Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બનાસકાંઠામાં મ્યુકોર માઈકોસીસને નાથવા આરોગ્યતંત્રનો મેગા સર્વે :કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ કરે છે તપાસ

તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા : તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો કાર્યરત

બનાસકાંઠા જિલ્લામાં મ્યુકોર માઈકોસીસના કેસ વધી રહ્યા છે. જેને લઈ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા મેગા સર્વે હાથ ધરવામાં આવ્યું છે. મ્યુકોર માઈકોસીસના કેસને નાથવા આરોગ્યની કોરોના પોઝિટીવ દર્દીઓના ઘરે જઈ તપાસ કરી રહી છે. જેમાં 10 જેટલા શંકાસ્પદ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવ્યા છે.

કોરોના મહામારી બાદ મ્યુકોર માઈકોસીસના કેસ સૌથી મોટી સમસ્યા છે. જેને લઈને હવે બનાસકાંઠા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ આરોગ્યની ટીમો જે દર્દીઓ કોરોના પોઝિટિવ બાદ રિકવર થયા છે, તેમને કોઈ પ્રાથમિક લક્ષણો છે કે કેમ તેને લઈ તપાસ હાથ ધરી છે. આરોગ્યની ટીમ દર્દીઓના ઘરે જઈ સર્વે કરી રહી છે.

જેના કારણે પ્રથમ સ્ટેજમાં જ મ્યુકોર માઈકોસીસના કેસને ઝડપી શકાય. બનાસકાંઠા જિલ્લામાં 9,000 જેટલા કોરોના પોઝિટીવ દર્દીઓ સરકારી આંકડા મુજબ નોંધાયા હતા. જે પૈકી અત્યાર સુધી 30થી વધુ મ્યુકોર માઈકોસીસના કેસ સામે આવી ચુક્યા છે. જેથી કોરોના પોઝિટીવ તમામ લોકોના ઘર પર જઈ આરોગ્યની ટીમ તેમને કોઈ દર્દીને મ્યુકોર માઈકોસીસના પ્રાથમિક લક્ષણ છે કે કેમ તેને લઈ તપાસ કરી રહી છે.

જેની મોટી સફળતાએ છે કે આજે તપાસ ટીમ દ્વારા તપાસ કરતા એવા 10 દર્દીઓ મળી આવ્યા, જેને પ્રથમ સ્ટેજમાં મ્યુકોર માઈકોસીસના લક્ષણો હતા. પરંતુ દર્દીઓને ખબર ન હતી.

(11:16 pm IST)