મયુર પેલેસ હોટલ, ભૂખ લાગી હૈ અને હોટલ રોયલ પ્લાઝા મળી કુલ 7 યુનિટ સીલ કર્યા છે. આમ સીલ મારવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા સબંધિત લોકો દોડતા થઈ ગયા હતા

(1:19 pm IST)