Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ ફરજની સાથો સાથ માનવતાની મહેક પ્રસરાવી ગરીબોના આધાર બન્યા

બાવીશી પરિવારના ૪૫ જેટલા સદસ્યો માટે ભોજન સહિતની જરૂરી મદદ કરવાની પહેલ કરી

રાજપીપળા : નર્મદા જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ કર્મચારીઓએ પોતાના ફરજની સાથો સાથ ગરીબ જરૂરિયાતમદોને મદદ કરીને માનવતાની મહેક પણ પ્રસરાવ્યાનુ બહાર આવેલ છે.

નર્મદા જિલ્લા વહિવટી તંત્રએ જેમના માથે આકાશની છત અને નીચે જમીનનો ઓટલો છે એવા સાવ નોંધારા પરિવારોને શોધી કાઢવા જહેમત ભરી કવાયત કરી હતી, જેમાં હાલ પ્રાથમિક તબકકામાં સાવ અસહાય એવા આ 22 જેટલા પરિવારોના આશરે 45 જેટલા સદસ્યોને વિવિધ પ્રકારે મદદરૂપ બનીવાનો પ્રશાસ હાથ ધર્યો છે, જેમાં રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ જેવી સામાજિક સંસ્થાનો સહયોગ મળ્યો છે.

નર્મદા જિલ્લા વહિવટી તંત્રના 14 જેટલા અધિકારીઓની સાત ટૂકડીઓએ રાજપીપલા નગરપાલિકા વિસ્તારના તમામ સાત વોર્ડમાં અસહાય અને લગભગ બારે માસ ઉપર આકાશ અને નીચે ધરતીની સ્થિતિમાં કઠિન જીવન જીવતા લોકોને શોધવા સર્વે કર્યો હતો.રાજપીપલા હરસિધ્ધિ માતા મંદિર સંકુલના પાછળના ભાગે સેન્ટ્રલ કિચન ખૂલ્લુ મૂકાયુ છે. આમ, જિલ્લા વહિવટીતંત્ર દ્રારા કરાયેલા આ સર્વેના પ્રાથમિક તારણ મુજબના પરિવારો-વ્યક્તિઓ માટે બે ટંક ભોજન વિતરણનો આજથી પ્રારંભ થયો છે.

નર્મદા સુગર ફેકટરી અને ભરૂચ દૂધ ધારા ડેરીના ચેરમેન અને જિલ્લાના અગ્રણી ઘનશ્યામ પટેલ, રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, ભારતીય વહિવટી સેવા સંવર્ગના પ્રોબેશનરી અધિકારી યુવરાજ સિધ્ધાર્થ, જિલ્લા પુરવઠા અધિકારી એન.યે.પઠાણ, નાંદોદ મામલતદાર ડી.કે.પરમાર, નગરપાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા સહિત જિલ્લા વહિવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, રાજપીપલા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના પ્રમુખ તેજસ ગાંધી, યુવા અગ્રણી નીલ રાવ, ગજેન્દ્રસિંહ જાડેજા, હિંદુ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી ભાસ્કર સોની વગેરેની ઉપસ્થિતિમાં ફૂટપાથ પર રહી ભટકતું જીવન વ્યતિત કરતાં નિરાધાર, ઘર-વિહોણા લોકોની ભોજન વ્યવસ્થા માટે નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સહયોગથી અને સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્રારા સંચાલિતસેન્ટ્રલ કિચનઆજે ખૂલ્લુ મૂકાયુ હતું.આ પ્રોજેકટમાં રસોઇ તૈયાર કરવાથી માંડીને તેના વિતરણ માટે 8 ના સ્ટાફ સહિત એક મોબાઇલ વાન ભોજન સેવા રથની સેવાઓ લેવાઇ રહી છે.

પ્રથમ તબકકામાં આજે આ સેન્ટ્રલ કિચનના પ્રારંભે રાજપીપલાના દશા માતાના મંદિર સામે, ટેકરા ફળિયા, રેન-બસેરા, રેલ્વે સ્ટેશન ફાટક પાસે, કાળા ઘોડા રેલ્વે નાળા પાસે, વાલ્મિકી વાસ, હરસિધ્ધિ માતા મંદિર, ગાયત્રી મંદિર અને શેષ નારાયણ મંદિર પાસે વગેરે જેવા રાજપીપલા શહેરના 12 થી 15 જેટલા વિવિધ વિસ્તારોમાં ભોજન રથ સેવા મારફત આજે પ્રથમ દિવસે આ લાભાર્થીઓને કાયમી ઉપયોગમાં લેવા માટે થાળી, વાટકો-ચમચી-ગ્લાસના સેટના વિતરણની સાથોસાથ બપોરનું ભોજન પીરસવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત આ તમામ પરિવાર-વ્યક્તિઓને સેનેટાઇઝર અને માસ્કનું પણ વિતરણ કરાયું હતું. આજથી શહેરમાં સર્વે કરાયેલા ઉકત પરિવારો-વ્યક્તિઓને બે ટંક તેમના જે તે વિસ્તારમાં જઇને રોજબરોજ ભોજનનું વિતરણ કરવામાં આવશે.

(8:20 pm IST)