Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

સમજાવટ બાદ મામલો ઠંડો પડયો: શાળા સંચાલકોનો યુટર્ન : રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને આવકારી

કાલે રાજયના 2938 શિક્ષકોને નિમણૂંકના હુક્મો અપાશે :મુખ્યમંત્રીના હસ્તે 5 શિક્ષકોને નિમણૂંક પત્રો એનાયત કરાશે

ગાંધીનગર: આવતીકાલ તા. 1લી જૂનના રોજ રાજ્યમાં 2938 શિક્ષકનો ભલામણ પત્ર અને નિમણૂંક હુકમો આપવામાં આવશે. તેમાંથી 5 શિક્ષકોને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીના હસ્તે નિમણૂક પત્રો આપવામાં આવશે. જ્યારે બાકીના શિક્ષકોને જિલ્લામાં નિમણૂક પત્રો આપવામાં આવશે.

  શિક્ષકોની ભરતીને લઇને શાળા સંચાલક મંડળોમાં ભારે વિરોધ હતો. ત્યાં સુધી કે શિક્ષણ વિભાગને સંચાલકો દ્વારા અપાયેલા એડવાન્સમાં શિક્ષકોના નિમણૂંક હુકમો પરત મેળવી લેવા સંચાલકોને આગ્રહ પણ કરવામાં આવ્યો હતો. સરકારી કાર્યક્રમ આડે ગણતરીના કલાકો હતા ત્યારે જ એક પછી એક શાળા સંચાલકો મંડળોમાં અસંતોષનો અગ્નિ ભભૂકયો હતો. તેને ઠારવા માટે સરકાર તરફથી શિક્ષણ વિભાગના સંયુક્ત શિક્ષણ નિયામક ( માધ્યમિક ) અને ગુજરાત રાજય શૈક્ષણિક સ્ટાફ પસંદગી સમિતિના સભ્ય સચિવ એચ.એન. ચાવડા મેદાનમાં ઉતર્યા હતા. તેમણે શાળા સંચાલકો જોગ પત્ર લખીને ભરતી પ્રક્રિયા અંગે સ્પષ્ટતાં કરવાની સાથે સમજાવ્યા હતા. તેમની સમજાવટ બાદ મામલો ઠંડો પડયો હતો. અને માત્ર 24 કલાકમાં જ વિરોધ કરી રહેલા શાળા સંચાલક મંડળોએ આજે એકાએક યુ ટર્ન માર્યો છે. અને સરકારની કામગીરીને આવકારીને સરકારી અધિકારીના પેટ ભરીને વખાણ કર્યા છે.

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ તથા ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ દ્વારા સંયુક્ત શિક્ષણ નિયામક એચ.એન. ચાવડાને પત્રો લખીને જણાવ્યું છે કે, રાજયની તમામ ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સમયસર શિક્ષક મળી રહે તે માટે પારદર્શક /ભ્રષ્ટ્રાચાર મુક્ત/ ન્યાયી ભરતી કરી છે. આપના પ્રોત્સાહનથી તમામ શિક્ષણાધિકારીઓ તેમજ નોડલ ઓફીસરો સતત આ કામ માટે પ્રયત્નશીલ રહ્યાં છે. કોઇપણ ઉમેદવારને કોઇપણ પ્રકારના અન્યાય થાય નહીં તેની સતત જાગૃતતા રાખી છે. બીજું કે શાળાઓ શરૂ થાય તુરત જ શિક્ષક મળી રહે તેવી કાર્યવાહી કરવા બદલ આપને અભિનંદન પાઠવ્યા છે.

વધુમાં એવું પણ જણાવ્યું છે કે, જે શિક્ષક તા.31 મેના રોજ નિવૃત થાય તેની જગ્યા પણ ભરી દેવાની તમે જે કાર્યવાહી કરી છે તે અભિનંદનને પાત્ર છે. સરકાર અને શિક્ષણ વિભાગ સાથે સતત મસલત કરી ભરતી અંગેની ઉત્તમોત્તર કાર્યવાહી કરી છે. આજ સુધી આ પ્રકારની ભરતી કાર્યવાહી જોવામાં આવી નથી.

તે જ રીતે સુરેન્દ્રનગર જિલ્લા શાળા સંચાલક મંડળે પણ આ જ પ્રકારનું લખાણ કરીને સરકારના પગલાંને વધાવી લીધું છે. જયારે ખેડા જિલ્લા શાળા સંચાલક મંડળે જણાવ્યું છે કે, ખેડા જિલ્લા શિક્ષણાધિકારીના હકારાત્મક અભિગમ રહ્યો છે. જેથી સરકાર દ્વારા સમગ્ર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભરતી પ્રક્રિયા થવાની છે. તેમાં સંચાલક મંડળ સાથે રહેશે.

આણંદમાં 223, પંચમહાલમાં 212, મહેસાણા 210, બનાસકાંઠા 207, સુરત 186, સાબરકાંઠા 158, દાહોદ 148, ગાંધીનગર 146, મહિસાગર 125, અરવલ્લી 116, ખેડા 99, ભાવનગર 94, અમદાવાદ ગ્રામ્ય 89, વડોદરા 81, વલસાડ 76, કચ્છ 60, પાટણ 59, અમદાવાદ શહેર 56, સુરેન્દ્રનગર 51, તાપી 48, જુનાગઢ 47, છોટા ઉદેપુર 45, જામનગર 41, અમરેલી 38, ગીર સોમનાથ 38, નર્મદા 32, રાજકોટ 29, ભરૂચ 26, દેવભૂમિ દ્વારકા 25, પોરબંદર 21, બોટાદ 17, મોરબી 15 અને ડાંગ 11 મળી કુલ 2938 શિક્ષણ સહાયકોને ભરતીના ઓર્ડર આપવામાં આવશે. આણંદમાં 223 ઉમેદવારોને ભલામણ પત્ર અને નિમણુંક હુકમો આપવા માટે નાયબ શિક્ષણ નિયામક મહેશ મહેતા ઉપસ્થિત રહેશે.

 

2938 પૈકી 5 શિક્ષકોને મુખ્યમંત્રીના હસ્તે અપાશે 34 જિલ્લા કલેકટર કચેરીમાં 20 લેખે 680 શિક્ષકોને વીડીઓ કોન્ફરન્સ રૂમમાં અપાશે 2253 શિક્ષકોને જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સેન્ટર ખાતે ડ્રાઇવ થ્રુ નિમણૂંક પત્ર અપાશે

(9:07 pm IST)