Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોનાનો કહેર ઘટતા કાલથી ભકતો કરી શકશે શામળાજી મંદિરમાં દર્શન

ગાંધીનગર, તા. ૩૧ : કોરોના મહામારીની બીજી લહેરના પગલે લગભગ છેલ્લા ૨ મહિનાથી બંધ ધાર્મિક સ્થળો ધીમે-ધીમે ખોલવાની શરૂઆત થઈ ગઈ છે. જે અંતર્ગત આવતીકાલથી અરવલ્લી જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિર ભકતો માટે ખુલવા જઈ રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ બાદ કોરોનાની બીજી લહેરમાં અચાનક સંક્રમિતોની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. કોરોના સંક્રમણને રોકવા માટે વહીવટી તંત્ર દ્વારા રાત્રી કરફ્યુ સહિત અનેક પગલા લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોટાભાગના ધાર્મિક સ્થળોએ પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે છેલ્લા થોડા સમયથી કોરોનાના કેસો ઘટતા અનેક મંદિરોએ ધીમે-ધીમે ભકતોને પ્રવેશ આપવા મન મનાવી લીધુ છે. જેમાં આવતીકાલથી શામળાજીનું મંદિર શ્રદ્ધાળુંઓ માટે ખોલવામાં આવશે.

કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શામળાજી મંદિરામાં છેલ્લા લગભગ દોઢ મહિનાથી માત્ર પૂજારીને જ પ્રવેશ મળતો હતો. જો કે આવતીકાલે ૧ જૂનથી મંદિર પ્રશાસન દ્વારા શામળાજી મંદિરમાં ભકતો પણ ભગવાનના દર્શન કરી શકશે.

દેવભૂમિ-દ્વારકા જિલ્લાના તીર્થ યાત્રાધામ દ્વારકા સ્થિત ભગવાન દ્વારકાધીશના જગત મંદિરમાં હવે દિવસભરમાં કુલ ૧૨૫ ભકતોને જ ધ્વજા ચઢાવવામાં માટે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ તરફથી લેવામાં આવેલા નિર્ણય મુજબ, મંદિરમાં પ્રત્યેક ધ્વજા ચઢાવવા સાથે રવિવારથી ૨૫-૨૫ ભકતોને પ્રવેશ આપવાની મંજૂરી આપવામાં આવી છે. કોરોના સંક્રમણમાં કમી સાથે જ ભગવાન દ્વારકાધીશની ૫૨ ગજની ધ્વજા ચઢાવવા માટે એક ધ્વજા સાથે ૨૫ ભકતોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

ભગવાન દ્વારકાધીશ મંદિરમાં પ્રતિદિન સૂર્યોદયથી બપોરે ૨ વાગ્યા સુધી ૩ અને બપોરે ૨ થી સૂર્યાસ્ત સુધી બે સહિત દિવસભરમાં કુલ ૫ ધ્વજા ચઢાવવામાં આવે છે. કોરોના સંક્રમણ ઘટતા ભકતોની આસ્થાને ધ્યાનમાં રાખીને મંદિર પ્રશાસન તરફથી એક સપ્તાહ પહેલા જ પ્રત્યે ધ્વજા સાથે ૧૦ સહિત દિવસભરમાં ૫૦ ભકતોને અને હવે દેવસ્થાન સમિતી તરફથી પ્રત્યેક ધ્વજા ૨૫ સહિત દિવસભરમાં ૧૨૫ ભકતોને પ્રવેશની છૂટ આપવામાં આવી છે.

આ સિવાય જો અન્ય મંદિરોની વાત કરીએ તો, કોરોના સંક્રમણની સ્થિતિને જોતા પાવાગઢ મંદિર આગામી ૧૦ જૂન સુધી અને અંબાજી મંદિર આગામી ૪ જૂન સુધી બંધ રાખવામાં આવ્યું છે. જ્યારે ડાકોર મંદિર ગત ૧૪મીં મેથી અને સોમનાથ મંદિર ગત ૧૧મીં મેથી અચોક્કસ મુદ્દત માટે બંધ છે.

(3:33 pm IST)