Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ધો. ૧૦ રીપીટ છાત્રોને પણ માસ પ્રમોશન આપવા માંગ : શિક્ષણમંત્રીને રજૂઆત

રાજકોટ તા. ૩૧ : કોરોનાની મહામારીમાં શિક્ષણ ક્ષેત્ર ખૂબ પ્રભાવિત થયું છે. શાળાનું શૈક્ષણિક કેલેન્ડર - પરીક્ષાનું સમયપત્રક સદંતર ખોરવાઇ ગયું છે. આ સ્થિતિમાં ધો. ૧ થી ૧૧ સુધીમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે ધો. ૧૦ના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવા માંગ ઉઠી છે. ગુજરાત વાલી મંડળે શિક્ષણમંત્રી સહિતનાને રજૂઆત કરનાર હોવાનું જાણવા મળે છે.  ધો. ૧ થી ૧૧નું માસ પ્રમોશન બાદ ધો. ૧૦ રીપીટરની પરીક્ષા લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ નિર્ણયને પગલે ધો. ૧૦ રીપીટર છાત્રોને પણ માસ પ્રમોશન આપવાની માંગ ઉઠી છે. વર્ષ ૨૦૨૦માં પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ નાપાસ થયા હતા. તેવા રીપીટર વિદ્યાર્થીઓ કે જેઓ એક - બે કે ત્રણ વિષયમાં નાપાસ થયા છે. તેઓએ પણ આખુ વર્ષ અભ્યાસ કરેલ છે. રીપીટર છાત્રો પણ માસ પ્રમોશન દ્વારા આગળના વર્ષમાં જવા હક્કદાર છે.  આજે આ અંગે શિક્ષણમંત્રીને રજૂઆત થનાર હોવાનું જાણવા મળે છે.

(3:00 pm IST)