Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

જીટીયુ યુનિવર્સિટી દ્વારા ૭ લાખ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ

અમદાવાદ તા. ૩૧ : દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૌક્ષણીક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટીફિકેટ્સનો જરૂરીયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે , કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાંન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડિજીલોકરમાં ડિગ્રી સર્ટી અપલોડ કરવા માટે દરેક શૈક્ષણીક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના ઉપલક્ષે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) શૈક્ષણીક વર્ષ ૨૦૧૧ થી ૨૦૨૦ સુધીના જુદાં-જુદાં ૪૦ કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ ૭૦૭૦૪૧ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટીફિકેટ ડિજીલોકર પર અપલોડ કરનાર જીટીયુ રાજયની એકમાત્ર યુનિવર્સિટી બની છે.

આ ઉપરાંત બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને દેશની ટોપ-૧૦ યુનિવર્સિટીમાં પણ જીટીયુએ અગ્રગણ્ય હરોળમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડો. નવીન શેઠે જણાવ્યું હતું કે,  કેન્દ્ર સરકારના ડિજીટલ ભારત અભિયાનમાં સહભાગી થઈને  વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીના વેરીફિકેશનથી લઈને તમામ પ્રકારની ઓનલાઈન સવલત મળી રહે, તે હેતુસર જીટીયુ હંમેશા કાર્યરત રહે છે. જીટીયુના આઈટી વિભાગની આ ઉમદા કામગીરી બદલ જીટીયુના કુલસચિવ ડો. કે. એન . ખેરે  આઈટી હેડ કેયુર શાહ અને પ્રોગ્રામર રૂપેન્દ્ર ચૌરસીયા તેમજ સમગ્ર આઈટી ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.

જીટીયુ દ્વારા એન્જીનયરીંગ , મેનેજમેન્ટ , ફાર્મસી , આર્કિટેકચર , કાઙ્ખમ્પ્યુટર એપ્લિકેશન અને આઈપીઆર જેવી વિવિધ વિદ્યાશાખાના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં જુદાં-જુદાં ૪૦ કોર્સના ૭૦૭૦૪૧ વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટી જીટીયુ દ્વારા ડિજીલોકર પર અપલોડ કરવામાં આવ્યાં છે. જીટીયુના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટીફિકેટને પોતાની અનુકૂળતાએ  ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડોકયુમેન્ટ વેરીફિકેશનમાં પણ સરળતા રહશે.

ડિજીલોકર આઈટી એકટ-૨૦૦૦ અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહી. આ ઉપરાંત ડિજીલોકરમાં ખોટી ડિગ્રીધારકના સર્ટીફિકેટ્સ અપલોડ નહીં થઈ શકે. જયારે અપલોડ કરેલા તમામ પ્રકારના સર્ટીફિકેટ્સનો યોગ્ય સંગ્રહ કરી શકાશે. વિદ્યાર્થી સરળતાથી ડોકયુમેન્ટ શેર પણ કરી શકશે. વિદેશમાં ઉચ્ચતર અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને એડમિશન પૂર્વે તેમની ડિગ્રી સર્ટીનું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોકયુમેન્ટ વેરીફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને નાણાનો વ્યય થતો હતો. ડિજીલોકર પર અપલોડ કરવામાં આવેલા ડેટાના કારણે ટૂંકા ગાળામાં જ ડોકયુમેન્ટનું ડિજીટલી વેરિફિકેશન કરી શકાશે. જેથી વિદ્યાર્થીનો સમય અને નાણાનો વ્યય થતાં પણ અટકાવી શકાશે. આમ જીટીયુએ બહોળી સંખ્યામાં ડેટા અપલોડ કરીને ખરા અર્થમાં ટેકનોલોજીકલ યુનિવર્સિટીનું નામ ચરીતાર્થ કર્યું છે.

(3:02 pm IST)