Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગાંધીનગરના રાંદેસણમાં પૈસા ડબલ 4.50 લાખ લઇ ફરાર થનાર વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર:જિલ્લામાં હાલ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા પોલીસ દોડી રહી છે ત્યારે એલસીબી-ર પીઆઈ એચ.પી.ઝાલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી બાતમીદારોને સક્રિય કરી ગુના ઉકેલવા તાકીદ કરી હતી. જેના અનુસંધાને એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન કો.જીતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે ગાંધીનગરમાં કેટલાક ઈસમો તેમની સાથે નકલી ચલણી નોટો માટેની સામગ્રી લઈને ફરી રહયા છે અને હાલ પથિકાશ્રમ પાસે તેઓ હાજર છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડીને જીજે-૦૬-કેએચ-૨૭૬૯ નંબરની કારમાંથી મહંમદ શકીર અબ્દુલ કરીમ વહોરા રહે.૩, આનંદ સોસાયટી, ભાલેજ રોડ આણંદ, ફીરોજ યુસુફભાઈ વહોરા રહે.૩ સીટીઝન સોસાયટી રોયલ પ્લાઝા, આણંદ, વિનાયક યોેગેશ નિકમ રહે. શાહીબાગ સોસાયટી વારસીયા રીંગરોડ અમદાવાદ, ચિરાગ ઉર્ફે પીન્ટુ રવિન્દ્રભાઈ દેસલે રહે.૪ર, આશાપુરા સોસાયટી આજવારોડ વડોદરાને ઝડપી લીધા હતા. જે કારમાંથી પોલીસને બે હજારની બનાવટી પ૮ લાખ રૃપિયાની નોટો બની શકે તે માટે કટીંગ કરેલા કાગળો મળી આવ્યા હતા. તેમજ કારમાંથી ૪.પ૦ લાખ રૃપિયા પણ મળ્યા હતા. જે સંદર્ભે પુછતાં શાહપુર સર્કલ પાસે રાંદેસણના યુવાનને કેમિકલ બતાવી જુની ચલણી નોટો નવી કરીને ત્રીસ ટકા વધુની લાલચ આપી સેરવી લીધા હોવાનું બહાર આવ્યું હતું. આ ટોળકી નકલી નોટો ખાનભાઈ નામના વ્યક્તિ મારફતે બનાવવાના હતા અને આ ગુનાને અંજામ આપે તે પહેલા જ એલસીબીની ટીમે આરોપીઓને ઝડપી લીધા હતા. જેમની પાસેથી કાર, રોકડ ૪.પર લાખ, છ મોબાઈલ, કેમીકલ મળી ૭.૯ર લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. 

(6:09 pm IST)