Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગણપત યુનિવર્સિટીના પ્રેસીડેન્ટ ગણપતભાઇ પટેલને અમેરીકાની કેલીફોર્નિયા યુનિવર્સિટી દ્વારા 'ડોકટર ઓફ સાયન્સ'ની પદવી

(કેતન ખત્રી) અમદાવાદ તા. ૩૧ : ગુજરાતની પ્રથમ પંકિતની અને હાઈટેક-યુનિવર્સિટી તરીકે ખ્યાતિ પામેલી ગણપત યુનિવર્સિટીના પ્રેસડેન્ટ અને પેટ્રન-ઈન-ચીફ પદ્મશ્રી ગણપતભાઈ પટેલને અમેરિકાની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા કેલિફોર્નિયા સ્ટેટ પોલિટેકનિક યુનિવર્સિટી, પોમોના, કેલિફોર્નિયા દ્વારા માનદ ડોકટરેટ ડિગ્રી 'ડોકટર ઓફ સાયન્સ' એનાયત કરવામાં આવી છે.

અમેરિકાની કેલિફોર્નિયા પોલિટેકનિક સ્ટેટ યુનિવર્સિટી, પોમોનાએ શ્રી ગણપતભાઇ ઈશ્વરભાઈ પટેલને અર્પણ કરેલી માનદ ડોકટરેટની ડીગ્રી સાથેના સાઈટેશનમાં એમની એન્જિનિયર તરીકેની કામગીરી અને સિદ્ઘિ તેમજ સામાજિક ઉત્કર્ષમાં એમના શ્રેષ્ઠ પ્રદાનની ખૂબ સરસ રીતે નોંધ લેવામાં આવી છે.

આ સાઈટેશનમાં (પ્રશસ્તિ પત્રમાં) નોંધ્યું છે કે શ્રી  ગણપતભાઇ પટેલે એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લોકહીડ માર્ટિન અને બોરોઝ કોર્પોરેશનમાં થોડા વર્ષો કામ કર્યા બાદ ૧૯૮૭થી એમણે પોતાની જ કંપની સ્થાપી અને એમાં પ્રેસિડેન્ટ તરીકેની સફળ ભૂમિકા ભજવી. એમની સખાવતી પ્રવૃત્ત્િ।ઓમાં કાલ પોલિ પોમોના કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં વિશેષ  વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ કરાવ્યો તેનો અને કોલેજના વિદ્યાર્થીઓ માટે 'BAJA SAE - રેસ કાર' માટેના વર્કશોપ સમી લેબોરેટરી માટે પણ દાન આપવાના કાર્યોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં તેમણે કાલપોલી ખાતે બે  મિલિયન  અમેરિકન ડોલરનું  માતબર દાન આપી  ગણપત - મંજુ એન્જિનિયરિંગ સેન્ટર ઓફ ઇન્ટરનેશનલ કોલો બોરેશન અને ઈનોવેશનની સ્થાપના કરી. ગણપતભાઈ પટેલે શૈક્ષણિક અને સામાજિક પ્રવૃતિઓ દ્વારા સમાજના ઉત્કર્ષ માટે જે લાખેણું કાર્ય- પ્રદાન કર્યું  તેની કદર રૂપે ભારત સરકારે એમને જેમ સર્વોચ્ચ નાગરિક સન્માન 'પદ્મશ્રી' અર્પણ કર્યું તેમ ૨૦૧૫ ના કાલપોલિ, પોમોના કોલેજ ઓફ એન્જિનિયરિંગે એમને 'હોલ ઓફ ફેઇમ' અપર્ણ કરી એમની ખાસ કદર કરી હતી. વિશેષ પૂર્વ વિદ્યાર્થી તરીકેનું વિશેષ સન્માન પણ કાલ પોલિ, પોમોનાએ શ્રી ગણપતભાઈનું કર્યું હતું. આજે શ્રી ગણપતભાઈ પટેલ કાલ પોલિ, પોમોના કેલિફોર્નિયા બોર્ડ ઓફ ડિરેકટર્સમાં  એક માનદ્દ ડિરેકટરનું માનવંતુ સ્થાન ધરાવે છે, જે પણ એમની સિદ્ઘિઓમાં એક ગૌરવપ્રદ છોગું  છે !

ઉત્તર ગુજરાતની આનર્ત ભૂમિના પનોતાપુત્ર ગણપતભાઈ પટેલનો જન્મ ઊંઝા પાસેના ભુણાવ ગામના ખેડૂત ઈશ્વરભાઈ પટેલના ઘેર માતા મેનાબાની કુખે તા. ૧૨, જાન્યુઆરી, ૧૯૪૫ના રોજ થયો હતો. ગણપતભાઇએ પ્રાથમિક શિક્ષણ ભુણાવ-વતનના ગામમાં લીધું. માધ્યમિક શિક્ષણ જૂનાગઢમાં મોટાભાઈ મોતીભાઈ સાથે રહી લીધું અને કોલેજનું પહેલું વર્ષ અમદાવાદની એમ.જી સાયન્સ કોલેજમાં ભણી કેમિકલ એન્જિનિયર થવાનું સપનું લઇ અમેરિકા ગયા. જો કે ત્યાં એડમિશન મળ્યું ઇલેકટ્રોનિકસ એન્જિનિયરિંગમાં અને ગણપતભાઇએ અમેરિકાની સુપ્રતિષ્ઠિત યુનિવર્સિટી - કેલિફોર્નિયા પોલિટેકનિક સ્ટેટ યુનિવર્સિટી,  પોમોનામાંથી ગ્રેજયુએશન કર્યું.

ગણપત યુનિવર્સિટી આજે જયાં સ્થિત છે તે ૪૦,૦૦૦ જેટલા વૃક્ષોથી આચ્છાદિત હરિયાળા શૈક્ષણિક -પરિસરની જમીન ખરીદવા માટે સૌ પ્રથમ રૂપિયા ત્રણ કરોડનું દાન આપવાથી શરૂઆત કરી આજે બે દાયકાના ગણપત વિદ્યાનગરના- ગણપત યુનિવર્સિટીના સ્થાપના, વિકાસ અને સંવર્ધન માટે શ્રીગણપતભાઈએ લગભગ રૂપિયા ૭૦ કરોડનું માતબર દાન આપ્યું છે, જે કોઈ એક વ્યકિત દ્વારા કોઈ એક શૈક્ષણિક સંસ્થા માટે આપેલું - કદાચ સૌથી મોટુ દાન છે.

હજુ પણ દાનની આ રકમને વધારીને આગામી વર્ષમાં જ ૧૦૦ કરોડ સુધી કરીને ગણપત યુનિવર્સિટીને દેશની એક શ્રેષ્ઠ યુનિવર્સિટી-ભારતની સ્ટેનફોર્ડ બનાવવાનું શ્રી ગણપતભાઈનું સપનું છે.

ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે શ્રીમતી મંજુલાબેન ગણપતભાઈ પટેલ સાયન્સ કોલેજની સ્થાપનાની તેમજ ગણપત યુનિવર્સિટી ખાતેની ગણપતભાઈ પટેલની પ્રિય એવી કેમ્પસના વિધાર્થીઓ દ્વારા ચાલતી ગણપત વોલન્ટરી ટીચિંગ મુવમેન્ટ કે જેમાં આસપાસના ૧૦ ગામોને દત્તક લઇ ત્યાંના વંચિત બાળકો માટે થતાં અનૌપચારિક શિક્ષણ અને ચારિત્ર્ય ઘડતરની ઉમદા અને મૂલ્યવાન કામગીરી થાય છે, એની પણ કાલપોલિ યુનિવર્સિટી દ્વારા સરાહના કરવામાં આવી છે.

હાલમાં જ કોરોનાની બીજા વેવની કરુણ પરિસ્થિતિમાં જયારે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાતી હતી અને પથારી મળતી નહોતી ત્યારે ગણપતભાઈ પટેલની પ્રેરણાથી ગણપત યુનિવર્સિટી દ્વારા ૧૦૦ બેડનું  કોવિડ કેર સેન્ટર ઉભું કરી આસપાસના ગામડાંના  ગરીબ લોકોને નિઃશુલ્ક સારવાર મળી રહે તે માટે નિષ્ણાત ડોકટર દ્વારા તપાસ, Rapid અને RTPCR ËõVË, બ્લડ ટેસ્ટ, દાખલ થયેલ દર્દી માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

ગણપતભાઈ પટેલની આ સર્વ સિધ્ધિઓમાં એમના પત્ની શ્રીમતી મંજુલાબેન અને ત્રણ દીકરીઓ રીટા, અનિતા અને આશાનો પણ મહત્વનો ફાળો છે!

(2:58 pm IST)