Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

કોરોના જીવલેણ : રાજ્યના એક આઇપીએસ અને 107 પોલીસ કર્મચારીઓને કોરોના ભરખી ગયો

પોલીસ કર્મચારીઓની સાથે 22 હોમગાર્ડ અને ટીઆરબી જવાનો પણ કોરોનાનો શિકાર બન્યાં

અમદાવાદ: ચીનથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલા જીવલેણ કોરોના વાઈરસે ભારે તબાહી મચાવી છે. છેલ્લા બે વર્ષથી કોરોના મહામારી સામેની જંગમાં ફ્રન્ટલાઈન કોરોના વૉરિયર્સની ભૂમિક ખૂબ જ અગત્યની રહી છે. કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. આ લૉકડાઉનના સમયે જ્યારે મોટાભાગના લોકો પોત-પોતાના ઘરોમાં કેદ હતા, ત્યારે પોલીસના જવાનો પોતાના પરિવારથી દૂર લોકોની સુરક્ષા કરી રહ્યાં હતા. જેના કારણે અનેક કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા

ગુજરાતમાં ગત એક વર્ષમાં એક આઈપીએસ અધિકારી સહિત 100થી વધુ પોલીસ કર્મચારીઓ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. જ્યારે અનેકની હાલ સારવાર ચાલી રહી છે

ગુજરાતમાં માર્ચ-2020થી કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે માર્ચ-2021માં આવેલી કોરોનાની બીજી લહેરે ભારે તબાહી મચાવી છે. કોરોનાની બીજી લહેર વધારે ઘાતક નીવડી છે, જેના કારણે અનેક પરિવારોનો માળો પિંખાઈ ગયો છે. આવા કપરા સમયે પણ પોલીસ કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ-રાત એલર્ટ પર છે. આ દરમિયાન અનેક અધિકારીઓ સંક્રમિત થયા હતા. વધુ દુ:ખની વાત એ છે કે, અનેક પોલીસ કર્મચારીઓ મોતના મુખમાં એટલા માટે ધકેલાઈ ગયા, કારણ કે તેમને સમયસર સારવાર નહતી મળી.

રાજ્યમાં ગત એક વર્ષમાં 107 પોલીસ કર્મચારીઓના મોત થયા છે. જૈ પૈકી અમદાવાદ શહેરમાં સૌથી વધુ 20 પોલીસ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સિવાય વડોદરામાં 13, સુરતમાં 8, રાજકોટમાં 3, ભાવનગરમાં 9 અને ગાંધીનગરમાં 5 પોલીસ કર્મચારીઓને કોરોના ભરખી ચૂક્યો છે.

પોલીસ કર્મચારીઓની સાથે 22 હોમગાર્ડ અને ટીઆરબી જવાનો પણ કોરોનાનો શિકાર બન્યાં છે, કારણ કે કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ વચ્ચે પણ હોમગાર્ડ અને TRB જવાનો ફરજ બજાવતા રહ્યાં છે.

(9:09 pm IST)