Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

હાલના સમયમાં વાણીનો સંયમ એ મોટી સંજીવની

કોરોના વાઈરસ સામે અમૃતરસ સમી સમજણની સંજીવની શીખવતી ત્રિ દિવસીય દ્રશ્ય- શ્રાવ્ય પ્રસ્તુતિનો આજે અંતિમ દિવસ : નિયમોનું પાલન એ આપણું કર્તવ્ય સમજીને જ કરવાનું હોય, બહાદુરી નિયમ તોડવામાં નહી પણ નિયમ પાળવામાં છેઃ પૂ.અપૂર્વમુનિ સ્વામી : કોરોનાએ આપણને શીખવ્યું કે ઘણી વસ્તુ વગર આપણને ચાલી શકે તેમ છે, હાલના વિકટ સંજોગોમાં પરિવારના તમામ સભ્યોએ પોતાની આર્થિક પરીસ્થિતિને સમજીને મોજશોખ ઓછા કરવા જોઈએ, ફાલતું ખર્ચ બંધ કરવા જરૂરીઃ શરીરની સુંદરતાની સાથે સ્વસ્થતા માટે વ્યસનોનો ત્યાગ અને કસરત- યોગાસનો જેવી સુટેવ અપનાવવી પડશે

રાજકોટઃ રામાયણમાં જયારે લક્ષ્મણને ઇન્દ્રજીતે શલ્ય માર્યા, તેઓ મૂર્છિત થયા ત્યારે રામ અને સમગ્ર સેના ચિંતામાં હતી ત્યારે હિમાલયથી હનુમાનજી સંજીવની ઔષધી લઈ આવ્યા ત્યારે લક્ષ્મણ સજીવન થયા. તેમ અત્યારે વર્તમાન સમયમાં કોરોના વાઇરસના બાણ અનેકને વાગ્યા છે. કોરોના મહામારીના આવા કપરા સમયને અવસરમાં બદલવાની અનોખી કળા શીખવતી દ્રશ્ય-શ્રાવ્ય પ્રસ્તુતિનું રાજકોટ શહેરના દરેક જ્ઞાતિ સમાજ માટે ત્રિ- દિવસીય આયોજન યોજવામાં આવેલ છે.

રાજકોટના  વકતા સંત પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ રસપ્રદ અને ચોટદાર શૈલી સાથે સંકટ સમયની સંજીવની માટે શનિવારે પ્રથમ બે મુદ્દાઓ (૧)સ્વ ફરજ સાથે સાવધાની અને (૨)સંતોષ સાથે સંયમ અને રવિવારે (૩) સુહ્યદભાવ સાથે સેવા અને ૪. શૂરવીરતા સાથે શ્રમ વિષયક રાત્રે ૯ૅં૩૦ વાગ્યે લાઇવ થયેલ આ અત્યાધુનિક દ્રશ્ય-શ્રાવ્યની ૪૦ મિનિટની વિશિષ્ટ પ્રસ્તુતિએ ઓનલાઈન જોડાયેલ સમગ્ર દર્શકોને જકડી રાખેલ. અંતમાં મારો સંકલ્પ -મારી સાવધાની વર્કશોપના કાર્યક્રમ દ્વારા દર્શકો પ્રત્યેક મુદ્દા બાદ પરથી પોતાના વ્યકિતગત જીવનમાં કયા સુવિચારો અમલમાં મૂકી શકે તે માટે સંકલ્પબદ્ધ થયા હતા.  

જેમાં સૌ પ્રથમ સંજીવની, સ્વ ફરજ સાથે સાવધાની વિષય અંતર્ગત સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં વધુ પડતો આત્મવિશ્વાસ કેવું નુકશાન કરી શકે છે એ આપણે બધાએ અનુભવ્યું છે. સરકારશ્રીના નિયમો કે સાવધાની હોય છે તો આપણા હિત માટે જ. નિયમોનું પાલન એ આપણું કર્તવ્ય સમજીને જ કરવાનું હોય. બહાદુરી નિયમ તોડવામાં નહીં પરંતુ નિયમ પાળવામાં છે અને નિયમ પાળવામાં બીજાનો નબળો નહિ, હંમેશા સારો વાદ લેવો જોઈએ. આ કોરોના મહામારીમાં સંકટ સમયની સંજીવની એ જ છે કે આપણે દરેક વ્યકિતએ સતર્ક રહીને નિયમ પાળવા જ જોઈએ તો જ આપણું કુટુંબ, આપણો સમાજ, આપણું શહેર અને આપણો દેશ સુરક્ષિત રહેશે. શરીરની સુંદરતાની સાથે સ્વસ્થતા માટે વ્યસનોનો ત્યાગ અને કસરત- યોગાસનો જેવી સુટેવ અપનાવવી પડશે. વ્યસન છોડીએ, શુધ્ધ અને સાદો ખોરાક લઈએ, કસરત અને પ્રાણાયામ કરીએ, આપણે સ્વસ્થ રહી અને આપણા પરિવારને સ્વસ્થ રાખીએ. પરિવારમાં અને મિત્રો સાથે સંબંધો સારા રાખવા જેથી દુઃખના સમયે એ જ કામ લાગશે.

ત્યારબાદ દ્વિતીય સંજીવની, સંતોષ સાથે સંયમ વિષય અંતર્ગત સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાએ આપણને શીખવ્યું કે ઘણી વસ્તુ વગર આપણને ચાલી શકે તેમ છે. એરીસ્ટોટલે કહેલું કે, દુશ્મન જીતવા કરતા પોતાની ઈચ્છા પર વિજય મેળવનાર અધિક હોય છે. આઇન્સ્ટાઇન બોલેલા કે, હું સુખી છું તેનું કારણ મારે કોઈની પાસેથી કશું જોઈતું નથી. યોગીજી મહારાજ કહેતા, જ્યાં ત્યાં, જેવું તેવું, જેમ તેમ ચલાવી લેતા શીખવું. જયારે એમ લાગે કે મારી પાસે ગાડી નથી, ધંધો ઓછો ચાલે છે. ત્યારે મજૂર અને ગરીબ વર્ગનો વિચાર કરવો કે જેને એક ટાઇમ ખાવાની પણ ચિંતા હોય છે તો આપણને તો રોટલા-પાણી મળે છે ને એમ સંતોષ માની સંયમ રાખી સુખી રહેવું.

કોરોનાના આ સમયમાં વાણીનો સંયમ એ મોટી સંજીવની છે. ઘણા લોકો જાણ્યા વગર ડોકટરો માટે, દવાઓ માટે, સરકાર માટે ખોટા નિવેદન, મેસેજ મોકલ્યા કરે કે આમ ન કરવું જોઈએ. વણમાગી સલાહ આપવી સહેલી છે પરંતુ વાસ્તવિક જીવનમાં તેને અમલમાં મૂકવા માટે અનુભવ, ધીરજ સાથે કઠોર પરિશ્રમ કરવો પડે છે. એક કૂતરો પણ બટકું રોટલો આપનાર માલિકને વફાદાર રહે છે તો ભારતમાં રહેનારા, ભારતનું જ ખાનારાઆપણે સૌએ ભારત દેશ માટે થોડી વફાદારી તો ચોક્કસ રાખવી જોઈએ. આ કટોકટીના સમયમાં ઘણા વેપારીઓ, ડોકટરો, દવાની દુકાનવાળા સંતોષ ભૂલીને હદ બહાર લૂંટ ચલાવે છે. લોકોની મજબૂરી અને લાચારીનો ગેરલાભ ઉઠાવનાર યાદ રાખે કે, પાપ છાનું કરો કે ચોકમાં, અંતે પોકારી ઉઠશે આ લોક કે પરલોકમાં.

અત્યારના વિકટ સંજોગોમાં પરિવારના તમામ સભ્યોએ પોતાની આર્થિક પરિસ્થિતિ સમજીને મોજ શોખ ઓછા કરવા જોઈએ, થોડી કરકસર કરવી જોઈએ, ફાલતુ ખર્ચ બંધ કરવા જોઈએ અને આ બધું પણ રડતા રડતા નહિ પરંતુ આનંદથી. મોજમાં રહેવું ખાલી ભજન ગાવાનું નથી પણ આવા સમયે આપણા માટે વાપરવાનું છે. માટે સંયમ કેળવીએ અને સંતોષ સાથે રહીએ. 

દ્વિતીય દિવસ, રવિવારના દિવસે તૃતીય સંજીવની, સુહ્યદભાવ સાથે સેવા વિષય અંતર્ગત સ્વામીએ જણાવ્યું હતું કે, વેદોમાં જણાવ્યું છે કે, મનુષ્ય મનુષ્યનું બધી પ્રકારે રક્ષણ કરે. કોરોના કાળમાં વાઇરસના સંક્રમણ સામે માનવજાતિનું રક્ષણ કરનાર અને ભક્ષણ કરનાર બંને પ્રકારના માણસોનો પરિચય આપણને સૌ કોઈને સારી રીતે થઈ ગયો છે. કેટલાક સેવાભાવી સજજનોએ પોતાના જ નહીં પણ પારકા લોકો માટે પણ પોતાની બચતથી માંડી બધું કુરબાન કર્યું છે. ઘણા ડોકટર, નર્સ, પોલીસ, અધિકારી પોતાના ઘરમાં બીમારી, સગાનુંઁ મૃત્યુ, લગ્ન કે મરણનો પ્રસંગ છતાં પોતાની ફરજ છોડી નથી અને હિંમતથી સેવા કરી છે. રામચરિતમાનસમાં કહ્યું છે, પરહિત સરિસ ધર્મ નહિ ભાઈ. તુલસીદાસે પણ કહ્યું છે કે, દયા ધર્મકા મૂલ હૈ. દરેક મહાપુરૂષોમાં અને સજ્જનોમાં દયાનો-મદદ કરવાનો ગુણ અચૂક દેખાશે જ. બીજાના આનંદમાં આપણો આનંદ છે એવું બોલનાર પ્રમુખસ્વામી મહારાજ ૯૫ વર્ષ સુધી માનવમાત્રની સેવા કરવા જ જીવ્યા હતા. પ્રમુખસ્વામી મહારાજને પોતાના અલ્ટીમેટ ટીચર માનનાર ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.કલામ કહેતા, I am not a ÒhandsomeÓ boy. But I can give my hand to some one who needs help. દુઃખીના દુઃખની વાતો સુખી જો સમજી શકે તો દુઃખ આ વિશ્વમાં ના ટકે !! મેડીકલ સાયન્સ પણ કહે છે કે બીજાને મદદ કે સેવા કરવાથી તમને જ અપાર લાભ થાય છે. પોતા માટે કરેલું ભુલાઈ જશે પણ બીજા માટે કરેલ કાયમ યાદ રહેશે અને આનંદ આપશે. તન, મન, ધનથી થાય એટલી સેવા કરો. કાંઈ ન થાય તો જરૂરિયાતમંદ માટે પ્રાર્થના ચોક્કસ કરીએ. બધાને પોતાના માની, ઉપકાર કરીએ છીએ તેવા ભાવથી નહિ પરંતુ ભગવાન જ બધું કરે છે હું તો ખાલી નિમિત છું તેમ માની નિર્માનીપણે સેવા-સહાય કરવી તો કયારેય દુઃખ નહિ લાગે અને આનંદમાં રહેવાશે.            

ત્યારબાદ ચતુર્થ સંજીવની, શૂરવીરતા સાથે શ્રમ વિષય અંતર્ગત સ્વામીએ જણાવ્યું હતું કે, દુનિયાના અનેક સફળ મહાનુભાવોને પણ મોટી આપત્તિઓ આવી જ છે, નિષ્ફળતા મળી જ છે પણ તેમણે ડર્યા વિના મુસીબતોનો મુકાબલો કર્યો છે. મોટું નુકસાન થયા પછી પણ શૂરવીરતાથી શ્રમ કર્યો છે. અબ્રાહમ લિંકન કહેતા, Difficulties are gems to me. I embrace difficulties. ચાર્લી ચેપ્લીને આર્થિક, પારિવારિક મુશ્કેલીઓ હતી તેમાં પણ હિંમત રાખી શ્રમ કરી શ્રેષ્ઠ હાસ્ય કલાકાર બનેલા. ઘણા લોકો તમારા પરિશ્રમની ટીકા કરે તો પણ શૂરવીરતા રાખી શ્રમ કરી જીવનમાં ઉચ્ચ સિધ્ધિઓ હાંસલ કરી શકાય છે. કોરોના કાળમાં અભ્યાસ, નોકરી, ધંધામાં કે પરિવારમાં અનેક પ્રશ્નો, સમસ્યાઓ આવી હશે પણ તેમાં હિંમત હાર્યા વિના શૂરવીરતાથી શ્રમ કરી સામનો કરવાનો છે.

સંકટ સમયની સંજીવની, ત્રિ-દિવસીય પ્રસ્તુતિના અંતિમ દિન, સોમવારે બધા વિષયોનો સારરૂપ વાતોને માણવા રાત્રે ૯:૩૦ વાગ્યે http://gg.gg/sankat_samayni_sanjivni લીંક પર જોડાઈ સુખની સાચી દિશા બતાવનાર આ કાર્યક્રમનો લાભ આપણે પરિવારજનો સાથે અચૂક લઈએ.

(4:53 pm IST)