Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસ થઇ જશે તેવા ભયમાં અમદાવાદમાં ઍકલવાયુ જીવન જીવતા વૃદ્ધનો આપઘાત

અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સાથે હવે વિવિધ ફંગસને લગતા કેસ પણ વધી રહ્યા છે. મ્યુકોરમાઇકોસિસના કારણે હાહાકાર મચી ગયો છે. રોજનાં અનેક કેસો સામે આવી રહ્યા છે. જેનાં કારણે દર્દીના ઝડબા, આંખ, મોઠા અને વિવિધ અંગો કાઢવા પડે છે. તેવામાં લોકોમાં કોરોના બાદ આ રોગ મુદ્દે પણ ભારે ગભરામણ જોવા મળી રહી છે.

શહેરનાં પાલડી વિસ્તારમાં એકલવાયું જીવન જીવતા વૃદ્ધને ચાર મહિના પહેલા કોરોના થયો હતો. આ ઉપરાંત તેમને ડાયાબીટીસ અને બીપીની પણ સમસ્યા હતી. જો કે વિવિધ માધ્યમોમાં મ્યુકોરમાઇકોસિસ વિશે સાંભળીને તેમને ગભરામણ થઇ ગઇ હતી. તેઓ ટેન્શનમાં આવી ગયા હતા. પાલડી પોલીસે આ મુદ્દે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ આદરી હતી.

શહેરનાં પાલડીના અમન એપાર્ટમેન્ટમાં રહેતા નિરંજન શાહ (ઉ.વ80) એકલા રહેતા હતા. તેમના દીકરા મુંબઇ ખાતે રહે છે. તેઓએ બિમારીથી ગભરાઇને ફ્લેટના ધાબે જઇને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોકો એકત્ર થઇ જતા તેમને તત્કાલ સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટુકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. પાલડી પોલીસે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

(6:34 pm IST)