Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

દારૂબંધીના ધજાગરા : બુટલેગરો બેખૌફ :રાજસ્થાનથી ગુજરાતમાં લવાતો 4 કરોડનો 1200 પેટી દારૂ ઝડપાયો: 11 આરોપીની ધરપકડ

બિકાનેર સહિત પાંચ જિલ્લાની IT ટીમે ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાના દારૂનો મુદ્દામાલ જપ્ત : 5 મિનિ ટ્રક અને 8 ફોર વ્હીલ ઝડપાઇ

અમદાવાદ : કોરોનાની મહામારી વચ્ચે પણ દારૂની સપ્લાયના કિસ્સાઓ સામે આવે છે. ક્યારેક બુટલેગરો જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની આડમાં દારૂની સપ્લાય કરતા પકડાય છે. તો ક્યારેક અલગ-અલગ વાહનોમાં દારૂનો મુદ્દામાલ સંતાડીને લઈ જતા હોય તેવા કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ફરી એક વખત સામે આવી છે કે જેમાં બિકાનેર સહિત પાંચ જિલ્લાની IT ટીમે ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાના દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

રિપોર્ટ અનુસાર બિકાનેર સહિત પાંચ જિલ્લાની IT ટીમને બાતમી મળી હતી કે રાજસ્થાનના શિરોહી ભુજેલની હદમાંથી દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ITની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન પાંચ જિલ્લાની આયકર વિભાગની ટીમ દ્વારા 1200 ઈંગ્લીશ દારૂની પેટી જપ્ત કરવામાં આવી છે અને 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

IT અધિકારીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, આ તમામ આરોપી 5 મિનિ ટ્રક અને 8 ફોર વ્હીલ ગાડીમાં દારૂનો મુદ્દામાલ જપ્ત કરીને લઈ જતા હતા. તેથી પોલીસે 5 મિનિ ટ્રક અને 8 ફોર વ્હીલનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે મિનિ ટ્રક જપ્ત કર્યા છે તેમાં કેટલાક ટ્રકની આગળ પશુ આહાર લખવામાં આવ્યું હતું. જોકે આ દારૂનો મુદ્દામાલ ગુજરાત બોર્ડરથી 110 કિલોમીટર દૂરથી ઝડપાયો છે. IT અધિકારીઓની તપાસમાં સામે આવ્યું હતું કે, દારૂ જે વાહનોમાં લાવવામાં આવતો હતો તે મોટાભાગના વાહનો અમદાવાદ પાર્સિંગ હતા અને દારૂની અંદાજિત કિંમત 4 કરોડ રૂપિયા થઈ રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાત કરી રહી છે. અવાર નવાર લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પોલીસના હાથે ઝડપાયો છે. તો કેટલીક વખત તો દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ જનતા રેડ કરી હોવાનું પણ સામે આવ્યુ છે.

જોકે અવાર નવાર લાખો રૂપિયાનો દારૂનો મુદ્દામાલ પકડાયો હોવાના કારણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા દારૂબંધીના કાયદામાં પણ કેટલાક ફેરફારો કરવાની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી છે. ત્યારે હવે પોલીસ દ્વારા 4 કરોડ કરતાં વધુના દારૂના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

(12:29 am IST)