Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ઇફ્કોએ બનાવ્યું વિશ્વનું પ્રથમ નેનો યુરિયા : 50 કિલોની બોરી જેટલું યુરીયા હવે અડધા લીટરની બોટલમાં સમાશે

લીક્વીડ ખાતર બનાવીને ઇફ્કોએ કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો: કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવાયુ

 

ખાતર બનાવતી વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની ઇન્ડિયન ફાર્મર ફર્ટીલાઈઝર કો-ઓપરેટીવ લીમીટેડ (IFFCO) એ વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવીને કૃષિ ક્ષેત્રે ઈતિહાસ સર્જ્યો છે. આજે 31 મે ના રોજ ઇફકોની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કરવામાં આવ્યું. ખેતીમાં યુરિયાના આડેધડ ઉપયોગથી બચવા માટેની ગંભીર સમસ્યાથી છૂટકારો મેળવવા માટે નેનો યુરિયા દરેક રીતે ઉપયોગી સાબિત થશે.

50 કિલો યુરીયા ખાતર હવે માત્ર 500 મિલી બોટલમાં સમાયું છે. અશક્ય જણાતી આ વાતને વિશ્વની સૌથી મોટી સહકારી ખાતર કંપની IFFCO શક્ય કરી બતાવી છે. ઇફકોએ વિશ્વનું સૌ પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર બનાવ્યું છે. કિંમતમાં સસ્તું હોવા ઉપરાંત નેનો યુરીયા પાક માટે પણ અસરકારક રહેશે. આ નેનો લિક્વિડ યુરીયા ગુજરાતના કાલોલમાં સ્થિત ઇફકો નેનો બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરમાં વિકસાવવામાં આવ્યું છે.

31 મે ના રોજ મળેલી IFFCO ની 50મી સાધારણ સભાની બેઠકમાં ઇફકોના મેનેજીંગ ડીરેક્ટર ડો.અવસ્થીએ ઇફકોની પ્રતિનિધિ મહાસભાના સભ્યો સામે વિશ્વનું પ્રથમ Nano Urea લીક્વીડ ખાતર લોંચ કર્યુ. નેનો યુરીયા ખેડૂતો માટે વરદાન સાબિત થશે. આ પ્રસંગે ડો.અવસ્થીએ કહ્યું,'આજે ઇફકોની 50મી વાર્ષિક સાધારણ સભાની બેઠકમાં અમારી પ્રતિનિધિ મહાસભાના સભ્યોની હાજરીમાં સમગ્ર દુનિયાના ખેડૂતો માટે વિશ્વનું પહેલું નેનો યુરીયા લીક્વીડ ખાતર લોંચ કર્યુ. સમગ્ર દુનિયાના ખેડૂતોને ભારતના નેનો યુરીયાની ભેટ, સૌને વધામણીઓ!'

(11:26 pm IST)